<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

સોમનાથના રેલવે યાત્રીઓ માટે ખુશખબર : પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ-રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં સોમવારથી કાયમી ધોરણે વધારાનો જનરલ કોચ જોડાશે

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે ડિવિઝનનો નિર્ણય : ભીડના દબાણમાં થશે ઘટાડો : જોકે, ટેક્નિકલ કારણોસર આવતીકાલે (૨૬ ઓક્ટોબરે) વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ૧૨ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી

રાજકોટ, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવાના પ્રયાસોના ભાગરૂપે, રાજકોટ ડિવિઝને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યાત્રીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને રાજકોટ – વેરાવળ – રાજકોટ વચ્ચે દોડતી દૈનિક લોકલ ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો જનરલ કોચ જોડવામાં આવશે. આ સુવિધા સોમવાર, ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ થી અમલમાં આવશે.
આ નિર્ણયથી ટ્રેન નંબર ૫૯૪૨૩ રાજકોટ–વેરાવળ અને ટ્રેન નંબર ૫૯૪૨૪ વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોના મુસાફરોને સીધો લાભ મળશે. રાજકોટ તરફથી સોમનાથ (પ્રથમ જ્યોતિર્લિંગ) જતા અને સોમનાથથી રાજકોટ તરફ આવતા યાત્રીઓને આ વધારાના કોચથી મોટી સગવડતાપૂર્ણ મુસાફરીનો અનુભવ થશે અને ટ્રેનોમાં થતી ભીડના દબાણમાં પણ ઘટાડો થશે.
મોરબી-વાંકાનેર વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ
જોકે, સોમનાથ તરફ જતા મુસાફરો માટે આ સારા સમાચાર છે, પરંતુ વાંકાનેર અને મોરબી વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓ માટે આવતીકાલે (૨૬ ઓક્ટોબર, ૨૦૨૫) માટે મુશ્કેલી ઊભી થઈ છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટેક્નિકલ કારણોસર રવિવારે, ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ (DEMU) ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી અસરગ્રસ્ત થનારી ડેમુ ટ્રેનોમાં મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ટ્રેન નંબર ૭૯૪૫૨, ૭૯૪૪૨, ૭૯૪૫૪, ૭૯૪૪૪, ૭૯૪૪૬, ૭૯૪૪૮ નો તથા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ટ્રેન નંબર ૭૯૪૪૧, ૭૯૪૪૩, ૭૯૪૫૩, ૭૯૪૪૫, ૭૯૪૪૭, ૭૯૪૫૧ નો સમાવેશ થાય છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય-પત્રક સંબંધિત વિસ્તૃત જાણકારી માટે ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી લે.

 

(3:29 PM IST)