<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

આજ મધ્‍યરાત્રિથી આકાશમાં લીઓનીડસ ઉલ્‍કા વર્ષાનો અદ્‌ભુત નજારો

દુનિયાભરમાં લીઓનીડસ ઉલ્‍કાવર્ષાનો અવકાશી નજારો નિહાળવા જાથાની અપીલઃ વિશ્‍વમાં આજથી ૩૦ નવે. સુધી સ્‍પષ્‍ટ ઉલ્‍કાવર્ષાનો અદ્‌ભુત નજારોઃ મધ્‍યરાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્‍ઠ સમયઃ તા.૧૬મી થી તા.૧૮મી નવેમ્‍બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્‍કા વર્ષા, રાજ્‍યભરમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાનું આયોજન

રાજકોટઃ દુનિયાભરના લોકોએ ઓક્‍ટોબરમાં ડેક્રોનીક્‍સ અને ઓરીયોનીડસ ઉલ્‍કાવર્ષાની આતાશબાજી તથા તા.૧-૨ નવેમ્‍બર ટોરીડસ ઉલ્‍કાવર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્‍વના લોકો મધ્‍યરાત્રિ બાદથી ૩૦ નવેમ્‍બર સુધી લીઓનીડસ ઉલ્‍કાવર્ષાનો સ્‍પષ્‍ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે. તા.૧૬ થી તા.૧૮મી નવેમ્‍બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્‍કાવર્ષા મહત્તમ જોવા મળશે. વિશ્‍વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્‍તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્‍યારે રાજ્‍યના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્‍કાવર્ષાનો અદ્‌ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજ્‍યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યુ છે.

‘જાથા'ના રાજ્‍ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્‍બરના પ્રારંભથી તા.૩૦ સુધી સિંહ રાશિની લીઓનીડસ ઉલ્‍કાવર્ષા સ્‍પષ્‍ટ અદ્‌ભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧૦ થી ૧૫ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્‍કા વર્ષા અવકાશમાં જોવા મળે છે. ત્રણ દિવસ અવકાશમાં ઉલ્‍કાનો રીતસર વરસાદ જોવા મળશે. સિંહની ઉલ્‍કાવર્ષાને ધૂમકેતુ ટેમ્‍પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્‍કાઓનું કેન્‍દ્રબિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્‍કાવર્ષા કહેવામાં આવે છે. ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં દ્રશ્‍યમાન જોવા મળશે.

વધુમાં પંડયા જણાવે છે કે લીઓનીડસ ઉલ્‍કાવર્ષાનો વરસાદની મહત્તમ તારીખ ૧૬/૧૭/૧૮ નવેમ્‍બર મધ્‍યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી અવકાશમાં જોવા મળશે. ખગોળપ્રેમીઓ ત્રણ દિવસ રાત્રિના ઉલ્‍કાવર્ષા જોઈ શકશે. આ અદ્‌ભૂત જોવાનો લ્‍હાવો છે. નરી આંખે નિર્જન જગ્‍યાએથી સ્‍પષ્‍ટ રીતે જોઈ શકાય છે. ઉલ્‍કાવર્ષા દરમ્‍યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૧૫ વખત ઉલ્‍કાવર્ષા અવકાશમાં જોવા મળે છે. આ ઉલ્‍કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે.

લીઓડનીસ ઉલ્‍કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્‍કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે.  જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી થાય, નજારો નિહાળવા માટે રાજ્‍યભરમાં આયોજન ગોઠવ્‍યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્‍દ્રનગર, કચ્‍છ-ભુજ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, મોરબી, ગોધરા, પંચમહાલ, અરવલ્લી મોડાસા, નર્મદા તાપી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ આહવા, રાજપીપળા વિગેરે નાના-મોટા નગરોમાં એક કે બે દિવસીય મધ્‍યરાત્રિ-પરોઢે વ્‍યવસ્‍થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.

લીઓનીડસ ઉલ્‍કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રાજુ યાદવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન ગોહિલ સહિત અનેક સદસ્‍યો આ અભિયાનમાં જોડાયા છે.  રાજ્‍યમાં ઉલ્‍કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ તથા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(12:11 PM IST)