તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
પી.એસ.આઇ અને ડી.એસ.પી.ની પરિક્ષા બાદ નિમણુંક હુકમના નામે દોઢ કરોડની છેતરપીંડી!
રાજકોટના નવાગામના જીલુભાઇ ગમારા (ઉ.વ.૫૦)એ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પાલીતાણાના રાજાભાઇ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવેની શોધખોળઃ કટકે-કટકે ૨.૩૬ કરોડ પડાવ્યા બાદ હુકમ નહિ મળતા ૮૮ લાખ પાછા આપેલા

રાજકોટ તા.૬: નજીકના નવાગામમાં રહેતા જીલુભાઇ ભગાભાઇ ગમારા (ઉ.વ.૫૦) નામના ભરવાડ આધેડના પુત્રને પોલીસ વિભાગમાં પહેલા સબ ઇન્સપેકટર પદે નિમણુંક અપાવાની લાલચ આપ્યા બાદ ડી.એસ.પી. તરીકે નિમણુંક પત્ર આપવાના આંબા-આંબલી બતાવી દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી પાલીતાણાના ઘેટી ગામના રાજાભાઇ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી પ્રવિણભાઇ દવેએ કરતા ક્રાઇમબ્રાંચના પી.આઇ. એમ.આર. ગોંડલીયા અને પી.એસ.આઇ. એ.એસ. ગરચરે ગુનો નોંધી તપાસ આદરી છે.
ફરીયાદમાં જણાવાયું છે કે, આજથી દસેક વર્ષ પહેલા અમો દ્વારકા ખાતે ગયેલ હતા તે વખતે અમારી મુલાકાત અમારા જ્ઞાતીના હરીભાઈ રાજાભાઈ ગમારા સાથે થયેલ હતી અને ત્યાંથી અમો બન્ને એકબીજાના સંપર્કમા આવેલ હતા. બાદ અવારનવાર અમારે મોબાઈલમાં વાતચીત થતી હતી અને અમારી વચ્ચે પારીવારીક સંબંધ બંધાયા હતા. હરીભાઈ અવારનવાર અમારા ઘરે આવતા હતાં. સને-૨૦૨૧-૨૦૨૨ માં હરીભાઈ ગમારા અમારા ઘરે આવ્યા ત્યારે તેમણે અમોને કહેલ કે હમણા પોલીસ ખાતામાં પી.એસ.આઈ ની ભરતી ચાલુ છે, તમારે તમારા દિકરાને પી.એ સ.આઈ ની ભરતીમાં પાસ કરાવવો હોય તો અમને કહેજો. મારી પાસે લાગવગ છે. તેમની વાત પર અમને ભરોસો આવેલ જેથી મે મારા મોટા દિકરા રાહુલને પી .એસ.આઈ બનાવવા વાત કરી હતી. હરીભાઇએ અમોને કહેલ કે તેમની સોસાયટીમા વિવેકભાઈ પ્રવીણભાઈ દવે નામના વ્યક્તી રહે છે તે તેમના સારા મીત્ર છે અને તેમની રાજકીયવગ ખુબ સારી છે. તેઓના કહેવાથી તમારા દિકરાને પી.એસ.આઈ માં નોકરી મળી જશે. જેથી અમોએ આ કામ કરવા હા પાડેલ અને બાદમા હરીભાઈએ અમોને ફોનમાં વિવેકભાઈ દવે સાથે વાત કરાવેલ. વિવેકભાઈ દવેએ અમોને અમારા દિકરાને પી.એસ.આઈ ની પરીક્ષામા પાસ કરાવવા માટે રૂ.૫૦,૦૦,૦૦૦/- થશે તેમ કહેલ. અને એડવાન્સ પેટે રૂ.૧૫,૦૦,૦૦૦/- તાત્કાલીક આપવા પડશે અને બાકીના પૈસા પી.એસ.આઈ નો ઓર્ડર આવ્યે આપવા પડશે તેવી વાત કરી હતી. જેથી અમોને હરીભાઈ ગમારા તથા વિવેકભાઈ દવે પર ભરોસો આવતા અમે હરીભાઈ દ્વારા રૂ. ૧૫,૦૦,૦૦૦/- આ વિવેકભાઈને રોકડા અમારા ઘરે આપેલ. બાદમાં પી.એસ.આઈ ની ભરતીનુ મેરીટ આવતા આ મેરીટમા મારા દિકરાનુ નામ આવેલ નહી. જેથી મેં હરીભાઈને ફોન કરતા તેમને કહેલ કે હું વિવેકભાઈ સાથે વાત કરી લવ છુ, બાદમા હરીભાઈએ મને વિવેકભાઈ સાથે વાત કરાવતા તેમણે કહેલ કે મારે જેના દ્વારા સેટીંગ કરવાનું હતુ તે સાહેબ ર્મત્યુ પામ્યા છે પરંતુ તમે ચીંતા ના કરો. તમે તમારા પૈસા પરત લઈ જાવ હું કોઈ બીજી નોકરીમા સેટીંગ કરૂ છુ.
બાદમાં હું ભાવનગર ખાતે ગયેલ અને હરીભાઈએ મ ને રૂ. ૧૪,૦૦,૦૦૦/- અમોને પરત આપેલ અને રૂ.૧,૦૦,૦૦૦/- બાબતે કહેલ કે તે પૈસા ભલે વિવેકભાઈ પાસે ખર્ર્ચા પેટે રહયા. તે તમારા દિકરા માટે બીજી કોઈ નોકરીમા સેટીંગ કરે છે. જેથી અમોને તેમના પર ભરોસો આવતા મેં રૂ. ૧૪,૦૦,૦૦૦/- પાછા લઇ લીધા હતા. પાછળથી હરીભાઈ તથા વિવેકભાઈ બન્ને અમારા ઘરે આવેલ અને અમને કહેલ કે તમે ચીંતા ના કરો તમારા દિકરાને પી.એસ. આઈ કરતા પણ સારી નોકરી લેવડાવી આપીશ. અમારે ગૃહવિભાગમાં ઘણી બધી સારી ઓળખાણ છે.
થોડા દિવસો બાદ હરીભાઈ ગમારાનો મારા પર ફોન આવેલ અને તેમણે જણાવેલ કે વિવેકભાઈ સાથે વાતચીત થયેલ છે. વિવેકભાઈને ભારત સરકારના મોટા મોટા મંત્રીઓ સાથે સંબંધ છે. હવે તમારા દિકરાને ડાયરેક્ટ ડી.એસ.પી નો ઓર્ડર તે કરાવી આપશે. આ માટે તમારે રૂ. ૨,૩૬,૦૦,૦૦૦/- રૂપીયા આપવા પડશે અને એડવાન્સમાં રૂ. ૫૦,૦૦,૦૦૦/- આપવા પડશે. મેં આ ડીલ મુજબ પૈસા ભેગા કરવા માટે થોડોક સમય માંગેલ અને તે દરમ્યાન અમારા સમાજમા સારૂ નામ ધરાવતા ભલાભાઈ ભગવાનભાઈ ગમારાને આ બાબતે જાણ કરતા તેમણે હરીભાઈ ગમારા માટે સારો અભિપ્રાય આપ્યો હતો જેથી હરીભાઈ તથા વિવેકભાઈ પર વધુ ભરોસો આવેલ. થોડા દિવસો બાદ હરીભાઈનો મને ફોન આવેલ અને કહેલ કે પૈસા ભેગા થઈ ગયા હોય તો હું તમને વિવેકભાઈ દવે તથા મારા ભાઈ આંબાભાઈ રાજાભાઈ ગમારાના ખાતા નંબર મોકલુ છુ. તમે આ ખાતામાં હું તમને કવ તે રીતે પૈસા નાખી આપો. જેથી અમોએ અમારા એસ.બી.આઈ બેંકના ખાતા નંબર પરથી વિવેકભાઈ દવેના ખાતામાં તથા આંબાભાઈ ગમારાના ખાતામા અલગ અલગ તારીખે કુલ રૂ. ૩૭,૭૬,૩૬૬/- રૂપીયા નાખેલ.
થોડા દિવસો બાદ હરીભાઈ ગમારાનો મને ફોન આવેલ અને મને કહેલ કે તમારા દિકરાનો ડી.એસ.પીનો ઓર્ડર તૈયાર છે પરંતુ આપણે બાકીના આપવાના પૈસા તાત્કાલીક આપવા પડશે. નહીતર ઓર્ડર નહી આવે. જેથી અમે તાત્કાલીક પૈસાની સગવડ કરી આ લોકોને જાણ કરેલ અને હરીભાઈ ગમારા તથા વિવેકભાઈ દવે બન્ને અમારા ઘરે આવેલ અને સાથે ભલાભાઈ ગમારા પણ આવેલ હતા. જે હાલમાં અવસાન પામેલ છે. અમોએ અમારા ઘરે આ લોકોને બાકીના રૂ.૧,૯૮,૨૩,૬૩૪/- રોકડા રૂપીયા આપેલ. બાદ દિવસો જતા મારા દિકરાનો ડી.એસ.પી નો ઓર્ડર આવેલ નહી, જેથી મેં હરીભાઈ તથા વિવેકભાઈ સાથે વાત કરતા તેમણે મને ઓર્ડર માટે વધુ દસ કરોડ રૂપીયા થશે તેમ જણાવેલ. જેથી મે કહી દીધેલ કે હવે મારી પાસે પૈસા નથી. મારે મારા દિકરાનો ઓર્ડર જોતો નથી. તમે મારા પૈસા મને પરત આપી દો. પરંતુ થોડાક સમય સુધી આ લોકોએ મને મારા પૈસા પરત આપેલ નહી. જેથી મે આ લોકો પાસે અવારનવાર મારા પૈસાની માંગણી કરતા તેમણે મને રૂ.૮૮,૦૦,૦૦૦/-પાછા આપેલ અને અમારા બાકીના નિકળતા રૂ. ૧,૪૮,૦૦,૦૦૦/- આજ સુધી પાછા આપ્યા નથી. આમ અમારી સાથે નાણાની છેતરપીંડી કરી છે. આ બારામાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:58 PM IST)










