તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
ચુડાના મહેશને રાજકોટમાં અજાણ્યા શખ્સે દારૂ પાયો પછી ધોકાથી ફટકાર્યો
પત્નિ સામે ચાળા કરતો હોઇ ટપારતાં ન ગમ્યું

રાજકોટ તા. ૨૧: મુળ સાયલાના ચુડા ગામના વતની અને હાલ કાલાવડના નિકાવા ગામે વાડી વાવી ત્યાં જ રહેતાં મહેશભાઇ મનજીભાઇ ધરજીયા (ઉ.વ.૩૯) નામના યુવાન પર રાતે દસેક વાગ્યે રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીએ તેની પત્નિ સાથે હતો ત્યારે અજાણ્યા શખ્સે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
મહેશભાઇએ જણાવ્યું હતું કે હું અને મારા પત્નિ વતનથી નીકાવા જવા માટે રાજકોટ પહોંચ્યા હતાં અને ગોંડલ રોડ ચોકડીએ પૂલ નીચે વાહનની રાહ જોતાં હતાં. આ વખતે અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેની પાસે દારૂની એક કોથળી હોઇ મને પીવાનો આગ્રહ કરતાં મેં પણ તેમાંથી અડધી કોથળી દારૂ પીધો હતો. આ પછી આ શખ્સે મારી પત્નિ સામે ચાળા કરતાં તેને આ બાબતે ટપારતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ મારા પર ધોકાથી હુમલો કરી માર મારી ભાગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(2:12 PM IST)










