તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
વંદે માતરમ્: માતૃભૂમિની વંદના અને રાષ્ટ્રીય એકતા માટેનો સંદેશ

‘‘વંદે માતરમ્''નો જન્મ માત્ર એક સાહિત્યિક કૃતિ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રની ચેતના ઉકેલનારા મંત્ર તરીકે થયો. સન ૧૮૭૫માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમના પ્રસિદ્ધ નવલકથા ‘‘આનંદમઠ''માં આ કાવ્ય રચ્યું ત્યારે તે માત્ર કાવ્ય ન હતું, પરંતુ માતૃભૂમિ પ્રત્યેના અપરમિત સમર્પણનો ઘંટનાદ હતો. ત્યારથી લઈને સ્વાતંત્ર્ય સુધી, એ સ્વર દરેક ક્રાંતિકારીના હૃદયમાં ધબકતો રહ્યો. તે સમય દરમિયાન ભારત બ્રિટિશ શાસન હેઠળ ગુલામી વેઠી રહ્યું હતું. લોકોના મનમાં સ્વતંત્રતાની ચાહના હતી, પણ ઉપચારાત્મક શક્તિનો અભાવ હતો. આવા સંજોગોમાં ‘‘વંદે માતરમ્'' એ ભાષા, સંગીત અને ભાવના દ્વારા ભારતને જાગૃત કરવાનું કામ કર્યું. ‘‘વંદે માતરમ્'' શબ્દો જે ભારતીય સ્વતંત્રતા આંદોલનનું પ્રાણ બની ગયુ હતુ. આ ગીત ભારત માટે માત્ર એક સંગીત નહીં, પરંતુ એક સંકલ્પ છે, માતૃભૂમિ માટે પ્રેમ, એકતા અને બલિદાનનો પ્રતિબિબ, સ્વાતંત્ર્ય સેનાનીઓના હોઠ પર ‘‘વંદે માતરમ્'' એ જ વાક્ય વિજયના ઘોષવાક્ય તરીકે ગુંજી ઉઠતું.
આ ગીત પ્રથમ વખત ૧૮૯૬માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું અને પછીથી સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રેરણાસ્તોત્ર બની ગયું. બંકિમચંદ્રના શબ્દોમાં ‘‘માતા'' એટલે ભારતની પવિત્ર માતૃભૂમિ હરિયાળા ખેતરો, ઉજળી નદીઓ અને માનવીય મૂલ્યોનું અભિવ્યક્ત સ્વરૂપ છે.
દાદાભાઈ નવરોજી, રવીન્દ્રનાથ ટાગોર જેવા નેતાઓએ આ ગીતને રાષ્ટ્રના એકીકરણનું પ્રતિક ગણાવ્યું. ટાગોરે પોતે આ ગીતને સંગીતમાં રુપાંતરિત કરેલું?. ત્યારબાદ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક, અરુબિદો ઘોષ વગેરે માટે ‘‘વંદે માતરમ્'' પ્રેરણાનું ધ્વનિ બની ગયું. બ્રિટિશ શાસન દરમિયાન આ નારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, છતાં એની ગૂંજ કદી શાંત ન થઈ.
સ્વાતંત્ર્ય પછી, ૧૯૫૦માં ભારતના બંધારણે ‘‘વંદે માતરમ્''ને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી અને ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્ય થયું અને રાષ્ટ્રગાન ‘‘જન ગણ મન'' સાથે સન્માનનો દરજ્જો પ્રાપ્ત કર્યો.
આજે જ્યારે વંદે માતરમ્ ૧૫૦ વર્ષનું થઈ રહ્યું છે, ત્યારે યુવાનો માટે તેનો અર્થ માત્ર ઇતિહાસ નહીં પરંતુ જવાબદારી છે. આ ગીત આપણે યાદ અપાવે છે કે રાષ્ટ્રપ્રેમ એ ભાવના છે, જે વ્યક્તિને સમાજ, સંસ્કૃતિ અને માનવતાનો રક્ષક બનાવે છે. યાદ અપાવે છે કે દેશપ્રેમ માત્ર ભાવના નહીં, કર્મમાં ઉતરેલો સંકલ્પ છે. ટેકનોલોજી, શિક્ષણ અને નવીનતામાં આગળ વધતા યુવાનોને આ ગીત શીખવે છે કે આધુનિકતા સાથે સંસ્કાર, પ્રગતિ સાથે સમર્થતા રાખવી એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. નાગરિકતા અને વૈશ્વિકતાના યુગમાં પણ રાષ્ટ્રની સેવા, પર્યાવરણ પ્રત્યે કર્તવ્ય ભાવ અને એકતા જાળવવાની પ્રતિબદ્ધતા એ જ ‘‘વંદે માતરમ્''ની આજની જીવંત ભાવના છે. ‘‘વંદે માતરમ્''આપણે સૌને એક જ ધર્મમાં બાંધે છે ભારતત્વના ધર્મમાં.
આલેખન
બાબુભાઈ મેનપરા
નિવૃત્ત અધિકારી, બીએસએનએલ
(12:09 PM IST)










