તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
રાજકોટના આંગણે પૂજ્ય આનંદમૂર્તિ ગુરુમાની ‘અમૃતવર્ષા'
૧૩ થી ૧૬ નવેમ્બર બીએપીએસ સભાગૃહમાં સત્સંગઃ કાલાવાડ રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે સવારે ૮ થી ૧૦ યોજાશે ચાર દિવસીય જ્ઞાનયજ્ઞઃ સર્વધર્મ સમભાવ, પ્રવેશ નિઃશુલ્ક

રાજકોટઃ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ અને સત્સંગીઓ માટે, આગામી તારીખ ૧૩ થી ૧૬ નવેમ્બર દરમિયાન પ્રસિદ્ધ મહિલા સંત પૂજ્ય આનંદમૂર્તિ ગુરુમાના સત્સંગ ‘અમૃતવર્ષા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ કાલાવાડ રોડ પર સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે દરરોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન યોજાશે. આ સત્સંગ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેમાં દરેક ધર્મ, સંપ્રદાય અને વર્ગના લોકોનું સ્વાગત છે.
સૌરાષ્ટ્રની સંતોને સત્કારતી ભૂમિ પર, રાજકોટના ભગવતપ્રેમીઓ અને અધ્યાત્મ માર્ગના સાધકોના માર્ગદર્શન માટે જાણીતા ક્રાંતિકારી મહિલા સંત પૂજ્ય આનંદમૂર્તિ ગુરુમા પધારી રહ્યા છે. રાજકોટના જિજ્ઞાસુઓ દ્વારા થતી હૃદયપૂર્વકની પુકારને પગલે, ગુરુમા આગામી તારીખ ૧૩ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી રાજકોટના આંગણે ‘અમૃતવર્ષા' સ્વરૂપે જ્ઞાન વહેડાવશે.
આ ચાર દિવસીય સત્સંગનું આયોજન કાલાવાડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે કરવામાં આવ્યું છે. સત્સંગનો સમય દરરોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે.
આધુનિક વિજ્ઞાન અને અગાધ આધ્યાત્મિક જ્ઞાનનો સંગમઃ પૂજ્ય આનંદમૂર્તિ ગુરુમા એક એવા સમકાલીન સંબુદ્ધ સદ્ગુરુ છે જેમણે બહુ નાની વયે પરિવાર ત્યાગીને હૃષીકેશ અને ભારતભરમાં ભ્રમણ કર્યું હતું. તેઓ પુરાણો, વેદ અને ઉપનિષદ સહિતના આધ્યાત્મિક ગ્રંથોનું જેટલું અગાધ જ્ઞાન ધરાવે છે, તેટલી જ ઊંડી જાણકારી આધુનિક વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર અને ટેકનોલોજીના નવા પ્રવાહો વિશે પણ ધરાવે છે. તેમનો આધુનિકતાવાદી લ્લષ્ટિકોણ જ તેમને યુવા-વર્ગમાં પણ અત્યંત લોકપ્રિય બનાવે છે.
સંગીત દ્વારા આધ્યાત્મિક અનુભૂતિઃ આનંદમૂર્તિ ગુરુમા એક પ્રતિભાવાન સંગીતકાર અને સૂરીલા કંઠના સ્વામી છે. જ્યારે તેમના કંઠમાંથી કબીર, મીરાં કે ગુરુ નાનક જેવા મહાન સંતોની રચનાઓ વહે છે, ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને એક અલૌકિક આધ્યાત્મિક અનુભૂતિનો સ્વાદ માણે છે. તેમનું લક્ષ્ય જીવનના તાપ-સંતાપથી ગ્રસિત લોકોને માર્ગદર્શન આપી, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું છે.
‘શક્તિ મિશન' થકી કન્યા કેળવણીનો યજ્ઞઃ આધ્યાત્મના ઉચ્ચ શિખરો સર કરવા છતાં, ગુરુમા સમાજના દરેક સ્તર સાથે ઊંડી નિસ્બત ધરાવે છે. તેમણે હિદુસ્તાનની દરેક દીકરી શિક્ષણ પામે તેવા ઉદ્દેશ્યથી દોઢ દાયકા અગાઉ 'શક્તિ મિશન'નો પ્રારંભ કર્યો હતો. આ મિશન હેઠળ છેલ્લા પંદર વર્ષમાં હજારો કન્યાઓને શિક્ષિત કરવામાં આવી છે. દિલ્હી નજીક હરિયાણાના ગન્નોર ખાતેના તેમના આશ્રમમાં વર્ષ દરમિયાન અનેક શિબિરો અને સત્સંગ કાર્યક્રમો ચાલતા રહે છે.
રાજકોટવાસીઓ માટે નિઃશુલ્ક આયોજનઃ રાજકોટના લોકો માટે ગુરુમાનું નામ અજાણ્યું નથી. ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો દરરોજ તેમના જ્ઞાનનો લાભ લે છે. અગાઉ પણ રાજકોટમાં તેમના કાર્યક્રમોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ ચાર દિવસીય સત્સંગ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેમાં કોઈપણ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગના ભેદભાવ વિના સર્વે જિજ્ઞાસુઓ અને શ્રદ્ધાળુઓનું સ્વાગત છે
(3:31 PM IST)










