<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

એનીરોર વેબસાઇટની ઓનલાઇન કાર્યવાહી ખોરવાતા રાજકોટ સહિત રાજયભરના ખેડુતો મુશ્‍કેલીમાં મુકાયા

ખેડૂતોને ટેકાના ભાવો મેળવવા નિરાશાઃ રેવન્‍યુ બાર, એસો.ની સરકારીમાં રજૂઆત

રાજકોટઃ કલેકટર મામલતદાર તંત્રમાં રેવન્‍યુ કામગીરીમાં અતિ મહત્‍વની ગણાતી એએનઆઇઆરઓઆર (એનીરોર) વેબસાઈટ ખોરવાઈ જતા રાજકોટ સહિત રાજ્‍યભરના ખેડૂતોની ટેકાના ભાવે ખેત જણસોની ખરીદીની કામગીરી ઉપર બાન મુકાઈ ગયો હોય તેવી હાલત સર્જાઇ છે. ખેત જણસોના ટેકાના ભાવની કામગીરીમાં અનિવાર્ય ગણાતા ૭/૧૨, ૮અ અને ગામ નમુના નં. ૬ના દસ્‍તાવેજોની ‘‘એનીરોર'' વેબસાઇટ ઉપર ઓનલાઇન કામગીરી છેલ્લા બે દિવસથી ખોરવાઈ જતા ખેડૂતો સહિતના લોકોને પડતી અતિ મુશ્‍કેલી અંગે રેવન્‍યુ બાર એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટર, ગાંધીનગર મહેસુલ વિભાગ, મુખ્‍યમંત્રી સહિતના તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

હાલ ખાસ કરીને ટેકાના ભાવે ખેત જણસોની ખરીદીની કાર્યવાહીમાં ૭/૧૨ વગેરે સરકારી કાગળોની ખૂબ જ જરૂર પડતી હોય તેવા સમયે આ અંગે  રાજકોટ સહિત રાજ્‍યભરમાં ઓનલાઇન કામગીરીમાંએનીરોર (એએનઆઇઆર ઓઆર) વેબસાઈટમાં જરૂરી ફીનું ઓનલાઈન પેમેન્‍ટ કરવામાં આવે તે સ્‍વીકારાઇ જાય છે, પરંતુ ત્‍યારબાદ ૭/૧૨, ૮અ અને ગામ નમુના નં. ૬ના દસ્‍તાવેજો ડાઉનલોડ થતા નથી. કલેકટર કચેરી, મામલતદાર કે ગ્રામ પંચાયત કચેરીઓના કોમ્‍પ્‍યુટરમાં એનીરોર વેબસાઇટની આ ઓનલાઇન કામગીરી ખોરવાઈ જતા રાજ્‍યભરમાં ખેડૂતો ઉપર આ મુશ્‍કેલી ઉભી થઇ છે. જે અંગે રાજકોટ રેવન્‍યુ બાર એસોસિયેશનના અગ્રણી વકીલો દ્વારા જિલ્લા કલેકટર ઉપરાંત ગાંધીનગર ખાતે રેવન્‍યુ વિભાગ તેમજ મુખ્‍યમંત્રી કાર્યાલયમાં પણ રજૂઆત કરવામાં આવી છે. જો આ ઓનલાઈન કામગીરી તાત્‍કાલિક શરૂ નહીં થાય તો લોકોની ટેકાના ભાવની ખેત જણસો સહિતની કામગીરીઓ નહીં થવાથી લોકોમાં નિરાશા વ્‍યાપી ગઈ છે. માટે એનીરોર વેબસાઈટમાં પેમેન્‍ટ એક્‍સેપ્‍ટ કર્યા બાદ દસ્‍તાવેજો ડાઉનલોડ નહીં થવાની ઊભી થયેલી મુશ્‍કેલી વહેલી તકે દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

(3:35 PM IST)