તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતાં વૃધ્ધાની નજર ચુકવી કેરટેકર ભાવનાએ ૧૧.૨૦ લાખની મત્તા ચોરી લીધી
૮૩ વર્ષના હર્ષાબેન વાધરની દેખરેખ માટે દિકરા ધીરેનભાઇએ એજન્સી મારફત પડધરીના ન્યારાની મહિલાને નોકરીમાં રાખી હતીઃ કટકે કટકે રોકડ-દાગીના ઉસેડી ગઇઃ ક્રાઇમ બ્રાંચે સકંજામાં લીધી

રાજકોટ તા. ૫: નાના મવા સયાજી હોટેલ નજીક પ્રદ્યુમન ગ્રીનસીટી એપાર્ટમેન્ટમાં રાજયોગ વિંગમાં રહેતાં જેૈન વણિક કારખાનેદારના વયોવૃધ્ધ માતા માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતાં હોઇ તેમની સારસંભાળ માટે એજન્સી મારફત પડધરીના ન્યારા ગામની મહિલાને નોકરીમાં રખાઇ હોઇ આ મહિલાએ અઢી મહિનાની નોકરી દરમિયાન કારખાનેદારના વૃધ્ધ માતાની જાણ બહાર ચાવીઓ ચોરી કબાટ ખોલી તેમાંથી ૩ લાખની રોકડ અને સોનાના દાગીના મળી રૂા. ૧૧,૨૦,૦૦૦ની માલમત્તા ચોરી લેતાં ચકચાર જાગી છે. ક્રાઇમ બ્રાંચે મહિલાને સકંજામાં લઇ મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા ગામ સયાજી હોટેલ પાસે પ્રદ્યુમન ગ્રીનસીટી એપાર્ટમેન્ટ રાજયોગ વીંગ, બ્લોક નં. ૧૧૦૩માં રહેતાં જૈન વણિક ધીરેનભાઇ હીરાલાલ વાધર (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી રાજકોટના પડધરી તાબેના ન્યારા ગામે રહેતી ભાવનાબેન રમેશભાઇ ભુત વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે આ મહિલાએ સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
ધીરેનભાઇ વાધરે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે ગોંડલ રોડ પર ગ્લોટેક સ્ટીલ નામે ભઠ્ઠી-કારખાનુ છે. મારા માતા હર્ષાબેન હીરાલાલ વાધર ૮૩ વર્ષના છે. તેઓ એકલા માલવીયાનગર સોસાયટી બ્લોક નં. ૫૭માં માલવીયાનગર મેઇન રોડ પંચશીલ સ્કૂલ પાસે રહે છે. તેમની સારસંભાળ રાખવા માટે રાજકોટની ગીતાંજલી હોમ હેલ્થકેર નામની એજન્સી મારફત અમે ન્યારા ગામની ભાવનાબેન ભુત-પટેલને ઓગષ્ટ મહિનાથી કેરટેકર તરીકે રાખ્યા હતાં. તેણી મારા માતાની સાથે રાત-દિવસ રહી સેવા ચાકરી કરતાં હતાં. આ કામના બદલામાં અમે ભાવનાબેનને રોજના રૂા. ૧૪૦૦ ચુકવતા હતાં.
દરમિયાન ગત ૩૧/૧૦ના રોજ મારા માતાએ મને કહેલું કે હવે મારે કેરટેકરની જરૂર નથી. જેથી અમે એજન્સીને જણાવી ભાવનાબેનને છુટા કર્યા હતાં. ૨/૧૧/૨૫ના બપોરે બે વાગ્યે હું અને મારા મિત્ર કિશોરભાઇ બાબીયા બંને મારા માતાના ઘરે ગયા હતાં ખબર અંતર પુછ્યા હતાં. આ વખતે મેં મારા માતાને કહેલું કે મેં ઘરમાં ઘણી કિમતી વસ્તુઓ કબાટમાં રાખી છે તેની તપાસ કરી લો અને હાલમાં ઘરમાં રાખવું જરૂરી ન હોય તો લોકરમાં મુકી આવો. આ પછી મેં બે રૂમના કબાટ ખોલીને જોતાં તેમાં કોઇ કિમતી ચીજવસ્તુ, દાગીના જોવા મળ્યા નહોતાં. માતાએ મને કહેલુ કે કબાટમાં સોનાના ઘરેણા, સોનાની ઘડીયાળના બેલ્ટ સહિતનું રાખ્યું હતું.
તપાસ કરતાં કબાટમાંથી સોનાની ઘડીયાળનો ચાલીસ ગ્રામનો બેલ્ટ, સોનાનુ ૨૦ ગ્રામનું ડોકીયુ, એક ગ્રામની સોનાની ચુક, એક ગ્રામનો ઓમકાર, મોતીની સોનાથી મઢેલી માળા ૨૦ ગ્રામની તથા રૂા. ૩ લાખ રોકડા ગાયબ હતાં. આ પછી અમને કેરટેકર ભાવના ભુત ઉપર શંકા ઉપજતાં ત ેણીને બોલાવીને પુછતાછક રી હતી. પરંતુ તે સરખો જવાબ આપતી નહોતી. બાદમાં કડકાઇથી પુછપરછ કરતાં તેણીએ કબુલ્યું હતું કે આ બધુ હું જ ચોરી ગઇ છું, મેં કટકે કટકે અલગ અલગ સમયે આ ચરી કરી હતી. અમે તેણીને આ રોકડ, દાગીના કોને આપ્યા? ક્યાં રાખ્યા છે? તે બાબતે પુછતાં કોઇ જવાબ આપતી નહોતી. બાદમાં મારા મોટા ભાઇ હિતેષભાઇને ફોન કરી વાત કરી હતી.
મારા માતા કબાટની ચાવીઓ પથારી નીચે જ રાખતા હોઇ તે સુઇ જાય ત્યારે ભાવના ચાવીઓથી કબાટ ખોલી રોકડ, દાગીના મળી કુલ રૂા. ૧૧,૨૦,૦૦૦ની માલમત્તા ચોરી ગઇ હોવાનું જણાતાં અંતે અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં ધીરેનભાઇએ કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જે. ડી. ગજેરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભાવના ગજેરાને ક્રાઇમ બ્રાંચની ટીમે ડીટેઇન કરી તેણીની પુછપરછ શરૂ કરી છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમ વધુ તપાસ કરી રહી છે. (૧૪.૮)
(2:32 PM IST)










