તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
મોરબીની શમીનાનું કારસ્તાનઃ રાજકોટની છઠ્ઠા ધોરણની છાત્રાને ઇન્સ્ટાગ્રામથી ફસાવી કાલાવડના શખ્સને હવાલે કરીઃ બળાત્કાર
એક વર્ષ પહેલા શમીનાએ રાજકોટથી ૧૩ વર્ષની બાળાને સોશિયલ મિડીયા પર ફ્રેન્ડ બનાવીઃ પછી કાલાવડના સ્વીગી બોય-ઇન્સ્ટાગ્રામ સ્ટાર સતિષ ગોહેલ સાથે મિત્રતા કરાવીઃ બાદમાં પોતાના બોયફ્રેન્ડ ફૈઝાન સાથે મળી સગીરાને અટલ સરોવર પાસે લઇ ગઇઃ ત્યાંથી સતિષ એક ફલેટમાં લઇ ગયો અને બળાત્કાર ગુજાર્યો :ઘરેથી ગૂમ થયેલી બાળાના અપહરણનો ગુનો નોંધી ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને ટીમે બાળાને શોધી કાઢી પુછતાછ કરતાં ચોંકાવનારી વિગતો ખુલીઃ મોરબીની શમીના શાહમદાર, તેના બોયફ્રેન્ડ કાલાવડના સ્વીગીબોય ફૈઝાન ચાનીયા, અન્ય સ્વીગી-ઝોમેટો ડીલીવરીબોય સતિષ ગોહેલ અને શમીનાના રાજકોટ રહેતાં ભાઇ આફતાબ જુણેજાની ધરપકડ : આડેધડ સોશિયલ મિડીયા વાપરતાં સગીર સંતાનો પર વાલીઓએ નજર રાખવી જરૂરી : શમીના બાળાને મોરબી પોતાના ઘરે લઇ ગઇ ત્યારે શમીનાના ભાઇ આફતાબે ફ્રેન્ડશીપ કરવાનું કહી બિભત્સ અડપલા કરી લીધા : એએસઆઇ હર્ષભાઇ માવદીયા અને હેડકોન્સ. પ્રભાતભાઇ મૈયડની બાતમી પરથી ચારેય આરોપી ઝડપાયા

રાજકોટ તા. ૩: સોશિયલ મિડીયાનો દુરૂપયોગ કરીને બાળાઓને ફસાવવાના મોટા કારસ્તાનનો ભક્તિનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની બાળાને મોરબીનીમોરબીની શમીના નામની યુવતિએ ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ બનાવી પોતાના બોયફ્રેન્ડ ફૈઝાનની મદદથી કાલાવડમાં રહેતાં અને સ્વીગી ઝોમેટોમાં ડિલીવરીબોય તરીકે કામ કરતાં સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર સતિષ સાથે સંપર્ક કરાવ્યો હતો. આ શખ્સે સગીરાનું અપહરણ કરી અટલ સરોવર પાસેના ફલેટમાં લઇ જઇ બળાત્કાર ગુજારી લીધો હતો. એક વખત શમીના આ બાળાને પોતાના ઘરે મોરબી લઇ ગઇ ત્યારે શમીનાના ભાઇ આફતાબે પણ બાળાની સાથે અડપલા કરી લીધા હતાં. બાળા ઘરેથી ગૂમ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી બાળાને શોધી કાઢી વિસ્તૃત પુછતાછ કરતાં આ સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે શમીના, તેના બોયફ્રેન્ડ, ભાઇ અને બાળા સાથે બળાત્કાર કરનારા સ્વીગીબોય મળી ચારેયને પકડી લીધા છે.
આ બનાવમાં ભોગ બનનાર બાળાના માતાએ પોલીસ સમક્ષ વિગતો જણાવતાં કહ્યું હતું કે મારે બે સંતાન છે જેમાં ૧૩ વર્ષની દિકરી ધોરણ-૬માં ભણે છે. ૨૮/૧૧ના સાંજે મારી આ દિકરી દુકાનેથી ભાગ લઇને આવું છું તેમ કહીને નીકળતાં મેં તેને હું પણ સાથે આવું છું તેમ કહેતાં તે મને દરવાજે ઉભા રહેવાનું કહીને ગઇ હતી. ભાગ લઇને આવી મને આપી ફરીથી તેણી હું બીજો ભાગ લેવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળી ગઇ હતી. લાંબો સયમ થવા છતાં તે પાછી ન આવતાં મેં ઘરના સભ્યો સાથે મળી શોધખોળ કરી હતી. પરંતુ દિકરી મળી નહોતી.
બાદમાં અમે દિકરીના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ આઇડી ચેક કરતાં તેણીએ શમીના નામની છોકરી સાથે મેસેજથી વાત કરી હોવાનું જણાયું હતું. તેમજ એક ફોન નંબર ઉપર પણ દિકરીએ વાત કરી હોવાનું જણાતાં મારા પતિએ એ નંબર પર ફોન કરતાં રિસીવ કરનારે પોતે મોરબીથી શમીના બોલતી હોવાનું કહ્યું હતું અને તમારી દિકરી મારી સાથે છે તેમ કહ્યું હતું. તેઓ મોરબી હોવાનું કહી બાદમાં શમીના મારી દિકરીને પરત ઘરે લઇ આવી હતી. દિકરીને અમે પુછતાં તેણીએ કહેલું કે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં મારો સંપર્ક શમીના સાથે થયો હતો. તેની સાથે હું વાતો કરતી હતી ત્યારે શમીનાએ મને સતિષ ગોહેલ નામના છોકરાનું ઇન્સ્ટાગ્રામ આઇડી આપ્યું હતું અને તેમાં વાત કરવાનું કહ્યું હતું. આથી હું સતિષ સાથે વાત કરતી હતી અને ક્યારેક શમીના ઇન્સ્ટાગ્રામમાં કોન્ફરન્સ કોલ કરી સતિષ અને મારી સાથે વાત કરતી હતી.
દિકરીએ વધુમાં કહ્યું હતું કે બેસતા વર્ષના દિવસે શમીનાએ ફોન કરી પોતે રાજકોટ આવી છે અને મળવું છે તેમ કહેતાં હું શમીના, તેનો બોયફ્રેન્ડ ફૈઝાન અને સતિષ ગોહેલ મને તેડવા આવતાં તેની સાથે જતી રહી હતી. અમે બધા અટલ સરોવર ફરવા ગયા હતાં. જ્યાં શમીના અને તેનો બોયફ્રેન્ડ એકલા જતાં રહ્યા હતાં અને સતિષને મારી બાજુમાં બેસાડી દીધો હતો. બાદમાં સતિષે કહેલું કે અહિ નજીકમાં મારા મિત્રનો ફલેટ છે, આપણે ત્યાં જઇએ. જેથી હું ત્યાં તેની સાથે જતાં ફલેટમાં કોઇ ન હોઇ સતિષે બળજબરીથી મારી સાથે શરીરસંબંધ બાંધી લીધો હતો અને બાદમાં રાતે મને ત્રણેય ઘરે મુકી ગયા હતાં. ત્યારબાદ ૨૮/૧૦ના સાંજે પાંચેક વાગ્યે શમીનાનો ફરીથી ફોન આવ્યોહ તો અને તે મને તેડવા આવે છે, ઘર પાસે ઉભી રહે તેવું કહેતાં પોતે ભાગ લેવાનું બહાનુ કરી બહાર નીકળી હતી અને ત્યાં નજીકમાં શમીના તથા ફૈઝાન બાઇક સાથે ઉભા હોઇ તે મને મોરબી લઇ ગયા હતાં.
તે વખતે હું શમીનાના ઘરે રોકાઇ હતી. અહિ શમીનાએ તેના ભાઇ આફતાબને બોલાવતાં આફતાબે પણ મારી સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરી બથ ભરી લઇ કિસ કરી લીધી હતી. દિકરીએ આ તમામ હકિકત જણાવતાં અમે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ભોગ બનનાર બાળાના માતાએ જણાવતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાએ ગુનો દાખલ કર્યો હતો.
ઘટના ગંભીર હોઇ તુરત તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. એ દરમિયાન એએસઆઇ હર્ષભાઇ માવદીયા, હેડકોન્સ. પ્રભાતભાઇ મૈયડને બાતમી મળતાં ચાર આરોપીઓ શમીના મહેબુબશા બાબુશા શાહમદાર (ઉ.વ.૨૦-રહે. નગર દરવાજા, દરબાર ગઢ, ભાડાના મકાનમાં મોરબી) તથા તેના બોયફ્રેન્ડ ફૈઝાન અકબરભાઇ ચાનીયા (ઉ.વ.૧૯-ધંધો-સ્વીગી-ઝોમેટો ડીલીવરી બોય, રહે. શિવ સોસાયટી-૧, રવાપર રોડ અબ્દુલભાઇના મકાનમાં ભાડેથી મોરબી), શમીનાના ભાઇ આફતાબ રકીફભાઇ જુણેજા (ઉ.વ.૨૦-ધંધો છુટક મજૂરી, રહે. પરસાણાનગર-૭, જામનગર રોડ રાજકોટ) અને સતિષ વિજયભાઇ ગોહેલ (ઉ.વ.૧૯-ધંધો. સ્વીગી-ઝોમેટોમાં ડીલીવરી બોય તથા ઇન્સ્ટાગ્રામ ઇન્ફલુએન્સર, રહે. કાલાવડ કુંભનાથપરા વેલનાથ ચોક કોળી પરા)ને પકડી લીધા છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સતિષ ગોહેલ કાલાવડ રહે છે અને તે ઇન્સ્ટાગ્રામ પર સ્ટાર છે, અલગ અલગ રીલ્સ બનાવીને પોસ્ટક રે છે. જેમાં ગામડાંની જીવનશૈલી અને રમુજી વાતો હોય છે. સતીષ ગોહેલના ઇન્સ્ટાગ્રામના ચાલીસ હજારથી વધુ ફોલોઅર્સ છે. સગીરાને પણ તેણે શમીના મારફત ઇન્સ્ટાગ્રામ થકી ફસાવી દૂષ્કર્મ આચરી લીધુ હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, ઇન્ચાર્જ એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, હર્ષભાઇ માવદીયા, પ્રભાતભાઇ મૈયડ સહિતે આ કામગીરી કરી છે. ચારેય આરોપીઓની વધુ તપાસ થઇ રહી છે. રાજકોટની છાત્રા સિવાય અન્ય કોઇ બાળાઓને આ રીતે શમીના સહિતે ફસાવી છે કે કેમ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:18 PM IST)










