તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
ગઇકાલે જ જામનગરથી રાજકોટ કામે આવેલા યુવાનનું બેભાન થઇ જતાં મોત
૩૯ વર્ષિય જીતેશભાઇ પીપરોતર નવા ૧૫૦ રીંગ રોડની હિલટોન સાઇટ પર સુપરવાઇઝરનું કામ કરવા આવ્યા હતાં

રાજકોટ તા. ૧: નવા દોઢસો ફુટ રીંગ રોડ પર બાંધકામની સાઇટ પર ગઇકાલે જ સુપરવાઇઝર તરીકે નોકરી કરવા આવેલા યુવાનનું આજે વહેલી સવારે એકાએક બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જામનગર રૂપામોરામાં રહેતો જીતેશભાઇ ખીમભાઇ પીપરોતર (ઉ.વ.૩૯) સવારે પાંચેક વાગ્યે રાજકોટ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર હિલટોન નામના નવી બની રહેલી બિલ્ડીંગની સાઇટ પર હતો ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર જીતેશભાઇ પીપરોતર હજુ ગઇકાલે જ જામનગરથી રાજકોટ આ સાઇટ પર સુપરવાઇઝરનું કામ સંભાળવા આવ્યા હતાં. આજથી નોકરી ચાલુ કરવાના હતાં એ પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.
(2:34 PM IST)










