તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
વીપીની ઉંચી ઉડાન : એસોચેમની મેનેજીંગ કમિટીમાં બિનહરીફ ચુંટાયા
ચેમ્બર પ્રમુખ ફીક્કીના કારોબારી સભ્ય પણ છે : ગુજરાત ચેમ્બરમાં પણ કારોબારી સભ્ય છે : સૌરાષ્ટ્ર - રાજકોટના વેપાર - ઉદ્યોગના પ્રશ્નોને દેશ લેવલે વાચા મળશે

રાજકોટ, તા.૧: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૭૦ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા છે. રાજકોટ ચેમ્બર દ્વારા હર હંમેશ વેપાર-ઉદ્યોગના તેમજ આમ પ્રજાના પ્રશ્નોનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહે છે. તેમજ કેન્દ્ર તથા રાજય સરકારમાં એક સેતુ બની રજુઆતો કરી ઉદભવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દિલ્હી સ્થિત The Associated Chambers of Commerce & Industry of India (ASSOCHAM) માં સભ્યપદ ધરાવે છે. જેમાં પ્રમુખ વી.પી. વૈષ્ણવની મેનેજીંગ કિમિટિમાં સભ્ય તરીકે બિનહરિફ ચૂંટાઈ આવેલ છે. ASSOCHAM ની મેનેજીંગ કમિટિમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવને સ્થાન મળવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌ૨વની બાબત ગણાય. આમ આ સ્થાન મળવાથી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને ખુબ જ મહત્વ સાથે વાચા મળશે.
સાથો સાથ શ્રી વી.પી. વૈષ્ણવ હાલ નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ન્યુ દિલ્હીમાં કારોબારી સભ્ય તરીકે, મુંબઈ સ્થિત IMC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં કારોબારી સભ્ય તરીકે તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં રીજીઓનલ કારોબારી સભ્ય તરીકે અને (ASSOCHAM) માં મેનેજીંગ કમિટિમાં કાર્યરત છે. તેમજ ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FSKCCI) ના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. આમ ઈતિહાસમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૪ જેટલી મહત્વની ઉચ્ચ લેવલની સંસ્થાઓનું એક માત્ર પ્રમુખ વી.પી. વૈષ્ણવ પ્રતિનિધિત્વ કરી રહયા છે તે ગૌરવની બાબત ગણાય.
આથી તમામ વેપાર-ઉદ્યોગકારોને તેઓને ઉદભવતા પ્રશ્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા પણ અનુરોધ કરવામાં આવે છે. જેથી તેની ઉચ્ચ લેવલે રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(3:52 PM IST)










