<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

ભક્‍તિનગર સોસાયટીમાં સોની વેપારીના ઘરમાં ૪૦.૩૦ લાખની ચોરી

તસ્‍કરોએ ઉજવી દિવાળીઃ પેલેસ રોડના ‘ઘડામણ' શો રૂમવાળા દિશાંતભાઇ જયેશભાઇ રાણપરાના ઘરમાં બનાવ : તમામ પરિવારજનો સાંજે ચોપડા પૂજન વિધીમાં દુકાને હતાં: પોણા ચાર કલાક રેઢા રહેલા મકાનમાંથી તસ્‍કરો ૮ લાખ રોકડા, ૨૯.૫૦ લાખના સોનાના અને ૨.૮૦ લાખના ચાંદીના દાગીના ચોરી ગયાઃ ભક્‍તિનગર પોલીસ, ડીસીબી, એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી

જ્‍યાં ચોરી થઇ તે સોની વેપારીનું ભક્‍તિનગર સોસાયટીનું નિવાસસ્‍થાન, અંદર વેરવિખેર ચીજવસ્‍તુઓ, ખુલ્લા કબાટ જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૧: દિવાળી પર્વની શહેરીજનો ઉમંગ ઉત્‍સાહથી ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ તસ્‍કરોએ પણ ઉજવણી ચાલુ કરી દીધી છે. શહેરની ભક્‍તિનગર સોસાયટીમાં રહેતાં પેલેસ રોડના સોની વેપારીનું ઘર સાંજે પોણા આઠથી સાડા અગીયાર સુધી પોણા ચાર કલાક રેઢુ રહ્યું  હોઇ તેમાં ત્રાટકી તસ્‍કરો રૂા. ૪૦,૩૦,૦૦૦ની રોકડ-દાગીના સહિતની માલમત્તા ચોરી ગયા છે. તમામ પરિવારજનો દૂકાને દિવાળી તહેવાર નિમીતે ચોપડા પૂજન વિધી રાખી હોઇ ત્‍યાં હતાં. વિધી પૂર્ણ કરી ઘરે આવ્‍યા ત્‍યાં સુધીમાં આ બનાવ બની ગયો હતો.

ચોરીની આ ઘટનામાં ભક્‍તિનગર પોલીસે ભક્‍તિનગર સોસાયટી શેરી નં. ૫ પોસ્‍ટ ઓફિસ સામે ‘અલભ્‍ય' મકાન ખાતે રહેતાં દિશાંતભાઇ જયેશભાઇ રાણપરા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિશાંતભાઇ રાણપરાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પેલેસ રોડ પર ઘડામણ-ધ ફાઇન ક્રાફટીંગ નામે સોનાના દાગીનાની દુકાન ચલાવુ છું. મારી સાથે પિતાજી જયેશભાઇ ચમનલાલ, માતા સ્‍મીતાબેન અને પત્‍નિ ખુશ્‍બુ તથા બહેન ભુમીબેન રહે છે. દિવાળીને દિવસે હું અને મારા પરિવારજનો એમ બધા ઘરે હતાં. દુકાને ચોપડા પુજનની વિધી રાખી હોઇ સાંજે સાડા સાતેક વાગ્‍યે મારા પિતાજી તથા માતા ઘરેથી દુકાને જવા નીકળ્‍યા હતાં.

થોડીવાર બાદ હું, મારા પત્‍નિ અને બહેન પણ દુકાને જવા નીકળ્‍યા હતાં. અમે નીકળ્‍યા ત્‍યારે ઘરના દરવાજા બંધ કરી તાળા લગાવ્‍યા હતાં. રાતે સાડા અગીયારેક વાગ્‍યે ચોપડા પૂજન વિધી પુર્ણ થતાં અમે બધા ઘરે આવવા નીકળ્‍યા હતાં. સોૈ પહેલા હું અને મારા પત્‍નિ ઘરે પહોંચ્‍યા હતાં. પરંતુ ઘરના દરવાજાના તાળાની ચાવીમ ારા મમ્‍મી પાસે હતી. તેઓ પણ પાછળ પાછળ ઘરે આવતાં હોઇ જેથી મેં મારુ ટુવ્‍હીલર ઘર પાસે ઉભુ રાખ્‍યું હતું અને થોડીવાર મેં અને મારા પત્‍નિએ મારા મમ્‍મી આવે તેની રાહ જોઇ હતી. ત્‍યાં તેઓ આવી ગયા હતાં. આ પછી મારા બહેને ચાવીથી તાળુ ખોલ્‍યું હતું અને બધા અંદર ગયા હતાં. હું ત્‍યારે બહાર ઉભો હતો. અંદર જતાં જ મારા માતા દોડતા દોડતા બહાર આવેલ અને કહેલું દિશાંત ફટાફટ અંદર આવ. મેં શું થયું છે? પુછતાં તેમણે ચોરી થયાનું કહ્યું હતું. આ પછી મેં ઘરમાં જઇ જોતાં હોલમાં પ્‍લાસ્‍ટીકની કોથળીઓ વેરવિખેર પડી હતી. હોલનો પાછળનો દરવાજો ખુલ્લો   હતો.

આ પછી હું મકાનના ઉપરના માળે જતાં મારા પિતાજીના રૂમની લાઇટ ચાલુ હતી અને ત્‍યાં બધો સામાન વેરવિખેર જોવા મળ્‍યો હતો. સામે આવેલો મારા બહેનનો રૂમ પપ ખુલ્લો હતો અને  તેમાં પણ સામાન વેરવિખેર હતો. આ પછી પિતાજીના રૂમની ઉપરના માળે વધુ એક રૂમ છે ત્‍યાં અમે બધા જતાં ત્‍યાં પણ સામાન વેરવિખેર હતો અને લાકડાનો કબાટ ખુલો હતો. કબાટનું નાનુ ખાનુ હતું તે તોડવાની કોશિષ થઇ હોઇ તેવા નિશાન દેખાયા હતાં.

આ ઉપરાંત ઉપર સીડી રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. અમે બધાએ ઘરમાં ચેક કરતાં કુલ રૂા. ૨૯,૫૦,૦૦૦ની કિંમતના ૫૭૨ ગ્રામ વજનના જુદા જુદા સોનાના દાગીના અને રૂા. ૨,૮૦,૦૦૦ના ૩ કિલો વજનના ચાંદીના દાગીના તથા રૂા. ૮,૦૦,૦૦૦ રોકડા મળી કુલ રૂા. ૪૦,૩૦,૦૦૦ની ચોરી થયાની જાણ થતાં અમે પોલીસને જાણ કરી હતી. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જી. ગોહિલ, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે ફરિયાદ નોંધી હતી.

સીસીટીવી કેમેરા ચેક કરવા અને તસ્‍કરોનું પગેરૂ શોધવા ભક્‍તિનગર ડી. સ્‍ટાફની ટીમની સાથે સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ ટીમોએ પણ તપાસ હાથ ધરી છે. પાંચ દિવસના દિવાળી પર્વની ઉજવણીના આરંભે જ તસ્‍કરો પોલીસને મોટો પડકાર ફેંકી ગયા છે.


 

સોના-ચાંદીના આટલા દાગીના ચોર ચોરી ગયા

તસ્‍કરો જે દાગીના ચોરી ગયા તેમાં મંગળસુત્ર, સોનાની બુટી, બ્રેસલેટ, સોનાનું જેન્‍ટસ કડુ, બ્રસેલેટ, નેકલેસ બે નંગ, રોઝ ગોલ્‍ડ નેકલેસ બુટી સાથે, સોનાની આઠ બંગડીઓ, નાકમાં પહેરવાની બાર ચુક, સોનાનુ ડોકીયુ એક, ચેઇન પાંચ નંગ, વીટી સોળ નંગ, સોનાનો માથામાં પહેરવનો ટીકો, હાથમાં પહેરવાનો પંજો, રોઝ ગોલ્‍ડના પેન્‍ડલ સેટ છ નંગ, સોનાની ગીની છ નંગ, સોનાના ખડક બે નંગ, હાથની બંગડીઓ છ નંગ મળી કુલ ૫૭૨ ગ્રામ સોનાના દાગીના ચોરી ગયા છે. જ્‍યારે ચાંદીના કડા બે જોડી, ચાંદીના પગપાન બે જોડી, કંદોરા બે નંગ, ચાંદીની પગમાં પહેરવાની વીંટી દસ નંગ, સાંકળા છ નંગ, મોટા કંદોરા બે નંગ, કમરના જુડા બે નંગ, ચાંદીના સિક્કા બાર નંગ તથા રોકડા આઠ લાખ મળી કુલ ૪૦,૩૦,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે.

(2:25 PM IST)