<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

સોલાર રૂફટોપ માટે પરાપીપળીયા ગામની પહેલ : ૨૮થી વધુ મકાનો પર સોલાર પેનલો

સરપંચ વિક્રમભાઇ હુંબલના સૌર ઉર્જાના પ્રયાસો સફળ : સુર્યા કમલ ઇન્‍ફ્રાના સહયોગથી હજુ વધુ મકાનોમાં સોલાર લગાવવા તૈયારી : એક સંપથી ગામમાં ધમધોકાર વિકાસ કામો : સ્‍વચ્‍છતાનો એવોર્ડ પણ આ ગામ મેળવી ચુકયુ છે

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરાપીપળીયા ગામના સરપંચ વિક્રમભાઇ હુંબલ (મો.૯૯૨૫૧ ૪૨૨૮૦), ગામ આગેવાન મનુભાઇ કોઠીવાળ અને સુર્યા કમલ ઇન્‍ફ્રા.લી.ના મુકેશભાઇ પરમાર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ તા. ૪ : રાજકોટની ભાગોળે આવેલ નાના એવા પરાપીપળીયા ગામે સોલાર ઉર્જા માટે નોંધનીય પહેલ કરી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગામ સરપંચ વિક્રમભાઇ હુંબલ અને મનુભાઇ કોઠીવાળે જણાવેલ કે ૨૩૫ જેટલા મકાનોમાંથી ગામમાં હાલ ૨૮ થી વધુ મકાનો ઉપર સોલાર રૂફટોપ લાગી ચુકયા છે. વિજળીની ખાધ પુરી કરવા સરકારે જે સોલાર રૂફટોપ અભિયાન આદર્યુ છે તેમાં સહયોગ માટે પરાપીપળીયા ગામ મોખરે ઉભરી આવ્‍યુ છે.

આજે નહીં તો કાલે સૌએ સૌર ઉર્જા તરફ વળવુ જ પડશે. તે વાત ગામ લોકોને સમજાવવા પહેલા બે ત્રણ મીટીંગો કરવામાં આવી હતી. સુર્યાકમલ ઇન્‍ફ્રા પ્રા.લી. દ્વારા સાચુ માર્ગદર્શન અપાયુ અને તુરંત ૨૮ મકાન ધારકો સોલાર પેનલ લગાવવા તૈયાર થઇ ગયા હતા. હજુ ૨૫ થી ૩૦ મકાનો ઉપર પેનલો લગાવવાની તૈયારીઓ થઇ ચુકી છે.

સરકાર તરફથી આ માટે લોન અને સબસીડી જેવી સુવિધા અપાય છે. ત્‍યારે ગામ લોકોએ ફાયદો ઉઠાવી રાષ્‍ટ્રના હિતમાં યોગદાન આપવું જ જોઇએ. તેમ વિક્રમભાઇ હુંબલે જણાવ્‍યુ હતુ.

તેઓએ જણાવ્‍યુ હતુ કે અમારા ગામ સંપ અને સંગઠનમાં માને છે. ૨૦૧૧ થી હું સરપંચ પદે છુ. ત્‍યારથી આ ગામ ૧૦૦ ટકા વિકાસ કરતુ આવ્‍યુ છે. ગામમાં હાલ ૧૦૦ ટકા ભુગર્ભ, ૧૦૦ ટકા પાણી વ્‍યવસ્‍થા, ૧૦૦ ટકા વેરાવસુલાત ધરાવે છે. ગામ ઉપર ૧૦ રૂપિયાનું પણ લેણું નથી. સમરસમાં માનતા આ ગામમાં ૭૫ વર્ષમાં કયારેય ચુંટણી થઇ નથી. રાયધનદાદા ૩૫ વર્ષ સરપંચ રહ્યા અને ગોવિંદભાઇ શિયાળ ૨૫ વર્ષ સરપંચ રહ્યા અને ૨૦૧૧થી હું સરપંચ પદ ધરાવુ છે. ગામ લોકોના સહકારથી અહીં વિકાસ કામો થઇ રહ્યા છે. સ્‍વચ્‍છતાની બાબતમાં પણ આ ગામ એવોર્ડ મેળવી ચુકયુ છે.

સોલારની વાત કરીએ તો ગામની નિશાળ પર સોલાર પેનલો લાગી ચુકી છે. ટુંકમાં સૌર ઉર્જા તરફ આ ગામ ઢળી રહ્યુ છે તે ખુબ ખુશીની વાત છે.

આ તકે સુર્યા કમલ ઇન્‍ફ્રા પ્રા.લી.ના મુકેશભાઇ પરમારે જણાવ્‍યુ હતુ કે અમે આ ગામ સાથે પહેલી મીટીંગ કરતા જ ખુબ સારો સહકાર મળ્‍યો હતો. હજુ અન્‍ય ગામો તરફ પણ અમે આ રીતે જ સોલાર સીસ્‍ટમ લગાવવા માંગીએ છીએ. કોટડા સાંગાણી તાલુકાના ગામોમાં સોલાર પેનલો માટે ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે કોઇ ગામ સોલાર તરફ આગળ વધવા માંગતા હોય તેમને અમે સંપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડીશુ. આ માટે મો.૯૮૨૫૧ ૫૮૩૩૧ ઉપર સંપર્ક કરી શકાશે. હાલ ૮ હજારથી વધુ મકાનો-ઓફીસો પર સોલાર રૂફટોપ લગાવવાનો લક્ષ્યાંક સુર્યા કમલ પ્રા.લી.એ સિધ્‍ધ કર્યો છે.

 

(2:44 PM IST)