<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કાળીપાટમાં સરકારે આપેલ જમીનને ભૂમાફીયાઓથી છોડાવી આપોઃ કલેકટરને વિસ્‍તૃત રજૂઆત

માથાભારે લોકો ખેતીની જગ્‍યા પર જવા દેતા નથીઃ હુમલાઓ કરે છે..

રાજકોટ કલેકટરને તાલુકા અનુસૂચિત જાતી સામૂદાયિક ખેતી સહકારી મંડળી દ્વારા આવેદન પાઠવાયા બાદ ‘‘અકિલા'' કાર્યાલય ખાતે પણ રજૂઆતો કરી હતી. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ર૮:  તાલુકા અનુસુચિત જાતી સામુદાયિક ખેતી સહકારી મંડળીના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી કાળીપાટમાં સરકારે મંડળી દ્વારા અમોને ખેતી માટે આપેલ જમીન ભુમાફિયાઓના કબજામાંથી છોડાવી આપવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ગામડાઓમાં અમારી સાથે થતી અસ્‍પૃશ્‍યતામાંથી અમો સ્‍વમાન સાથે જીવી શકીએ તેવા સારા હેતુથી સરકારે રાજકોટ તાલુકા અનુ. જાતિ સામુદાયીક ખેતી સહકારી મંડળી લી. દ્વારા ગામ કાળીપાટમાં અમોને ખેતી માટે જમીન આપેલ છે. જેમાં અમુક માથાભારે લોકો અમને અમારી ખેતીની જગ્‍યા ઉપર જવા દેતા નથી, હથિયારો લાકડીઓ દ્વારા અમારા ઉપર હુમલાઓ કરે છે જેમાં પોલીસ રક્ષણ સાથે અમને અમારી જમીનનો કબજો અપાવવા વિનંતી છે. તેમજ ગામ કાળીપાટના સર્વે નં. ૧૭૩ પૈકીમાં સરકાર દ્વારા અમોને આપવામાં આવેલ જમીન આધાર પુરાવાઓ વિના તત્‍કાલીન ડે. કલેકટર દ્વારા વર્ષ ર૦૦૮ પહેલા અમૂક વ્‍યકિતઓના વારસદારોએ ખોટુ વસિયતનામું બનાવીને અમારી જમીન અન્‍ય લોકોને વેંચી નાખેલ છે જેની પોલીસ ક્રાઇમ બ્રાંચ દ્વારા અથવા ઉચ્‍ચ એજન્‍સી દ્વારા તપાસ કરાવી આ લોકોને દંડીત કરવામાં આવે તેવી અમારી રજુઆત છે.

આવેદન દેવામાં શૈલેષભાઇ પરમાર, ઉદયભાઇ રાઠોડ, કનુભાઇ મકવાણા, મનોજભાઇ ખુમાણ, રામજીભાઇ રાઠોડ, પ્રવિણભાઇ રાઠોડ, લલીતભાઇ બગડા વિગેરે જોડાયા હતા, આ લોકોએ ‘‘અકિલા'' કાર્યાલય આવી વિગતવાર રજૂઆતો કરી હતી. 

(3:12 PM IST)