<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

સાર્વજનીક પ્‍લોટમાં રેકડી રાખી પેટીયુ રળતા ગરીબ દંપતીને સ્‍થાનીક માથાભારે તત્‍વ અને જગ્‍યા રોકાણ વિભાગનો ત્રાસ

નાની પુત્રીઓ સાથેના પરિવાર પાસે પાંચ હજારની ખંડણી માંગી ધમકાવતા ભરતસિંગ નામના શખ્‍સ સામે લેખીત ફરીયાદઃ માતા ફફડે છે

રાજકોટ, તા., ૩ :કોઠારીયા મેઇન રોડ હુડકો કવાટર્સમાં રહેતા ગરીબ દંપતીની રેંકડી ઉપડાવવાની અને માસીક પાંચ હજારની ખંડણી  આપવાની ધમકી આપતા ભરતસિંગ દાનસિંગ નામના માથાભારે શખ્‍સ સામે રશ્‍મીબેન મનોજભાઇ ખંધેડીયા (રહે. શ્રીરામ મેડીકલ સ્‍ટોરવાળી શેરી નં. ૧૯, કવાટર નં. ડી/૭૮) એ  પોલીસ કમિશ્નર સમક્ષ લેખીત રજુઆત કરી આ શખ્‍સના માનસીક ત્રાસમાંથી છોડાવી ન્‍યાય અપાવવા માંગણી કરતા ભકિતનગર પોલીસને તપાસ સોંપવામાં આવી છે.

આ અંગે થયેલ લેખીત ફરીયાદમાં જણાવાયું છે કે, અમો આશરે ઉપર મુજબના સરનામે ૩૫ વર્ષોથી અહીંયા રહીએ છીએ અને  છૂટક વેપાર માટે રેકડી  ઘરની બાજુમાં આવેલ સાર્વજનિક પ્‍લોટમાં  રાખીએ છીએ. આ વિસ્‍તારમાં રહેતા ભરતસિંગ દાનસિંગ નામના માથાભારે તત્‍વ દ્વારા અમને ધમકી આપી માનસીક ત્રાસ આપવામાં આવે છે. તેઓ  કહે છે કે તમારે આ સાર્વજનિક પ્‍લોટમાં રેક્‍ડીઓ રાખવી હોય તો અમોને ૫૦૦૦ રૂપિયા આપવા પડશે, અમે નાનો એવો ધંધો કરતા હોય જે અમારી પાસે પ૦૦૦ રૂપીયા આપવાની હૈસિયત નથી. અમે કહેલ કે અમારો ધંધો મોટો નથી તો અમારાથી  ૫,૦૦૦ રૂપિયાનો મેળ ન પડે. અમો વધીને હજારથી પંદરસો રૂપિયા આપી શકીએ, તેવું કહેતા સામેવાળાએ  ઉશ્‍કેરાય ને બોલાચાલી કરી મારી સાથે મારકૂટ કરી હતી. અને ૫૦૦૦ રૂપિયા નહીં આપો તો અમે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના જગ્‍યા રોકાણ શાખામાં ફરીયાદ કરીશ અને તમારી આ બધી રેંકડીઓ ઉપડાવી દઈશ અમોને એમ કહિ ધમકી આપી માનસીક ત્રાસ આપે છે. ગઈ તારીખ ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ જગ્‍યા રોકાણ શાખામાંથી સ્‍ટાફ આવેલ અને કહેલ કે ભરતસીંગે તમારા  વિરુદ્ધ અરજી કરેલ છે. અહીંયા તમે કેમ રેકડીઓ રાખો છો ?

 અમે જયાં રેકડી રાખીએ છીએ ત્‍યાં કોઇ લતાવાસીને નડતરરૂપ નથી અને કોઇ ફરીયાદ કરતુ નથી. બીજી શેરીમાં રહેતા ભરતસીંગ માનસીક ત્રાસ આપી પૈસા પડાવવા જ હેરાન કરે છે. અમે બે નાની બાળકીઓના માતા છીએ અને ખુબ અસલામતી અનુભવીએ છીએ. અમને ઉપરોકત શખ્‍સના ત્રાસમાંથી છોડાવી રોજીરોટી રળવાનો અધિકાર અપાવવા કડક રાહે પગલા લેશો તેવી અમારી લાગણી માંગણી  છે તેમ રજુઆતમાં જણાવાયું છે.

(4:09 PM IST)