તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
અલવિદા સં. ર૦૮૧ સુસ્વાગતમ ર૦૮ર આપ સહુને નૂતનવર્ષાના અભિનંદન
નવુ વર્ષ નવા સંકલ્પો અને નવું જીવન

ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે ઉજવાતો દિપોત્સવી ઉત્સવ આસો મહિનામાં વર્ષના આખરી દિવસોમાં આસો વદ તેરશ થી ભાઇબીજ સુધી ઉજવવાનું મહત્વ અનેકગણુ રહેલું છે. ગુજરાતી પંચાગ પ્રમાણે ધનતેરશ, કાળીચૌદશ, દિવાળી બેસતું વર્ષ અને ભાઇબીજ આ પાંચ ઉત્સવનું મિલન સાથે દિવાળી મહોત્સવ એટલે ૧૪ વર્ષના વનવાસ પછી શ્રિ રામનું અયોધ્યા આગમન.
ભારતમાં દિવાળી પર્વ એક આગવી પરંપરા અને રીત રિવાજ પ્રમાણે અનેક પૌરાણિક અને ધાર્મિક માન્યતા પ્રમાણે આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરી નવા વર્ષનું સ્વાગત કરે છે. આપણા દેશમાં આધ્યાત્મિકતા સાથે પણ ઉત્સવોનો અમૂલ્ય વારસો આપણા ઋષિ મુનીઓ આપેલ છે. જે વશંપરંપરાગત માનભેર દિવ્યતાથી ઉજવવા માં આવે છે. જે મનુષ્ય જીવન માટે પ્રેરણાદાયી અને આધ્યાત્મની ઓળખ બની રહે છે. દિવ્ય પર્વોથી કથા વાર્તાઓના અભ્યાસથી અનેક લોકોના જીવન પવિત્ર અને દિવ્ય બની રહેલ છે. ચાલો ત્યારે આપણે પણ નવા વર્ષમાં કઇંક નવું કરીએ.
આખા વર્ષમાં સારૂ અને ખરાબ બધુ જ થાય છે. તારિખીયા નું એક પાનું ખરતું જાય છે. ડાયરીઓના પાના પૂરા થાય છે, નવું કેલેન્ડર, નવી ડાયરી, નવુ વર્ષ, નવી પુજા,છતાં જાણે કે જીંદગી ત્યાંની ત્યાંજ ઉભી હોય તેવું લાગે છે. સંકલ્પો ઘણા થાય પણ સચવાતા નથી કેમ ? લાગણી કે મગજમાં લખેલી ડાયરી ને ભૂલવા માટે વિચારો વ્હેંચાતા મળતા નથી એ માટેની જવાબદારી આપણે જ લેવી પડશે. હળવા રહેવું તે હાથની વાત છે છતાં મુશ્કેલી છે ચાલો ત્યારે ભૂલોને ભૂલવા નવા વર્ષમા કઇ નવું કરીએ
વર્ષના અંતમાં આવતા દિવાળીના દિવસોની પ્રેરક કથા ઘણું શિખવી જાય છે. નવા સંકલ્પો સાથે તહેવારોને સમજી પ્રેરક બનવા પ્રયત્નશિલ બની નવા વર્ષનું સ્વાગત કરીએ.
દિવાળીપર્વમાં ‘દિપક' નું મહત્વ અનોખું રહયું છે. આમ પણ રોજીંદા જીવનમાં દિપક બધાને ઘરે કરવામાં આવે છે. અજ્ઞાનરૂપ અંધકારને જ્ઞાન પ્રકાશથી દૂર કરી શકાય છે. ઘોર અંધકારને નાનો દિપક પ્રકાશમાં ફેરવી શકે છે. આપણે પણ જ્ઞાનરૂપ દિપક પ્રગટાવી અજ્ઞાન ના અંધારા ઉલેચવા પ્રયત્ન કરી નવા વર્ષમાં કંઇક નવું કરીએ રોજ કંઇક નવું હોય છે. છતાં પણ આપણને જુનાને પકડી રાખવાની આદત હોય છે. નવી સવાર સાથે કંઇક નવું કરીએ.
લક્ષ્મીજી સાથે ગણેશજીનું પૂજન જીવનમાં લક્ષ્મીનું મહત્વ વિવેક બુધ્ધિ હોય તોજ રહે ‘માં લક્ષ્મી પૂજા આધ્યાત્મ સમૃધિ અને સંતુલીત જીવન માટે કરવામાં આવે છે. વિવેક વગર નું ધન માણસના મનને ચંચળ બનાવે છે. ‘‘લક્ષ્મી ચંચળ નથી પણ વિવેક વગરના માણસનું મન ચંચળ છે'' જે લક્ષ્મીનો દૂર ઉપયોગ કરી વિનાશને નોતરે છે. ‘‘ લક્ષ્મીથી માણસ દેવ પણ બની શકે છે. અને દાનવ પણ બની શકે છે. '' સારા કાર્યમાં વપરાતી લક્ષ્મી વંશપરાગત સારા કાર્યો કરાવતી રહે છે. સુખ સમૃધ્ધિ સાથે અનેક પ્રેરણાત્મક જીવન જીવવા પ્રયત્નશીલ રહી નવા વર્ષમાં કંઇક નવું કરીએ...
કાળીચૌદશના દિવસે ‘માં કાળકા માતાની પુજા કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે નરકાસૂર નામનો રાજા રાક્ષસ જેવો શેતાન હતો. હજારો કન્યાઓને કેદમાં રાખેલી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ નરકાસૂરના નાશ કરવા માટે કાર્ય ‘માતા સત્યભામા' દ્વારા કરાવેલ અને લોકોને મુકત કરેલ તે પ્રસંગ ને જીવંત રાખવા કાળીચૌદશમાં માં કાલીમાતાની પુજા થાય છે. મનુષ્ય જીવનમાં નરકાસૂર જેવા રાક્ષસી વિચારોનો નાશ થશે. પછી સમાજમાં શાંતિ અને ઉન્નતિ શકય છે. નવા વર્ષમાં કંઇક નવું કરીએ ‘‘જીવો અને જીવવાદો મંત્ર'' સાકાર કરવા પ્રયત્નશીલ રહીએ
નરકાસૂર જેવા વિચારોનો નાશ થાય એટલે આનંદ ઉત્સાહ અને પરિવર્તન શકય બને અને દિવાળીના દિવસ જેવું પર્વ ઉજવાય ખાસ કરીને વેપારી લોકો ચોપડા પૂજન કરતા હોય છે. આધ્યાત્મ દ્રષ્ટિથી તેનો અર્થ આખા વર્ષમાં કરેલા સાચા ખોટા કાર્યનું સરવૈયું મા સરસ્વતી, મા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું મહત્વ વિશેષ છે. વિવેક, આત્મવિશ્વાસ, અને સમૃધ્ધિ બની રહે તેની પ્રાર્થના વિશેષ હોય છે. નવા વર્ષમાં કંઇક નવું કરીએ શ્રી લક્ષ્મીનું માતૃવત પૂજન કરીવર્ષ દરમિયાન કરેલ ભૂલોને સુધારી નવા જીવનની શરૂઆત કરીએ , રાગ દ્વેશ, વેર, ઝેર, ઇર્ષાનો નાશ કરી માણસમાં રહેલ શુભત્વને જોવાની વૃતિ કેળવીએ.
બેસતા વર્ષના દિવસે સ્નેહ મિલન માનવી સાચા દિલથી કંઇક નવું કરીએ, ભાઇ બહેનના શુધ્ધ પ્રેમ જેવો પવિત્ર પ્રેમ વ્હેચવા નવા સંકલ્પ સાથે નવું જીવન, નવું વર્ષ સહુને સુભદાયી નિવડે -નવા વર્ષની સહુને શુભેચ્છા
આજે દિવાળી ઉત્સવ નવા શણગારો અને સામાન ખરીદવા અને હરવા ફરવાનો ઉત્સવ બની ગયા છે. વંશપરાગત દિવાળી ઉત્સવની ઉજવણીને ભૂલી ગયા છીએ. બજારોની ભીડમાં દિવાળી કયાંક ખોવાઇ ન જાય ''ઉત્સવોને અભડાવવા અનેક રાક્ષસો ઉભા છે. સનાતનને સાચવવા દરેકસ્ત્રીએ મહાકાળી બનવું પડશે.
રામરાજય સ્થાપવા ‘શ્રી રામ ' જેવા બનવું પડશે. નવી અયોધ્યા નગરીમાં કરોડો દિપક પ્રગટાવ્યા છે. તેમાંનો એક દિપક આપણે બની અને નવા વર્ષમાં કંઇક નવું કરીએ.
નવા વર્ષની શુભેચ્છા સહ
મૃદુલા એમ. ઠકકર- રાજકોટ ફોન નં. ૦૨૮૧/રરર૪૮ર૮
(2:43 PM IST)










