<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

એરપોર્ટ પર ચોરીનો પર્દાફાશ : રાજકોટ-મુંબઈ ફ્લાઇટના ચેક-ઇન લગેજમાંથી સોનું અને રોકડ ગાયબ થતાં CISFએ શંકાસ્પદ કર્મચારીને ઝડપ્યો

ચોરી કર્યાની કર્મચારીએ કબૂલાત કરી : CCTV બ્લાઇન્ડ સ્પોટનો લાભ લઈને ચોરી કરાઈ : ઘટનાથી એરપોર્ટ પરના સામાનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા

રાજકોટ : તાજેતરમાં રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI2731) માં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરના સામાનમાંથી ચોરી થવાના બનાવમાં મોટો પર્દાફાશ થયો છે. મુસાફરે ફરિયાદ કરી હતી કે, ગત ૧૨મી ઓક્ટોબરે મુંબઈ પહોંચ્યા બાદ તેમના ચેક-ઇન લગેજમાંથી સોનાના દાગીના (બુટ્ટી અને બ્રેસલેટ) અને રૂ. ૫,૦૦૦ રોકડા ગાયબ હતા.
CCTV ફૂટેજ દ્વારા ભેદ ઉકેલાયો
મુસાફરની ફરિયાદના આધારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, જે સમયે પેસેન્જરનો સામાન કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવ્યો હતો, તે જ સમયગાળામાં તે બેગ તેના પછીની બેગ કરતાં નોંધપાત્ર રીતે મોડી બેગેજ મેક-અપ એરિયામાં પહોંચી હતી. આ સમય દરમિયાન, કન્વેયર બેલ્ટ જે CCTV બ્લાઇન્ડ સ્પોટમાંથી પસાર થાય છે, તે વિસ્તારમાં એક કર્મચારીની શંકાસ્પદ અવર-જવર જોવા મળી હતી.
CCTV બ્લાઇન્ડ સ્પોટ પર કર્મચારીની શંકાસ્પદ અવર-જવર
CCTV ફૂટેજના આધારે, શંકાસ્પદ કર્મચારીને CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ) દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે આ કર્મચારીને સ્થાનિક રાજ્ય પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પકડાયેલા કર્મચારીએ પૂછપરછ દરમિયાન ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એરપોર્ટ પર ચેક-ઇન લગેજમાંથી ચોરીની આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, ખાસ કરીને કન્વેયર બેલ્ટના બ્લાઇન્ડ સ્પોટની સુરક્ષા અંગે.

 

(8:05 PM IST)