<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

છોટુનગર ઝુપડપટ્ટીમાં જમીનના ડખ્‍ખામાં દંપતિ પર કુટુંબીઓનો હુમલોઃ તારાબેનનો હાથ ભાંગ્‍યો

સમીના પાટણ ગામેથી આવેલા કુટુંબી કાકા કાંતિ સમેચા, કાકી હંસાબેન અને ભાઇ કિશન ધોકા-પાઇપના ઘા કરી ધમકી દઇ ભાગી ગયાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૪: શહેરના રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતી મહિલાના કુટુંબી કાકા, કાકી અને તેના દિકરાએ વતન પાટણમાં આવેલી જમીન મામલે ચાલતાં મનદુઃખનો ખાર રાખી રાજકોટ આવી ઘરમાં ઘુસી ધોકા-પાઇપથી હુમલો કરી આ મહિલા અને તેના પતિ બંનેને માર મારી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. હુમલામાં મહિલાનો હાથ ભાંગી ગયો હતો.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં રસ્‍તે છોટુનગર ઝુપડપટ્ટી શેરી નં. ૬માં રહેતાં તારાબેન રતનભાઇ રાફુચા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી પાટણના રાધનપુર રહેતાં  તેણીના પિતાજીના સાવકા ભાઇ કાંતિ રામજીભાઇ સમેચા,  તેના દિકરા કિશન કાંતિભાઇ સમેચા અને પત્‍નિ હંસાબેન કાંતિ સમેચા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

તારાબેને જણાવ્‍યું છે કે હું પતિ અને બાળકો સાથે રહુ છું. મારા પતિ છુટક મજૂરી કરે છે. મારા પિતાજીના સાવકા ભાઇ કાંતિ સમેચા સાથે મારા પિતાજીને વર્ષોથી કોૈટુંબીક જમીન કે જે સમી જીલ્લાના પાટણ ખાતે છે તે અંગે વિવાદ ચાલે છે. ૨૦/૧૦ના સાંજે ચાર વાગ્‍યા આસપાસ મારા પતિ ઘરમાં સુતા હતાં અને હું ઘરનું કામ કરતી હતી ત્‍યારે મારા કોૈટુંબીક કાકા કાંતિ રામજીભાઇ સમેચા, કાકી હંસાબેન, તેનો દિકરો કિશન ધોકા-પાઇપ સાથે અમારા ઘરમાં ઘુસી ગયા હતાં. હું કંઇ બોલુ એ પહેલા કિશને ધોકાનો ઘા મારા માથામાં મારી દેતાં હું પડી ગઇ હતી. બાદમાં મારા કાકા કાંતિ સમચોએ લોખંડના પાઇપથી મને માર મારતાં ડાબા હાથમાં ઘા લાગી ગયો હતો. કાકી હંસાબેને પણ ઢીકાપાટા માર્યા હતાં.

મેં દેકારો મચાવતાં મારા પતિ જાગીન  આવી જતાં મને બચાવવા વચ્‍ચે પડતાં કિશને મારા પતિને પણ હાથમાં ધોકો મારી દીધો હતો અને કાકાએ તેને પગમાં પાઇપના ઘા ફટકાર્યા હતાં. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઇ જતાં મારા કાકા કાંતિએ મારા પતિને જીવતા રહી જઇશો તો ફરી મારી નાખશું એવી ધમકી આપી હતી અને ભાગી ગયા હતાં. બાદ ૧૦૮ બોલાવી અમે સારવાર માટે જતાં મારા ડાબા હાથમાં કાંડામાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. જેમાં સળીયો મુકી ઓપરેશન કરાયું હતું.   ઓપરેશન બાદ સારુ થતાં હવે મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં તારાબેને કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. આર. ડી. બારૈયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:16 PM IST)