તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
દિવાળીની રાત્રે ‘ફટાકડા'ને કારણે ‘આગ'ના ૧રપ બનાવો
રાજકોટના જુનુ એરપોર્ટ, મવડી, કાલાવડ રોડ, અમીનમાર્ગ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોના વંડા, કચરાના ઢગલા, સ્કુટર, કાર તથા ફલેટમાં આગના બનાવો : ફાયર વિભાગ દ્વારા તમામ સ્ટાફને છેલ્લા અઠવાડીયાથી સ્ટેન્ડ બાય રખાયોઃ ૩ થી પ મીનીટમાં ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવાયોઃ કોઇ મોટી ઘટના નહિ

દિવાળી પર્વમાં ફટાકડાથી આગના અઢળક બનાવ : રાજકોટીયન તહેવાર ઉજવવામાં કશી કસર છોડતા નથી ત્યારે દિવાળી પર્વ દરમિયાન શહેરમાં આગના ૧રપ જેટલા બનાવો દિવાળી પર્વ દરમિયાન શહેરમાં આગના ૧રપ જેટલા બનાવો ફાયર વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, જુનુ એરપોર્ટ, મવડી રામધણ સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડ ખાતે ઓનલાઇન ફુડ ડીલેવરીના વેર હાઉસમાં ફટાકડાના કારણે આગની ઘટનાઓ નોંધાઇ હતી. ઉપરોકત તસ્વીરોમાં વિવિધ સ્થળે લાગેલી આગ દર્શાય છે. (તસ્વીર : અભીજીત બગથરીયા)
રાજકોટ, તા., ૨૧ : શહેરભરમાં દિવાળીની ધુમધામથી ઉજવણી વચ્ચે આગના ૧રપ જેટલા બનાવો મનપાના ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા છે.
રાજકોટમાં ગઇકાલે દિવાળીના દિવસે ફટાકડાના ધુમધડાકા વચ્ચે ફાયર કોલનો પણ મારો ચાલ્યો હતો. ફાયર બ્રિગેડ મુજબ કુલ ૧રપ જેટલા આગના નાના-મોટા કોલ આવ્યા હતા. જેમાંથી સદનશીબે ઇજા કે મોટી નુકશાની ન થઇ હોવાથી તંત્રએ પણ શાંતિનો શ્વાસ લીધો છે.
ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયેલ ઘટનાઓમાં જુના એરપોર્ટમાં ફટાકડાના કારણે ઉગી નિકળેલ ઘાસમાં આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા તુરંત સ્થળ ઉપર પહોંચી આગ બુજાવવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં કાલાવડ રોડ ઉપર એકટીવા, અમીન માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે બાઇકમાં પણ ફટાકડાના કારણે આગની ઘટના બની હતી. જયારે ગોંડલ રોડ ખાતે લાઠીયા ગેરેજ પાસે ઉભેલી કારમાં પણ ફટાકડાના કારણે આગની ઘટના ફાયર વિભાગના ચોપડે નોંધાઇ હતી.
શહેરના મવડી વિસ્તારમાં આવેલ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેના બીલ્ડીંગના ર૦ મા માળના એક ફલેટમાં ફર્નિચર કામ ચાલી રહયું હતું. તે દરમિયાન બારીમાંથી રોકેટ અંદર આવી જતા લાકડાના વેરણમાં આગ ભભુકી ઉઠી હતી. સદભાગે ફલેટ ખાલી હોય મોટી ઘટના અટકી હતી. ફાયર વિભાગે તુરંત સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
સાથે જ શહેરના કચરાના ઢગલા, વંડામાં આગની પણ ઘટનાઓ ફાયર વિભાગમાં નોંધાઇ હતી.
દિવાળીના તહેવારોને લઇને મનપાના ફાયર વિભાગ છેલ્લા ૪-પ દિવસથી સતત સ્ટેન્ડ બાયમાં છે. અને કોઇ પણ ઘટનાને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરાયું છે.
ફાયર વિભાગ દ્વારા શહેરના તમામ ૧રપ ફાયર કોલ આવ્યાની ફકત ૩ થી પ મીનીટમાં ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કાબીલેદાદ કામગીરી કરવામાં આવી હતી. (૪.૫)
(1:59 PM IST)










