તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થતાં વિજયપ્લોટના ૧૯ વર્ષના રાજનનું મોત
રાતે એક વાગ્યે મિત્રને સાથે લઇ ચક્કર મારવા નીકળ્યો ત્યારે બનાવઃ મિત્રનો નજીવી ઇજા સાથે બચાવઃ યુવાન દિકરાના મૃત્યુથી ઠાકોર-કોળી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૭: શહેરમાં જીવલેણ વાહન અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. હેમુ ગઢવી હોલ નજીક મોડી રાતે બાઇક સ્લીપ થઇ જતાં વિજય પ્લોટમાં રહેતો યુવાન અને તેનો મિત્ર ફંગોળાઇ ગયા હતાં. જેમાં યુવાનનું મોત થયું હતું અને તેના મિત્રનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બંને મિત્રો રાત્રે ચક્કર મારવા નીકળ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ વિજય પ્લોટ શેરી નં. ૨૮માં રહેતો રાજન સુરેશભાઇ ઠાકોર (ઉ.વ.૧૯) રાતે બાઇકમાં મિત્રને બેસાડી ઘરેથી ચક્કર મારવા નીકળ્યો હતો. એકાદ વાગ્યા આસપાસ હેમુ ગઢવી હોલ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી. તેના મિત્રનો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો. રાજનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર રાજન ઘર નજીક જ આવેલા કારખાનામાં કામ કરતો હતો. રાજન બે ભાઇમાં મોટો હતો અને પરિવારનો આધારસ્તંભ હતો. તેના પિતા બિમાર રહેતાં હોઇ નિવૃત જીવન જીવે છે. આધારસ્તંભ યુવાન દિકરાના મૃત્યુથી ઠાકોર-કોળી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:51 PM IST)










