<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

સુપાશ્વનાથ દાદાની ૫૪ કિલો ચાંદીની ભવ્‍ય પ્રતિમાનું નિર્માણ : સોનાથી મઢાશે

શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ માંડવી ચોક દેરાસરની ૨૦૦મી ધજાનો પાવન પ્રસંગ તા.૧૨મે ૨૦૨૬ના રોજ ૨૦૦મી સાલગીરી ઉજવાશે : તા.૧૦ના રોજ રેસકોર્ષ ખાતે ચારેય ફિરકાનું સ્‍વામીવાત્‍સલ્‍યઃ ધ્‍વજારોહણ પ્રસંગે પૂ.આચાર્ય ભગવંતો તથા ૫૦ થી વધુ સાધુ-સાધ્‍વીજીઓ નિશ્રા પ્રદાન કરશે પ્રતિમાના અંજનશલાકા અગાઉ રાજકોટના દેરાસરોમાં દર્શનાર્થે લઇ જવામાં આવશે

માંડવી ચોક દેરાસરના ૨૦૦મી ધજા તેમજ સુપાર્શ્‍વનાથ દાદાની ચાંદીની પ્રતિમાના નિર્માણ અંગે સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળા, ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી, સેક્રેટરી કિરીટભાઇ સંઘવી, ટ્રસ્‍ટીઓ જયંતભાઇ મહેતા, દિલીપભાઇ ટોળીયા, દિપકભાઇ મહેતા, પુષ્‍પકભાઇ જૈન તથા શ્રેણિકભાઇ દોશી ઉપસ્‍થિત રહી સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી.(તસવીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા.૩૧: સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટના સોની બજાર સ્‍થિત સુપાર્શ્‍વનાથ જિનાલયની ૨૦૦મી ધજાનો પાવન અવસર તા.૧૨ મે ૨૦૨૬ના રોજ આવી રહયો છે ત્‍યારે રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ દ્વારા દાદાની ૧૫ ઇંચની ૫૪ કિલોની ચાંદીની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. જેની અંજનશલાકા ૨૦૦મી ધજાના મહોત્‍સવના અનુષ્‍ઠાન દરમિયાન કરવામાં આવનાર છે.

આ અંગે ‘અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત અંગે રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના ટ્રસ્‍ટી મંડળે માહિતિ તેની અગાઉ તા.૧૦ મે ૨૦૨૬ના રોજ રેસકોર્ષ ખાતે જૈનોના ચારેય ફિરકાઓનું દરેક દેરાસરોમાં દર્શનાર્થે મુકવામાં આવનાર છે.

રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના આંગણે આવી રહેલ ૨૦૦મી ધ્‍વજારોહણના પ્રસંગને અનુલક્ષીને મૂળનાયક શ્રી સુપાર્શ્‍વનાથ ભગવાનની ૧૫ૅની ચાંદીની પ્રતિમા બનાવવાનું - અલૌકિક આયોજન સૌરાષ્‍ટ્રના ઈતિહાસમાં યાદગાર બની રહેશે.

શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ (દાદાવાડી)ની ૨૦૦મી ધ્‍વજારોહણ પ્રસંગને અનુલક્ષીને રાજકોટના શ્રાવક / શ્રાવિકાઓ તરફથી અનુદાનમાં મળેલ ચાંદી તેમજ ટ્રસ્‍ટ મંડળના ઠરાવ મુજબ શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ તરફથી પણ ચાંદીનું યોગદાન આ પ્રતિમાના ઘડતર માટે આપવામાં આવશે.

પાલીતાણા બિરાજમાન શ્રી અયોધ્‍યાપુરમ તીર્થના પ્રેરક પ.પૂ.આ. શ્રી જિન-હેમચંદ્રસાગરસુરી મ.સા.ની તેમજ પાલીતાણામાં બિરાજમાન અન્‍ય સાધુ-સાધ્‍વીજી ભગવંતોની નિશ્રામાં આજ્ઞાથી સુપાર્શ્વનાથ ભગવાનની ચાંદીની પ્રતિમા લગભગ આશરે ૫૪ કિલો ચાંદીમાં બનાવવામાં આવશે. જે માટે ટ્રસ્‍ટીઓ ટૂંક સમયમાં પાલીતાણા જશે.

પાલીતાણા મુકામે ચાંદીની પ્રતિમાનું ઘડતર પૂ. ગુરૂદેવની નિશ્રામાં થયા બાદ યોગ્‍ય સમયે તે પ્રતિમા રાજકોટ - શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ (દાદાવાડી)ના આંગણે લાવવામાં આવશે અને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેનાર જૈન શ્રેષ્‍ઠીઓ/ શ્રાવક/શ્રાવિકા તથા સકલ સંઘની ઉલ્લાસભરી હાજરીમાં પ્રચંડ ગુંજનાદ સાથે સંગીતની સુરાવણીઓથી ભકિતમય આધ્‍યાત્‍મિક વાતાવરણમાં ચાંદીની પ્રતિમાનો પ્રાગટય મહોત્‍સવ ઉજવવામાં આવશે.

નવનિર્મિત નક્કોર ચાંદીની ૧૫ પ્રતિમાની અંજન શલાકા મહોત્‍સવ - ૨૦૦મી ધ્‍વજારોહણના અનુષ્ઠાન દરમ્‍યાન પ.પૂ.આ. શ્રી જિન હેમચંદ્રસરિજી મ.સા. તથા ૪ થી પણ વધારે આચાર્ય ભગવંતો તેમજ લગભગ ૫૦થી પણ વધારે સાધુ સાધ્‍વીજી ભગવંતોની નિશ્રામાં કરવામાં આવશે.

પ્રતિષ્ઠા ચાંદીની પ્રતિમા દર્શનાર્થે શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ (માંડવી ચોક)માં બિરાજમાન કરવામાં આવશે અને તે માટે સવન તથા બર્માસ્‍ટીક લાકડાનું અદભૂત મંદિર જેને અંદાજીત (૧૦ કિલો) ચાંદીથી મઢવામાં આવશે. તે બનાવવા માટેનું કાર્ય પુરજોશમાં થઈ રહ્યું છે.

નવનિર્મિત ચાંદીની નક્કોર પ્રતિમાને વધારે મનમોહક દર્શનીય બનાવવા લગભગ ૫ તોલા સોનાથી ઓપ આપવામાં આવશે. પ્રીતષ્‍ઠા મહોત્‍સવ તથા પ્રાગટય મહોત્‍સવના આદેશો લેવા માટે સંઘ પ્રમુખ જીતુભાઇનો સંપર્ક કરવા ટ્રસ્‍ટી મંડળે જણાવ્‍યું હતું.

જૈન સમાજના ઈતિહાસમાં થઈ રહેલ આ અલૌકિક પ્રતિમામાં પોતાનું યોગદાન આપી રહેલ સર્વેનો આ તકે શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ અનુમોદના કરી આભાર વ્‍યકત કરે છે.

શ્રી સુપાર્શ્વનાથ દાદાની ૨૦૦મી ધ્‍વજારોહણ પ્રસંગને જાજરમાન અલૌકિક બનાવવા માટે શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળાની આગેવાનીમાં સર્વ ટ્રસ્‍ટીઓ દરેક જિનાલયના કમિટિ સભ્‍યો ઉત્‍સાહભેર કાર્યને અનોખો ઓપ આપી રહ્યા છે.

(3:27 PM IST)