તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
સાધુ વાસવાણી રોડ પર ‘હિટ એન્ડ રન': રાજદિપ સોસાયટીના મિસ્ત્રી રાજેશભાઇ બોરીચાનું મોત
કામેથી એક્ટીવા હંકારી ઘરે જતાં હતાં ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ કુંભાર પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩: શહેરમાં જીવલેણ વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. રાજદીપ સોસાયટીમાં રહેતાં અને ફર્નિચર કામ કરતાં મિષાી સાંજે કામેથી એક્ટીવા હંકારી ઘર તરફ જતાં હતાં ત્યારે સાધુ વાસવાણી રોડ પર હિન્ટ એન્ડ રનના બનાવમાં ગંભીર ઇજા થતાં દમ તોડી દીધો હતો. અજાણ્યો બાઇક કે બૂલેટનો ચાલક તેમને ટુવ્હીલર સહિત ઠોકરે લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મવડીની રાજદિપ સોસાયટી ૪૦ ફુટ રોડ પર રહેતાં રાજેશભાઇ નરસીભાઇ બોરીચા-પરજીયા કુંભાર (ઉ.વ.૫૦) સાંજે સાડા સાતેક વાગ્યે એક્ટીવા હંકારીને સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યો વાહનચાલક એક્ટીવાને ઠોકર મારી ભાગી જતાં રાજેશભાઇ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. કોઇએ ૧૦૮ બોલાવી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. તેમના ફોનમાંથી કોઇએ ફોન જોડતાં સગા સંબંધીઓને ખબર પડતાં તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે અહિ સારવાર દરમિયાન વહેલી સવારે રાજેશભાઇનું મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓ ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. કામેથી ઘરે જતી વખતે બનાવ બન્યો હતો. સગાના કહેવા મુજબ કોઇ બૂલેટનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયાની અમને પ્રાથમિક માહિતી મળી હતી. જો કે ખરેખર કયુ વાહન હતું? તેની તપાસ પોલીસ કરી રહી છે. (૧૪.૬)
(2:29 PM IST)










