<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ગાંધીગ્રામના હીંગળાજ ટેઇલર્સવાળા નિકુંજ હીંગુ સાથે ક્રેડીટ કાર્ડના નામે છેતરપીંડી

દુકાને બેસવા આવતાં સોમનાથ સોસાયટીના મહાવીરસિંહ સોલંકીએ નિકુંજના નામે પર્સનલ લોન કરાવી લઇ તેમાંથી ૮૮૫૨૦ ઉપાડી લીધાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૧: ગાંધીગ્રામ વિસ્‍તારમાં  રહેતાં અને દરજી કામ કરતાં યુવાનને તેની દુકાને બેસવા આવતાં શખ્‍સે ભોળવી ક્રેડીટ કાર્ડ કઢાવી દેવાના નામે તેનો મોબાઇલ લઇ પર્સનલ લોન મેળવી લઇ આ રકમમાંથી રૂા. ૮૮,૫૨૦ પોતાના સહિત ત્રણ એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી લઇ ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ આરસીકે પાર્ક સામે પરિશ્રમ સ્‍કૂલ સામેની શેરીમાં રહેતાં અને ગાંધીગ્રામ ગાંધીનગર-૧માં જય હંગળાજ ટેઇલર્સ નામે દૂકાન ચલાવતાં નિકુંજભાઇ નંદકિશોરભાઇ હીંગુ (ઉ.વ.૩૨) નામના યુવાનની ફરિયાદ પરથી ૧૫૦ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાછળ સોમનાથ સોસાયટી લક્કી પાર્ક-૧માં રહેતાં મહાવીરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

નિકુંજભાઇએ જણાવ્‍યું છે કે હું દરજી કામ કરી ગુજરાન ચલાવુ છું, મહાવીરસિંહ સોલંકી મારી દુકાને અવાર-નવાર બેસવા આવતો હોઇ જેથી હું તેને સારી રીતે ઓળખુ છું. મારી બાજુની પ્રિન્‍સભાઇની કપડાને ઇષાી કરવાની દુકાને પણ તે બેસતો હોઇ પ્રિન્‍સભાઇ મારફત જ મારે તેની સાથે ઓળખાણ થઇ હતી. આજથી બે મહિના પહેલા મહાવીરે મને વિશ્વાસમાં લઇ કહેલું કે તમારા નામ પર ક્રેડીટ કાર્ડ લઇ લો, તમારે વસ્‍તુ ખરીદવી હોય તો સસ્‍તુ પડશે, હું તમને કાર્ડ મંગાવી આપું. તમે તમારા પાન કાર્ડ આધાર કાર્ડ આપો. જેથી મેં હા પાડી હતી. એ પછી તેણે ૨૮/૮/૨૫ના રોજ મારી દુકાને આવી મારા ફોનમાં વિગતો ભરી હતી અને કહ્યું હતું કે તમારુ ક્રેડીટ કાર્ડ આવી જાય એટલે મને જાણ કરજો, હું ચાલુ કરી દઇશ.

આ પછી ૨૯/૮ના રોજ બપોરે પોણા ત્રણે ફરીથી મહાવીર મારી દુકાને આવેલ અને કહેલું કે તમારો ફોન આપો, ક્રેડીટ કાર્ડની પ્રોસેસ ક્‍યાં સુધી પહોંચી તે ચેક કરી આપું. આથી મેં તેને ફોન આપ્‍યો હતો. પછી તેણે કહેલું કે તમારા ખાતામાં પૈસા જમા થઇ ગયા છે એ ક્રેડીટ કાર્ડવાળાએ કર્યા છે. આપણે એ લોકોને પૈસા પાછા આપવા પડશે, તેમાં તમારા ગૂગલ પે એકાઉન્‍ટના પાસવર્ડની જરૂર પડશે. જેથી મેં પાસવર્ડ આપી દીધા હતાં. એ પછી તેણે મને મોબાઇલ પાછો આપી દીધો હતો. ત્‍યારબાદ મને આઇડીએફસી બેંકમાંથી ફોન આવ્‍યો હતો અને લોનનો હપ્‍તો ભરવાનું કહેતાં મેં તેને કહેલુ કે મેં કોઇ લોન લીધી નથી. આથી મને કહેવાયેલુ કે તમારા નામે રૂા. ૧,૧૦,૩૪૨ની પર્સલન લોન લેવાઇ છે.

આથી મેં આઇડીએફસી બેંક ખાતે રૂબરૂ જઇ તપાસ કરતાં જાણવા મળેલુ કે મહાવીર સોલંકીએ મારા મોબાઇલ ફોનમાંથી મને નવુ ક્રેડીટ કાર્ડ મંગાવી આપવાનાબ હાને મારા આધાર કાર્ડ, પાન કાર્ડનો ઉપયોગ કરી રૂા. ૧,૧૦,૦૦૦ની રકમની પર્સનલ લોન લઇ લીધી હતી. જેના કારણે મારા ખાતામાં ૯૯ હજાર જમા થયા હતાં. જે રકમમાંથી મહાવીરસિંહ સોલંકીએ પોતાના તેમજ નિરવ પરેશભાઇ શાહ, રાહુલ વાઘેલાના ખાતામાં કુલ ૮૮૨૫૦ ટ્રાન્‍સફર કરી લીધા હતાં. તેમ વધુમાં નિકુંજભાઇએ કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ ડી. જે. જાદવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:30 PM IST)