<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

એજ્‍યુકેશન નોડલ ઓફિસરનો સ્‍વાંગ રચી ગીરના જયસુખે રાજકોટના અધિકારી સાથે છેતરપીંડી કરી

સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટના કોૈશલ્‍ય સ્‍કીલ ડેવલપમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટના નામે ઠગાઇ : મદદનીશ સમાજ કલ્‍યાણ અધિકારીને સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટની મફત લેપટોપ યોજનામાં ૪ છાત્રો ઘટે છે તે શોધી આપો, સરકારી કર્મચારીને પણ કેન્‍દ્ર સરકાર લેપટોપ આપે છે તેવું કહી છત્રીસ હજાર મેળવી લીધા : પહેલા વિદ્યાર્થી દીઠ ૨-૨ હજાર માંગ્‍યા, પછી કહ્યું-વધુ ૨-૨ હજાર આપો તો ૧ ટીબી હાર્ડડિસ્‍કવાળુ લેપટોપ મળશેઃ લેપટોપ મળી જાય પછી ભરેલી રકમ પણ પાછી મળી જશે : સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવા અને ટીમે આરોપી જયસુખ સરવૈયાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી

રાજકોટ તા. ૭: શહેરના બહુમાળી ભવન ખાતે મદદનીશ સમાજ કલ્‍યાણ અધિકારી સાથે મફતમાં સરકારી યોજના અંતર્ગત લેપટોપના નામે રૂા. ૩૬ હજારની ઠગાઇ કરવામાં આવી છે. શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગીર સોમનાથ પંથકના ગઠીયાને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે. આ શખ્‍સે પોતે સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટના કોૈશલ્‍ય સ્‍કીલ ડિપાર્ટમેન્‍ટમાં એજ્‍યુકેશન નોડલ ઓફિસર હોવાનું કહી સમાજના અને ગરીબ છાત્રોને મફતમાં લેપટોપ તેમજ સરકારી કર્મચારીઓને પણ લેપટોપ મળે છે તેમ કહી ક્‍યુઆર કોડથી નાણા લઇ લીધા હતાં.

આ બનાવમાં સાબયર ક્રાઇમ પોલીસે મુળ ઉનાના દુધાળા ગામના અને હાલ મોટા મવા કટારીયા ચોકડી પાછળ પંડીત દિનદયાળનગર એ-૧૧૧, રંગોલી પાર્ક પાસે રહેતાં અને બહુમાળી ભવન ખાતે મદદનીશ સમાજ કલ્‍યાણ અધિકારી તરીકે જીલ્લા નાયબ નિયામક વિકસતી જાતી કલ્‍યાણ કચેરીમાં ફરજ બજાવતાં નિખીલભાઇ સોમાભાઇ પરમાર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી જયસુખ અરજણભાઇ સરવૈયા અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઇનો ગુનો નોંધી ગીર સોમનાથ પંથકના આરોપી જયસુખને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. 

નિખીલભાઇ પરમારે જણાવ્‍યું છે કે ૧૦ ઓક્‍ટોબરના રોજ મારા વતની પરમાર ડાયાભાઇએ મને ફોન કરી કહેલું કે સાહેબ મારી દિકરી રાજકોટ ખાતે કોલેજમાં બીસીએ કોમ્‍પ્‍યુટરનો અભ્‍યાસ કરે છે અને તેના માટે સરકાર દ્વારા મફતમાં લેપટોપ સહાય હોય તો જણાવજો. જેથી મેં કહેલું કે ગુજરાત સરકાર દ્વારા મફતમાં લેપટોપ આપવામાં આવતું હોય તેવી કોઇ સરકારી યોજના અમલમાં નથી. પરંતુ મારા ખ્‍યાલ મુજબ ગુજરાત સરકારમાં અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમમાં લેપટોપ સહાય યોજના અમલામાં છે. તેમાં અમુક નક્કી કરેલ સહાય વિદ્યાર્થીઓને મળતી હોય છે. ત્‍યારબાદ ડાયાભાઇએ મને કહેલું કે મારી દિકરી રાજકોટમાં જ્‍યાં રહે છે ત્‍યાં તેની સાથે રહેતી બહેનપણીએ સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ દ્વારા રૂા. ૨૦૦૦માં લેપટોપ આપવામાં આવે છે તેવી અરજી કરી છે. લેપટોપ મળ્‍યે અરજી સમયે ભરેલા રૂા. ૨૦૦૦ પણ પાછા મળે છે.

આથી મેં તેમને કહેલું કે આવી કોઇ યોજના મારા ખ્‍યાલમાં નથી. આ પછી ડાયાભાઇએ કહેલું કે આપણા તાલકુાના એક સાહેબ છે જે સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટમાં નોકરી કરે છે અને આ યોજનાનો લાભ અપાવે છે, મારી પાસે તેના નંબર છે તે તમને આપું. તેનું નામ જયસુખ સરવૈયા છે, મને આ યોજનામાં સમજ પડતી નથી એટલે હું તમારી સાથે એની વાત કરાવુ છું. તેમ કહી ડાયાભાઇએ કોન્‍ફરન્‍સમાં વાત કરાવી હતી. સામે વાત કરનારે પોતે જયસુખ અરજણભાઇ સરવૈયા છે અને હાલ સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ કોૈશલ્‍ય સ્‍કીલ ડેવલપમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટમાં એજ્‍યુકેશન નોડલ ઓફિસર તરીકે નોકરી કરુ છું. તેણે એમ પણ કહ્યું હતું કે હું આપણા સમાજના અને પછાત વર્ગના ગરીબ બાળકોને આ યોજનાનો લાભ અપાવું છું. આ પછી ૧૧/૧૦/૨૫ના રોજ સવારે મને ફોન અને વ્‍હોટ્‍સએપમાં મેસેજ કરી હું એજ્‍યુકેશન નોડલ ઓફિસર જયસુખ સરવૈયા છું, સાહેબ આપણે ગત રાતે કોન્‍ફરન્‍સમાં લેપટોપ યોજનાની વાત થઇ હતી તેમાં હવે ચાર વિદ્યાર્થી ઘટે છે, ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે, તમે આપણા સમાજના ચાર વિદ્યાર્થી શોધી આપો અને ડોક્‍યુમેન્‍ટ મોકલી આપો તો યોજનાનો લાભ મળી જાય.

આથી મેં જયસુખ સરવૈયાના નામે વાત કરનાર પર વિશ્વાસ રાખી મારા સમાજના  ચંદુ રવજીભાઇ સોલંકી, અંકિતાબેન ભગવાનાભાઇ સોસા, તૃપ્‍તી કાનજીભાઇ વાઢેર અને જીજ્ઞાબેન ભગવાનભાઇ સોસા વતની જયસુખ સરવૈયાએ મોકલેલા ક્‍યુઆર કોડમાં રૂા. ૮૦૦૦ મારા બેંક એકાઉન્‍ટમાંથી મોકલી દીધા હતાં. આ પછી જયસુખે કહેલું કે હજુ વિદ્યાર્થી દિઠ ૪-૪ હજાર વધુ ભરશો તો એસુસ કંપનીનું સારુ અને વન ટીબી હાર્ડડીસ્‍ક વાળુ લેપટોપ મળશે તેમ કહેતાં મેં ફરીથી ૮૦૦૦ નાખ્‍યા હતાં. બાદ જયસુખે મને કોલ કરી કહેલુ કે સરકારી કર્મચારીને કેન્‍દ્ર સરકાર તરફથી લેપટોપ મળે છે. જેમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓને ખબર જ નથી હોતી. તેમાં ૧૫૦૦૦ અને ડોક્‍યુમેન્‍ટ આપવાના હોય છે. લેપટોપ મળ્‍યે ૧૨૫૦૦ રીફંડ મળી જાય છે.

આથી મેં જયસુખને મારુ આઇકાર્ડ અને આધારકાર્ડ મોકલ્‍યા હતાં. તેણે ચેક કરીને આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર છે તેમ કહેતાં મેં ફરી તેના ક્‍યુઆર કોડમાં રૂા. ૧૫૦૦૦ મોકલી દીધા હતાં. એ પછી જયસુખે કોલ કરી કહ્યું હતું કે-મારી ભુલ થઇ ગઇ છે, રૂા. ૧૫ હજાર નહિ ૨૦ હજાર ભરવાના છે. આથી મેં ફરી ૫ હજાર તેને ટ્રાન્‍સફર કર્યા હતાં. આ રીતે તેણે કુલ ૩૬ હજાર મારી પાસેથી લઇ લીધા હતાં. બે દિવસ બાદ મેં તેને ફોન કરતાં તેણે ફોન ન ઉપાડતાં શંકા જતાં ફ્રોડ થયાની ખબર પડી હતી. જેથી ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇનમાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં નિખીલભાઇએ કહેતાં એસીપી પટેલની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા અને સ્‍ટાફે આરોપી જયસુખ સરવૈયાને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. બીજા લોકોને પણ તેણે આ રીતે છેતર્યાની શંકાએ તપાસ થઇ રહી છે.

(12:35 PM IST)