તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
કાલિદાસના 'ઋતુસંહાર'માં શું 'અભિનવ' છે? : રવિવારે રાજકોટમાં લે. ડૉ. સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ' દ્વારા પુસ્તક પર સંવાદનું આયોજન
મહાકવિ કાલિદાસના પ્રકૃતિ વર્ણન પર 'ભારવિ' ભાષા રચના વિચાર મંચ'નો ૪૫મો બેઠક મણકો : દેડકાનું સાપની ફેણ નીચે આશરો લેવાનું અને નર કોયલનું ચુંબન, જેવા 'પ્રહેલિકા'નો ઉત્તર પરિશીલનમાં રજૂ થશે : નિવૃત્ત વિભાગાધ્યક્ષ પ્રો. ડૉ. એમ. કે. મોલીયા મુખ્ય વક્તા : રસિકજનોને આ અનોખા સંવાદમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ

રાજકોટ, તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૫ : રાજકોટના સાહિત્યરસિકો માટે ભારવિ ભાષા રચના વિચાર મંચ દ્વારા એક અતિ રસપ્રદ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકવિ કાલિદાસ રચિત પ્રસિદ્ધ કાવ્ય "ઋતુસંહાર" પર આધારિત લેખક લેફ. ડૉ. સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ' દ્વારા લિખિત પુસ્તક "ઋતુસંહાર (અભિનવ પરિશીલન)" વિશે સંવાદ યોજાશે.
આ કાર્યક્રમ બેઠક મણકો: ૪૫ અંતર્ગત આગામી રવિવાર, તા. ૦૯.૧૧.૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાક સુધી યોજાશે.
શું છે 'અભિનવ પરિશીલન'માં?
લેખક ડૉ. સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ' તેમના અભિનવ પરિશીલનમાં મહાકવિ કાલિદાસના પ્રકૃતિ વર્ણનના કેટલાક એવા શ્લોકો પર પ્રકાશ પાડશે, જે પરંપરાગત રીતે કાલ્પનિક અથવા અસંભવ જણાતા હતા. આ સંવાદમાં બે મુખ્ય 'પ્રહેલિકા' પર ભાર મૂકવામાં આવશે:
૧. નર કોયલનું ચુંબન (શ્લોક ૧૪): પરંપરાગત માન્યતાથી વિપરીત, કોયલના કૂજનને માદા નહીં, પણ નર કોયલનું કાર્ય જણાવી, આંબાના રસથી મદોન્મત્ત નર કોયલ પ્રેમથી પોતાની પ્રિયા (માદા કોયલ)ને ચુંબન કરે છે તેવું વર્ણન કરવામાં આવ્યું છે.
૨. દેડકાનો સાપની ફેણ નીચે આશરો (શ્લોક ૧૮): ઉનાળાના તીવ્ર તાપથી ત્રસ્ત દેડકો, કાદવવાળા સરોવરમાંથી કૂદીને તરસ્યા સાપની ફેણની છત્રી નીચે આરામ લેવા બેસે છે. આ કાલ્પનિક લાગતા વર્ણન અને ઉનાળામાં દેડકાની ગેરહાજરી જેવા પ્રશ્નોનો ઉત્તર 'અભિનવ પરિશીલન'માં રજૂ થશે.
લેખક ડૉ. સતીશચન્દ્ર વ્યાસ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી પોતાનું વ્યાખ્યાન રજૂ કરશે.
મુખ્ય વક્તા અને સ્થળ
કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અને "ઋતુસંહાર" વિશે વક્તવ્ય આપવા માટે અતિથિ વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના નિવૃત્ત વિભાગાધ્યક્ષ પ્રો. ડૉ. એમ. કે. મોલીયા ઉપસ્થિત રહેશે.
* સ્થળ: આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ નટરાજનગર શાખા અને સત્ત્વ ફાઉન્ડેશનના સૌજન્યથી "સત્ત્વ", જલારામ - ૨ સોસાયટી, ૨/૧૦નો ખૂણો, SBI વાળી શેરી, યુનિ. રોડ, રાજકોટ ખાતે યોજાશે.
રસિકજનોને આ અનોખા સંવાદમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:55 PM IST)










