<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

શ્વેતામ્‍બર જૈન સમાજનાં ચાતુર્માસની કાલે તથા સ્‍થા.જૈનાના ચોમાસાની બુધવારે પૂર્ણાહુતિ

ભારતભરના જૈન સંઘોમાં બુધવારે શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા'નું આયોજન

રાજકોટઃ કાલે તા.૪ મંગળવારે ચોમાસી ચૌદશ છે એટલે કે જૈન શ્વેતામ્‍બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે અને બુધવારે જૈન સાધુ-સાધ્‍વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન કરશે.એટલે કે  ચાર મહિના સુધી એક સ્‍થળે સ્‍થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ થશે. ઉલ્લેખનીય છે કે સ્‍થાનકવાસી સમાજ અને તેરાપંથી સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ બુધવારે થશે અને ગુરુવારે વિહાર થશે.

અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ મંગળવારે કારતક સુદ ચૌદશની સવારે ‘સામૂહિક દેવવંદન' અને સાંજે ‘ચૌમાસી ચૌદશ'ના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે,એમ કહી જૈનમુનિ શ્રી નયશેખર મહારાજ સાહેબ એ જણાવ્‍યું કે કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે.જેને જૈન ધર્મ અનુસાર ‘ચાતુર્માસ પરિવર્તન' કહેવામાં આવે છે,જે દિવસ બુધવારે છે.

આ કારતક સુદ-પૂર્ણિમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે.કેમ કે ચાતુર્માસ દરમિયાન બંધ રહેતી શત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થશે. એક સ્‍થાને બિરાજમાન પૂજય સાધુ-સાધ્‍વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કરશે અને પરોપકારી કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજાનો જન્‍મદિનની ઉજવણી પણ થશે.આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે.

પૂ.શ્રીએ વધુમાં જણાવ્‍યું કે ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે.જેનો પ્રારંભ કારતક સુદ-પૂનમનાં દિવસથી શરૂ થશે.જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત- પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે.જેને શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા' પણ કહેવાય છે.

આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થતું હોય છે.એવું પણ કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ-વારિખિલ્લજી ૧૦ કરોડ મુનિઓ મોક્ષ પદને પામ્‍યા છે. એટલું જ નહીં,આ તીર્થ પરથી અનેક અનંત આત્‍માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આ તીર્થની સ્‍પર્શના અને યાત્રા પણ કર્મ નિર્જરામાં સહાયક બને છે.

આ ભૂમિ એ એવી વિશિષ્ટ ભૂમિ છે કે તીર્થંકર પરમાત્‍માઓનું આ સાધના સ્‍થાન છે. આવા સ્‍થાનમાં માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશ ભરમાંથી વિશાળ સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ અહીં પધારતાં હોય છે.

(2:20 PM IST)