<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

એટીએમમાં રોકડ મુકવા, ઉપાડવાનું કામ કરતી કંપનીના બે ઓફિસરને બે શખ્‍સોએ લાફા મારી ગાળો દીધી

વિમલનગર રોડ પર બેંક ઓફ બરોડાના એટીએમ પાસે સામુ જોવા મામલે ડખ્‍ખો : બે શખ્‍સો રાહદારીઓ સાથે ડખ્‍ખો કરતાં હોઇ બાદમાં સીએમસી કંપનીના ઓફિસર કુલદીપ મેટાડીયા અને રાહુલ રાઠોડની સાથે ડખ્‍ખ્‍ખો કર્યોઃ ગનમેન અને ડ્રાઇવર સાથે પણ ઝપાઝપીઃ વાહન નંબરને આધારે તપાસ

 

રાજકોટ તા. ૬: શહેરના તમામ બેંકના એટીએમમાં રોકડ લોડીંગ, અનલોડીંગનું કામ કરતી સીએમએસ કેસ મેનેજમેન્‍ટના બે કેસ ઓફિસર એટીએમમાં રોકડ મુકવા, ઉપાડવાની કામગીરી માટે કંપનીની ગાડીમાં ગનમેન અને ડ્રાઇવરને લઇ વિમલનગર રોડ પર બેંક ઓફ બરોડાના એટીએમ પાસે હતાં ત્‍યારે બે અજાણ્‍યા શખ્‍સો આવતાં જતા લોકો સાથે માથાકુટ કરતાં હોઇ આ બંને કેસ ઓફિસરને પણ ‘સામે કેમ જુઓ છો?' કહી ગાળો દઇ ઝાપટો મારી ઝપાઝપી કરતાં ગનમેન અને ડ્રાઇવર ગાડીમાંથી ઉતરીને આવતાં તેની સાથે પણ ઝપાઝપી કરતાં પોલીસને બોલાવતાં બંને ટુવ્‍હીલર પર ભાગી ગયા હતાં. વાહન નંબરને આધારે બંનેને ઝડપી લેવા તજવીજ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક મટુકી રેસ્‍ટોરન્‍ટ પાછળ પૂજા બોય હોસ્‍ટેલમાં રહેતાં અને એરપોર્ટ ફાટક જૈન દેરાસર પાસે આવેલ સીએમસી કેસ મેનેજમેન્‍ટમાં કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કુલદીપ હરેશભાઇ મેટડીયા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શ્‍ખ્‍સો સામે ગુનો દાખલ કર્યો છે.

કુલદીપ મેટડીયાએ જણાવ્‍યું છે કે હું મુળ વિછીયાના લાલાવદરનો વતની છું અને હાલ રાજકોટ પી.જી.માં એક વર્ષથી રહી એરપોર્ટ ફાટક પાસેથી કંપનીમાં નોકરી કરુ છું. અમારી કંપનીની કામગીરી રાજકોટ શહેરના તમામ બેંકના એટીએમમાં કેસ (રોકડ) લોડીંગ અને અનલોડીંગ કરવાની છે. મારી ફરજનો સમય સવારના સાડા નવથી સાંજના સાત વાગ્‍યા સુધીનો છે. નિત્‍યક્રમ મુજબ હું સવારે ટાટા ગાડીમાં બીજા કેસ ઓફિસર રાહુલભાઇ નાગરભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) સાથે ફરજ પર જાઉ છું.  બુધવારે સવારે પણ અમે ગાડીમાં નીકળ્‍યા હતાં. ડ્રાઇવર તરીકે અરૂણભાઇ રસીકલાલ નિમાવત અને ગનમેન તરીકે કનકસિંહ કિરીટસિંહ રાણા હતાં.

બાદમાં સાંજના સાડા છએક વાગ્‍યે ટાટા ગાડી નં. જીજે૦૧એલટી-૦૮૯૨ લઇ યુનિવર્સિટી રોડ વિમલનગર મેઇન રોડ શીવધારા ચાર રસ્‍તા પર આવેલા બેંક ઓફ ઇન્‍ડિયાના એટીએમ ખાતે ગયા હતાં. ત્‍યાં અમે કેસ-રોકડ લોડીંગ કરવા માટે ગાડી ઉભી રાખી હતી. કામ પુરૂ કરી અમે પરત ગાડી પાસે આવ્‍યા ત્‍યારે બે અજાણ્‍યા શખસો રસ્‍તા પરથી પસાર થતાં આવતા જતાં લોકોને ગાળો દેતાં હોઇ અને સુલેહ શાંતિનો ભંગ કરતાં હોઇ અમે તેના તરફ ધ્‍યાન દીધુ નહોતું. એટીએમમાંથી અમે રોકડ રકમ કેસેટ બેગમાં ભરી હતી, આ કેસેટ બેગ અમારી ગાડીના પાછળના વોલ્‍ટમાં (રૂપિયા રાખવાની જગ્‍યા)માં રાખતો હતો ત્‍યારે બંને શખ્‍સ મારી પાસે આવ્‍યા હતાં.

આ બેમાંથી એક શખ્‍સે કાળો સફેદ ચેક્‍સવાળો શર્ટ પહેરલો હતો. આ શખ્‍સે સામુ જોવા મામલે મારી સાથેના કેસ ઓફિસર રાહુલ રાઠોડને ગાળો દઇ ઝાપટો મારી લીધી હતી. બીજો શખ્‍સ જેણે આછો ગુલાબી શર્ટ કે ટીશર્ટ પહેર્યુ હતું તેણે મને પણ કારણ વગર ગાલ પર ફડાકો મારી દઇ ‘સામુ કેમ જોવે છે?' કહી ઝઘડો કર્યો હતો. બાદમાં રાહુલનો એક શખ્‍સે કાઠલો પકડી લીધો હતો. બંને શખ્‍સ અમારી સાથે માથાકુટ કરતાં હોઇ ગાડીમાંથી ગનમેન કનકસિંહ ઉતર્યા હતાં અને ડ્રાઇવર અરૂણભાઇ પણ આવ્‍યા હતાં. તેમની સાથે પણ આ અજાણ્‍યા બંને શખ્‍સોએ હાથાપાઇ કરી ઝઘડો કર્યો હતો. અમને બધાને મારી નાખવાની ધમકી આપતાં અમે ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી.

આ દરમિયાન આ બંને શખ્‍સો નજીકની શીવધામ સોસાયટી-૧ તરફ દોડીને ભાગી ગયા હતાં. તેની પાસે જીજે૦૩એફજે-૧૧૧૧ નંબરનું સફેદ ટુવ્‍હીલર હતું. દરમિયાન પોલીસ આવી જતાં આ બંનેની શોધખોળ આસપાસમાં કરી હતી. પણ મળ્‍યા નહોતાં. અમારો રૂટ ચાલુ હોઇ કામગીરી બાકી હોઇ જેથી કામગીરી પુરી કર્યા બાદ મોડેથી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ અમે અમારા ઉપરી મેનેજર ભાવીનભાઇ જોષીને કરતાં તેમણે ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.

(2:11 PM IST)