News of Wednesday, 5th November 2025
કુવાડવા જીઆઇડીસી પાસે સ્કોર્પિયોએ બાઇકને ઉલાળતાં બાબુભાઇનું મોત
સાતડા ગામની વાડીએથી પ્રોૈઢ કુવાડવા ઘરે આવી રહ્યા હતાં ત્યારે બનાવઃ લામકા પરિવારમાં ગમગીનીઃ અકસ્માત સર્જી સ્કોર્પિયો મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૫: વાહન અકસ્માતના બનાવમાં કુવાડવામાં રહેતાં પ્રોૈઢનું મોત થયું છે. વાડીએથી બાઇક હંકારી કુવાડવા ગામમાં ઘરે જઇ રહેલા પ્રોૈઢ જીઆઇડીસી પાસે પહોંચ્યા તયારે સ્કોર્પિયોના ચાલકે ઠોકરે ચડાવી દેતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ કુવાડવા ગામમાં મસ્જીદવાળી શેરીમાં રહેતા બાબુભાઈ કાળાભાઈ લામકા (ઉ.વ ૫૭) નામના ભરવાડ પ્રૌઢ બપોર બાદ બાઈક નંબર જીજે૦૩કેએફ-૫૪૫૮ લઈ જુના સાતડા માર્ગ પર આવેલી વાડીએથી ઘરે જતા હતા ત્યારે કુવાડવા જીઆઇડીસીના નાલા તરફ વેણું બેસન તરફથી સ્કોર્પિયો નંબર જીજે૦૩એનકે-૫૧૮૯ બંબાટ ઝડપે આવી હતી. તેના ચાલકે બાબુભાઇને બાઇક સહિત ઉલાળી દેતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી ગઇ હતી અને બાબુભાઇને કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડયા હતાં. જો કે અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.મૃત્યુ પામનાર બાબુભાઈ લામકાને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બાબુભાઈ કુવાડવા ગામ હાઇવે પર શક્તિ હોટલ સામે ઠાકરધણી નામની ચા તથા પાન બીડીની કેબિન ચલાવતા હતાં. સાથે ખેતી પણ કરતા હતા. કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને મૃતક બાબુભાઇના પુત્ર રણજીતભાઇ લામકાની ફરિયાદ પરથી અકસ્માત સર્જી સ્કોર્પિયો મુકી ભાગી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(3:16 PM IST)










