તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
જેતપુર રિસામણે ગયેલી પત્નિએ છુટાછેડા માંગતા રૈયાધારના નયને ફિનાઇલ પીધું
સસરાએ છુટાછેડાની સાથે સાથે રૂપિયાની પણ માંગણી કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૦: રૈયાધારમાં પાણીના ટાંકા પાસે રહેતાં નયનભાઇ જગદીશભાઇ ચાવડા (ઉ.વ.૨૬) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
નયનભાઇ એક બહેનથી મોટો છે અને અગાઉ પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. હાલ કામે જતો નથી. તેણે રાતે અગીયારેક વાગ્યે ઘરે ફિનાઇલ પી લેતાં તેના પિતા જગદીશભાઇ સહિતે સારવાર માટે ખસેડતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. નયનભાઇના પિતા જગદીશભાઇએ જણાવ્યું હતું કે મારા દિકરા નયનના જેતપુરના સુરેશભાઇ પરમારની દિકરી ઉર્મિલા સાથે બીજા લગ્ન થયેલા છે. જો કે પાંચેક મહિનાથી ઉર્મિલા નવજાત સંતાન સાથે તેના માવતર જેતપુર ગઇ છે અને હવે પરત આવતી નથી. અમે ગઇકાલે તેણીને તેડવા જતાં છુટાછેડા માંગ્યા હતાં અને તેણીના પિતાએ રોકડ રકમની પણ માંગણી કરી હતી. આથી દિકરાને માઠુ લાગી જતાં તેણે ફિનાઇલ પી લીધુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(12:22 PM IST)










