તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 6th November 2025
મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં ટ્રીપલ સવારીવાળુ બાઇક અથડાયું: ત્રણ મિત્રોને ગંભીર ઇજાઓ
રાતે નાસ્તો કરી રેસકોર્ષથી કાલાવડ રોડ તરફ જતાં હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૬: શહહેરના મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે મોડી રાતે રોડ ડિવાઇડરમાં ટ્રીપલ સવારી બાઇક અથડાતાં તેના પર સવાર યુવાનો રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં એકને ગંભીર ઇજા પહોંચી છે. ત્રણેય યુવાનો રાતે નાસ્તો કરવા નીકળ્યા હતાં. બાદમાં રેસકોર્ષથી કોટેચા ચોક તરફ જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી સામે સરકારી ક્વાર્ટરમાં રહેતો યુવરાજ પરષોત્તમભાઇ પરમાર (ઉ.વ.૧૮) તથા તેના બે મિત્રો વિવેક રાજુભાઇ બારૈયા (ઉ.વ.૧૭) અને મેટોડા ગેઇટ-૧માં રહેતો રોહિત મુળજીભાઇ પરમાર (ઉ.વ.૩૦) રાતે એકાદ વાગ્યે બાઇકમાં ત્રણ સવારીમાં રેસકોર્ષ તરફ આવ્યા હતાં. નાસ્તો કર્યા બાદ પરત કાલાવડ રોડ તરફ જતાં હતાં ત્યારે મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે પહોંચતાં કોઇપણ કારણોસર બાઇક ડિવાઇડરમાં અથડાતાં ત્રણેય રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને કરી હતી. હેડકોન્સ. અરૂણભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવરાજ બે ભાઇમાં મોટો છે અને મજુરી કરે છે. જ્યારે વિકવેક બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજો છે તથા છુટક મજૂરી કરે છે. ઉપરાંત રોહિત બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો છે અને તે પણ મજુરી કરે છે.
(2:59 PM IST)










