News of Monday, 3rd November 2025
ભુલથી કચરા ગાડીમાં નાખેલ ૬૦ હજાર મુળ માલીકને પરત કરતા ડ્રાયવર - હેલ્પર
નાના માણસોની મોટી ઇમાનદારી : મ્યુ.કમિશનર તુષાર સુમેરા દ્વારા ટીપરવાન કર્મચારીઓ સુખરામભાઇ - ધીરૂભાઇનું સર્ટીફીકેટ આપી સન્માન

રાજકોટ, તા.૩: ૧નવેમ્બર રૈયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે એક પ્રશંસનીય ઘટના બની હતી. વોર્ડ નં.૦૨ના બજરંગવાડી વિસ્તારમાં રહેતી એક વળદ્ધ મહિલાએ અજાણતા તેમના આશરે રૂ.૬૦,૦૦૦/ જેટલા રોકડ રૂપિયા કચરા સાથે ડોર-ટુ-ડોર કલેક્શન વાહન (GJ 03 BX 6946)માં નાખી દીધા હતા. વિસ્તારના મકાન માલિક અલ્તાફભાઈને ઘટનાની જાણ થતાં તરત જ રૈયા ટ્રાન્સફર સ્ટેશનનો સંપર્ક કરી માહિતી આપી. સ્ટેશન પર હાજર સ્ટાફએ તાત્કાલિક ટીપરવાન રોકાવી તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન ગાડીમાંથી ઉપરોક્ત રકમ મળી આવી.
માનવતા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતાં ગાડી ડ્રાઈવર સુખરામ વસુનીયા તથા હેલ્પર ધીરૂભાઈ વાણીયાએ રકમ સુરક્ષિત રીતે શોધી કાઢી અને તે પૈસાના હકદાર અલ્તાફભાઈને પરત કર્યા. આ કામગીરી બદલ અલ્તાફભાઈએ ગાડી ડ્રાઈવર સુખરામ વસુનીયા તથા હેલ્પર ધીરૂભાઈ વાણીયા, તેમજ હાજર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને તમામને અભિનંદન આપ્યા.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગાડી ડ્રાઈવર સુકરામ તથા હેલ્પર ધીરૂભાઈ, તેમજ હાજર સ્ટાફને સર્ટીફીકેટ આપી સન્માનિત કરતા જણાવ્યું હતું કે, રકમના માલિક અલ્તાફભાઈને પૈસા પરત આપતાં ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
(2:21 PM IST)










