<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

નાડોદાનગરમાં દિવાળીના દિવસે જ ૩૧ વર્ષના લાલજીભાઇ પણસારીયાનો ફાંસો ખાઇ આપઘાત

પત્‍નિનું કોરોનામાં મૃત્‍યુ થયું હતું: માતા બાદ બે સંતાને પિતા પણ ગુમાવ્‍યાઃ ઘરે એકલા હતાં ત્‍યારે પગલુ ભર્યુઃ ભત્રીજો ગાયો દોહવા આવતાં ઘટનાની જાણ થઇ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ હુડકો પાસે નાડોદાનગરમાં રેહતાં ૩૧ વર્ષના લાલજીભાઇ ઘુઘાભાઇ પણસારીયા-ભરવાડ (ઉ.વ.૩૧) નામના યુવાને દિવાળીના દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ નાડોદનગરમાં રહેતાં લાલજીભાઇએ સાંજે સાતેક વાગ્‍યે છતના હુકમાં ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવારમાં દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને અમૃતભાઇ મકવાણાએ જાણ કરતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. પ્રશાંતસિંહ એન. ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનારા લાલજીભાઇ બે ભાઇમાં નાના હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમના પિતા હયાત નથી. પત્‍નિનું કોરોનામાં મૃત્‍યુ થયું હતું. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સંતાનો કાકાના ઘરે આજીડેમ ચોકડીએ રોકાવા ગયા હતાં અને માતા પણ બહાર હતાં ત્‍યારે લાલજીભાઇએ આ પગલુ ભરી લીધુ હતું. સાંજે ભત્રીજો જયભાઇ ગાયો દોહવા ઘરે આવ્‍યો ત્‍યારે કાકાને લટકતાં જોતાં પરિવારજનોને જાણ કરી હતી અને લાલજીભાઇને હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ જીવ બચ્‍યો નહોતો. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. અગાઉ માતા ગુમાવી ચુકેલા દિકરા-દિકરીએ હવે પિતાની છત્રછાંયા ગુમાવી છે. દિવાળી તહેવારના દિવસે જ આ બનાવથી પરિવારની તહેવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ છે

(2:20 PM IST)