તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
મતદાર સુધારણા કાર્યક્રમ માટે બીએલઓનું નવું મહેકમ બનાવો
જાગૃત નાગરિક ભાવેશ આચાર્યની સરકારને ટકોર

રાજકોટ તા. ૧: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ દેશના ૧ર રાજયોમાં ૪થી નવેમ્બરથી શરૂ થશે. આ કાર્યક્રમને પાર પાડવા નિયુકત થયેલા બીએલઓ ઘરે ઘરે જઇ મતદારોની ચકાસણી કરશે. જાગૃત નાગરિક ભાવેશ આચાર્ય સરકારને અનુરોધ છે કે આ કામ માટે સરકારી કર્મચારીઓને કામગીરી સોંપવાને બદલે બીએલઓનું તદન નવું હંગામી મહેકમ ઉભું કરવું જોઇએ.
સરકારી કચેરીઓમાં કામ કરતાં કર્મચારીઓને કામગીરી સોંપવાથી તેઓને કામનો બેવડો ભાર વેંઢારવો પડે છે. તેમના રોજિંદા ફરજમાં આવતા ઓફીસ કામમાં પણ અવરોધ ઉભો થાય છે તેમજ ઓફિસના નિર્ધારિત કામો સમય મર્યાદામાં થઇ શકતા નથી તેના કારણે ઓફિસમાં આવતા અરજદારોને પણ સહન કરવું પડે છે.
આના વિકલ્પમાં જો બીએલઓની કામગીરી માટે તદ્ન નવું હંગામી મહેકમ ઉભું કરાય તો બેરોજગારોને કામ મળે, આર્થિક લાભ પણ થાય અને સામે પક્ષે સરકારી કર્મચારીઓ તેમનાં રોજીંદા નિયુકત થયેલા કામમાં ધ્યાન આપી શકે તેવું અંતમાં ભાવેશ આચાર્ય (મો. ૯૪ર૭ર ૧૪૭૭ર) જણાવેલ છે.
(2:30 PM IST)










