<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ગવરીદળમાં અમીત પાનવાળા કેશવજીભાઇ ગજેરાનું દૂકાનમાં હૃદય બંધ પડી જતાં મોત

બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ ન્‍યુ ગોપાલ પાર્કમાં દક્ષાબેન ચોહાણનું બેભાન થઇ ગયા બાદ મોત

 

રાજકોટ તા. ૫: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કુવાડવા તાબેના ગવરીદળ ગામે રહેતાં વેપારી કેશવજીભાઇ આંબાભાઇ ગજેરા (ઉ.વ.૬૩) પોતાની અમિત પાન નામની દુકાને બેઠા હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર કેશવજીભાઇ ચાર બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્‍સ. વી. જે. ગોહેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં મવડી ન્‍યુ ગોપાલ પાર્ક-૩ અંકુર સ્‍કૂલ પાસે રહેતાં દક્ષાબેન મયુરભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને શ્વાસની બિમારી હોવાનુ ખુલ્‍યું હતું. સંતાનમાં બે દિકરી છે. પતિ કારખાનામાં કામ કરે છે. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ખોડિયારગનરના ૨૮ વર્ષિય પૃથ્‍વીરાજસિંહનું બેભાન હાલતમાં મૃત્‍યુ

ત્રીજા બનાવમાં આજી વસવાહત ખોડીયારનગર શેરી નં. ૨૯માં રહેતાં પૃથ્‍વીરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૨૯) ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને કેન્‍સરની બિમારી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું. (૧૪.૫)

(10:52 AM IST)