તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
ક્રિષ્ના વોટર પાર્કવાળા હરિભાઇએ ભત્રીજા જયની કંપની બંધ કરાવવા તેના મેનેજરને ધમકી આપી
વોટર પાર્ક અંદર જ અમદાવાદ રહેતો ભત્રીજો જય કણસાગરા હર્બ એલીમેન્ટ્સ નામે કંપની ચલાવે છેઃ કંપનીના મેનેજર મુળ મહારાષ્ટ્રના કુંદન ગાયકવાડની ફરિયાદ નોંધવામાં આવી : તારા શેઠને કહેજે કંપની બંધ કરી દે નહિતર તમારા બધાના સરનામા વિખાઇ જશે કહી ગાળો દીધીઃ હરિભાઇ કણસાગરા, તેની સાથેના નિલેષ, ગોપી, છગન વિરૂધ્ધ કુવાડવા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આરંભી

રાજકોટ તા. ૫: કુવાડવા નજીક આવેલા ક્રિષ્ના વોટર પાર્કના સંચાલક હરિભાઇ કણસાગરા સહિતે વોટર પાર્કના અંદરના ભાગે આવેલી તેના અમદાવાદ રહેતાં ભત્રીજાની હર્બ એલીમેન્ટ્્સ કંપની ખાલી કરાવવા માટે ધાકધમકીઓ આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. હરિભાઇ સહિતનાએ આ કંપનીની દેખરેખ રાખતા અને પાંચ વર્ષથી અહિ જ રહેતાં મેનેજર યુવાનને કંપની ખાલી કરી ભાગી જવાનું કહી વારંવાર ધમકી આપી ધોલધપાટ પણ કરી લીધાનો આરોપ મુકાયો છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે કુવાડવા બકુલભાઇ કોટકના મકાનમાં ભાડેથી રહેતાં મુળ મહારાષ્ટ્રના હીંગોરીના મહારખેડા તાબેના હીવારા ગામે રહેતાં કુંદનભાઇ રામદાસ ગાયકવાડ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી રાજકોટના હરીભાઇ ગોવિંદભાઇ કણસાગરા, નિલેષ માથુર, ગોપીભાઇ, છગનભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કુંદનભાઇ પાંચ વર્ષથી કુવાડવા પરિવાર સાથે રહે છે અને રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવામાં આવેલા ક્રિષ્ના વોટર પાર્ક અંદર હર્બ એલીમેન્ટસ નેચરોસ્યુટીકલ પ્રા.લિ. કંપનીમાં આશરે પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપનીના તમામ પ્રકારના કામ તે સંભાળે છે. આ કંપનીના માલિક જય સુરેશભાઇ કણસાગરા અને તેના પત્નિ કરીશ્માબેન જય કણસાગરા છે.
કુંદનભાઇએ વધુમાં જણાવ્યું છે કે આ કંપનીમાં અમે સોંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરીએ છીએ. તા. ૨૮/૨/૨૫ના રોજ ક્રિષ્ના વોટર પાર્કના રીસેપ્શનના ફોન નંબર ઉપરથી હર્બ એલીમેન્ટ્સ કંપનીના એડમીન વિભાગમાં કામ કરતાં રવિભાઇ ભેંસદડીયાના ફોનમાં ફોન આવ્યો હતો અને ધમકી અપાઇ હતી કે તમારી કંપની બંધ કરી દેજો નહિતર તમારા શેઠ સહિત તમામ લોકોના સરનામા વીખાઇ જશે. આથી રવિભાઇએ મને આ અંગે વાત કરી હતી.
બાદમાં મેં આ વાત અમારા શેઠ જયભાઇને કરી હતી. જયભાઇએ મને કહેલું કે હરિભાઇ મારા મોટા બાપુજી છે અને તે અમારો જ પરિવાર છે. બાદમાં તા. ૨/૩/૨૫ના રોજ સવારે સાડા પાંચેક વાગ્યે હું અમારી કંપનીએ હતો ત્યારે હરિભાઇ કણસાગરા અને બે અજાણયા શખ્સો આવ્યા હતાં. હરિભાઇએ મને-તારો શેઠ ક્યાં છે? તેમ પુછેલ અને બાદમાં આ કંપનીને તાળા મારી દેવા છે, તારો શેઠ નથી એટલે તું આજે બચી ગયો તેમ કહી ધમકી આપી જતાં રહ્યા હતાં. બાદ તા. ૬/૫/૨૫ના રોજ સાંજે છએક વાગ્યે હું હર્ષ એલીમેન્ટ્સ કંપનીએ હતો ત્યારે ફરીથી હરિભાઇ, ગોપાીભાઇ અને કિર્તી એન્જીનીયરીંગવાળા રમેશભાઇ સોરઠીયા આવ્યા હતાં. બાદમાં હરિભાઇએ અમારી કંપનીના ઓફિસ સ્ટાફને ભેગો કરેલો અને કંપનીમાં જઇ ગેરકાયદેસર રીતે વિડીયો ઉતાર્યો હતો તેમજ ફોટા પાડયા હતાં.
તેમજ મને કહેલુ કે આ કંપનીના જે ડોક્યુમેન્ટ હોય તે મને ૯/૫/૨૫ સુધીમાં આપી દેજો અને નહિ આપો તો કંપનીએ આવીને તાળુ મારી દઇશ. આવુ કહી તે જતા રહ્યા હતાં. આથી મેં અમારા શેઠ જયભાઇ કણસાગરાને વાત કરી હતી. તે વખતે તેણે આપણે કોઇ ફરિયાદ કરવી નથી તેમ કહ્યું હતું. એ પછી ૫/૬/૨૫ના સાંજે હું કંપનીએ હતો ત્યારે હરિભાઇ, નિલેષ માથુર, ગોપી, છગનભાઇ વરૂ આવેલા અને મને કહેલું કે-હજી કેમ કંપની બંધ કરી નથી, હવે કંપની બંધ કરવી જ પડશે તેમ કહી મને ધમકાવ્યો હતો અને કંપનીના ડોક્યુમેન્ટ, ભાડા કરાર માંગ્યા હતાં. જેથી મેં ઓફિસમાંથી બધુ આપ્યું હતું. આ પછી પણ મને કંપની બંધ કરવાનું કહી હાથાપાઇ કરી ઢીકાપાટુ મારી ગાળો દીધી હતી. હરિભાઇએ પણ ગાળો દઇ કહેલું કે-હવે પછી તું કંપનીમાં દેખાણો તો જાનથી મારી નાખીશ.
આ પછી મેં ફરીથી મારા શેઠ જયભાઇ જે અમદાવાદ રહેતાં હોઇ તેને વાત કરી હતી. જેથી તેણે પોતે રાજકોટ આવીને વાત કરશે તેમ કહ્યું હતું. બાદમાં અમારે સમાધાનની વાત ચાલુ હતી. હવે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી અમે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં કુંદનભાઇ ગાયકવાડે જણાવતાં કુવાડવા રોડ પોલીસ મથકના બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્સ. કે. એમ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:14 PM IST)










