તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
વેપારી તુષારભાઇને છેતરી તેલના ડબ્બા લઇ જનારો અલ્પેશ પરમાર ઝડપાયો
૧૧ ડબ્બા સુપર માર્કેટ પાસેની મારી ફરસાણની દુકાને ઉતારી ૪ ડબ્બા લઇ રૈયા આવો તેવુ કહ્યું: વેપારી રૈયા ગયા ત્યાં પાછળથી સુપર માર્કેટ પાસેથી ૧૧ ડબ્બા રિક્ષામાં ભરી ગયો'તો : મીલના સંચાલકને ફોન કરી કહ્યું-હું તમારા ગામનો છું, રાજકોટમાં મારે સીંગતેલ લેવું છે કહી ઠગાઇ કરી'તીઃ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પકડયો

રાજકોટ તા. ૪: શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં મુળ જામજોધપુરના યુવાન તેના કુટુંબી ભાઇની જામજોધપુરની મીલમાંથી સીંગતેલના ડબ્બા મંગાવી વેંચાણ કરતાં હોઇ એક ગઠીયાએ જામજોધપુર ફોન કરી પોતે આ ગામનો જ છે, તેલના ડબ્બા લેવા છે તેમ કહી રાજકોટના યુવાનનો નંબર મેળવી બાદમાં તેને ફોન કરી ૧૫ ડબ્બા લેવા છે, ૧૧ ડબ્બા રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પાસે મારી ફરસાણની દુકાને ઉતારજો અને ૪ ડબ્બા રૈયા સ્મશાન નજીક મારા ઘર પાસે લાવજો એટલે પૈસા આપી દઇશ તેમ કહેતાં યુવાન વિશ્વાસ રાખી ૧૧ ડબ્બા દુકાન પાસે ઉતારી બાકીના ૪ ડબ્બા રૈયા ઉતારવા ગયો ત્યારે પાછળથી ગઠીયો ૧૧ ડબ્બા લઇ ભાગી ગયો હતો. ઠગાઇનો આ ગુનો એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્ક્વોડે ડિટેક્ટ કરી અંબીકા ટાઉનશીપ પાસે આસોપાલવ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતાં અલ્પેશભાઇ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૪૦)ને ઝડપી લીધો છે.
સાધુ વાસવાણી રોડ જનકપુરી કોમ્પલેક્ષ બ્લોક નં. ૫૨૦૬માં રહેતાં તુષારભાઇ જેન્તીલાલ કાંજીયા સીંગતેલનો વેપાર કરતાં હોઇ તેના મોટા બાપુના દિકરા સંદિપભાઇ રતીભાઇ કાંજીયાની જામજોધપુર ખાતેની ઓઇલ મીલથીં સીંગતેલ મંગાવી વેંચે છે. સંદિપભાઇને રાજકોટથી શૈલેષ ભાલોડીયા નામની વ્યક્તિએ મને ફોન કરી હું જામજોધપુરનો વતની છું અને હાલ રાજકોટ રહુ છું, મારે સીંગતેલના ડબ્બા જોઇએ છે. તેમ કહેતાં સંદિપભાઇએ રાજકોટ રહેતાં ભાઇ તુષારભાઇના નંબર આપી વાત કરવાનું કહેતાં શૈલેષ ભાલાળા નામના શખ્સે ૧૪/૪ના રોજ તુષારભાઇેને ફોન કરી તેલના ડબ્બા માંગ્યા હતાં. આ પછી ૧૧ તેલના ડબ્બા રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પહેલા પોતાની ફરસાણની દુકાન છે ત્યાં મુકી દેવાનું અને બાકીના ૪ ડબ્બા રૈયા સ્મશાનની બાજુમા પોતે રહે છે ત્યાં ઉતારવાનું કહેતાં તુષારભાઇએ તેમ કર્યુ હતું.
જો કે તે સુપર માર્કેટ પાસે ડબ્બા ઉતારી રૈયા પહોંચ્યાં ત્યારે ત્યાં કોઇ નહોતું. એ દરમિયાન સુપર માર્કેટ પાસેથી તેલના ડબ્બા લઇ ગઠીયો ગાયબ થઇ ગયો હતો. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્ક્વોડે ઉકેલી અલ્પેશ પરમારને દબોચી લીધો છે. તેણે ઠગાઇ કરતી વખતે પોતાનું નામ શૈલેષ ભાલાળા જણાવ્યું હતું. આર્થિક ભીંસમાં હોઇ જેથી ફ્રોડ કરી ડબ્બા લઇ સસ્તામાં વેંચી નાંખ્યાનું તેણે રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ જાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.
(2:04 PM IST)










