News of Thursday, 23rd October 2025
મવડી લક્ષ્મણઝૂલા સોસાયટીમાં જીતેન્દ્રભાઇ મારકણાને પાડોશી મહેશ અકબરીએ માથામાં ધોકો ફટકારતાં ગંભીર ઇજા
તારૂ બાઇક સાઇડમાં કેમ નથી રાખતો? કહી ગાળો દઇ હુમલો કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ઝુલા સોસાયટી-૧માં રહેતાં જીતેન્દ્રભાઇ નરસીભાઇ મારકણા (ઉ.વ.૪૪) નામના ખેડૂત પર બેસતા વર્ષની સાંજે પાડોશી મહેશ ગોરધનભાઇ અકબરીએ લાકડાના ધોકાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ભોજભાઇ મોભે જીતેન્દ્રભાઇની ફરિયાદ પરથી પાડોશી મહેશ અકબરી સામે ગુનો નોંધ્યો છે.
જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે હુ઼ ખેતી કરી ગુજરાન ચલાવું છું. બેસતા વર્ષની સાંજે સાડા આઠેક વાગ્યે હું ઘરમાં હતો ત્યારે પાડોશી મહેશ અકબરીએ મને બહાર બોલાવતાં હું બહાર ગયો હતો. અ વખતે મહેશે મને ‘તું તારુ બાઇક મને નડે છે, અહિથી લઇ લે તો' તેમક હેતાં મેં કહેલું કે મારું બાઇક તો મારી સાઇડ જ છે તમને ક્યાં નડે છે, તમે તમારું બાઇક મારી સાઇડ રાખો છો તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી અને ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં. આ પછી તે દોડીને ઘરમાં ગયો હતો અને ધોકો ઉપાડયો હતો. તેના પત્નિએ તેને પકડી રાખેલ છતાં ભાગીને બહાર આવી મારા માથામાં ધોકાનો ઘા મારી દેતાં હું લોહીલુહાણ થઇ જતાં મારા ભાઇ દવાખાને લઇ ગયા હતાં. માથામાં હાડકા સુધી ઉંડો ઘા લાગી ગયાનું ડોક્ટરે કહ્યું હતું.
(10:44 AM IST)










