તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
માવઠાથી રાજકોટ શહેર-જીલ્લાના તમામ ગામોમાં ખેતીના પાકને નુકશાન થયું છેઃ રીપોર્ટ મોકલાયો છેઃ કલેકટર
૧૦૨ કર્મચારીઓ દ્વારા સર્વેઃ કુલ ૪ લાખ ૩૦ હજાર હેકટર વિસ્તારમાં સોૈથી વધુ મગફળી કપાસના પાકોને નુકસાન..

રાજકોટ, તા.૬: શહેર જિલ્લામાં કુદરતી આફતોને કારણે થયેલી ખેતીના પાકની નુકસાની અંગે ચાલી રહેલી સર્વેની કામગીરી મહદ્અંશે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા આ અંગે નિવેદન જાહેર કરાયું હતું. જેમાં નુકસાનીની ગંભીરતા અને સર્વેની વિગતો રજૂ કરવામાં આવી હતી.
દરમિયાન જીલ્લા કલેકટરે આજે પત્રકારોને જણાવેલ કે શહેરજીલ્લાના તમામ ગામોમાં માવઠાથી નુકશાન થયું છે. સર્વે પૂર્ણ કરાયો છે. અને રાજયસરકારને રીપોર્ટ કરી દેવાયો છે. બીજી બાજુ ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં કુલ ૪ લાખ ૩૦ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં ખેતીના પાકને નુકસાની થઈ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.સૌથી વધુ નુકસાની મગફળી અને કપાસના પાકમાં જોવા મળી છે, જે જિલ્લાના મુખ્ય રોકડિયા પાકો છે. આ નુકસાનીને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર મોટો બોજ પડ્યો છે.
આ સર્વેની કામગીરી માટે ખેતીવાડી વિભાગ દ્વારા ૧૦૨ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ અને ૬૦૦થી વધુ ગામોમાં સ્થળ પર જઈને નુકસાનીનું મૂલ્યાંકન કર્યું હતું.અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના તમામ તાલુકાઓમાં નુકસાની જોવા મળી છે, જે દર્શાવે છે કે આફતનો વ્યાપ ઘણો મોટો હતો.
રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી મોટા પ્રમાણમાં પૂર્ણ થયા બાદ તેનો વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટના આધારે ખેડૂતોને સહાય ચૂકવવા અંગેની નીતિ અને જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. ખેડૂતોને આશા છે કે સરકાર ઝડપથી અને પૂરતા પ્રમાણમાં સહાય જાહેર કરીને તેમના થયેલા નુકસાનની ભરપાઈ કરશે.
(2:28 PM IST)










