તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
રણછોડનગરમાં અભિષેકે ટોળકી રચી પડોશી વૃધ્ધ દંપતિને ધોલધપાટ કરી ગાળો ભાંડી
વૃધ્ધ રાજેન્દ્રભાઇ સોનીના પડતર પ્લોટમાં ઘાંસ ઉગતું હોઇ તે કારણે ઝઘડા થતાં હતાં: રાતે આ પ્લોટમાં આગ લાગતાં ગુસ્સે થઇ અભિષેકે ઘરમાં ઘુસી ધમાલ મચાવીઃ બી-ડિવીઝન પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: રણછોડનગરમાં રહેતાં વૃધ્ધના ઘર પાસે તેમનો પડતર પ્લોટ ઘણા સમયથી હોઇ તેમાં ઘાંસ ઉગી જતું હોઇ આ બાબતે પડોશી અવાર-નવાર ઝઘડા કરતાં હતાં. દરમિયાન આ પ્લોટમાં ગત રાતે આગ લાગતાં ખાર રાખી પડોશી શખ્સે બીજા પાંચ જણા સાથે મળીને આ વૃધ્ધ તથા તેમના પત્નિ સાથે ઝપાઝપી, મારામારી, ગાળાગાળી કરતાં આ બનાવમાં રણછોડનગર-૮માં વેકરીયા મેઇન રોડ પર રહેતાં રાજેન્દ્રકુમાર ઉર્ફ લાલાભાઇ હરકિશનભાઇ સોની (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી તેમના પાડોશમાં જ રહેતાં અભિષેક રામાણી અને પાંચ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મારામારી કરી ગાળો દેવા મામલે ગુનો નોંધ્યો છે.
રાજેન્દ્રકુમાર ઉર્ફ લાલાભાઇ સોની નિવૃત જીવન જીવે છે અને પરિવારમાં પત્નિ મંજુબેન, દિકરી મિનાક્ષીબેન સાથે રહે છે. તેમણે કહ્યું હતું કે અમારા ઘરની બાજુમાં ખુલ્લો પ્લોટ છે. જે આજથી પચ્ચીસેક વર્ષ અગાઉ સ્વ. લવજીભાઇ ગજેરા પાસેથી મેં અને મારા ભાઇએ વેંચાતો લોીધો હતો. જેના દસ્તાવેજ હજુ અમારા નામે થયા નથી. પરંતુ પ્લોટ અમારા કબ્જામાં છે. આ પ્લોટનો અમો વર્ષોથી કોઇ ઉપયોગ કરતાં નથી. આ પ્લોટમાં ઘાંસ ઉગી જતું હોઇ જેના કારણે નજીકમાં રહેતાં અભિષેક રામાણી અને તેના પરિવારના સભ્યો અવાર-નવાર અમારી સાથે બોલાચાલી કરે છે.
દરમિયાન રવિવારે રાતે હું અને મારા પત્નિ ઘરે હતાં ત્યારે અભિષેક રામાણી અચાનક ધસી આવ્યો હતો અને મને ઢીકાપાટુ મારવા માંડયો હતો. મારા પત્નિ મિનાક્ષીબેન વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી લીધી હતી. દેકારો થતાં શેરીમાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે અભિષેકના બીજા બે મિત્રો પણ આવી ગયા હતા અને અભિષેકને પકડીને બહાર લઇ ગયા હતાં. આ પછી ફરીથી અભિષેક અને પાંચેક અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા હતાં અને ગાળાગાળી કરી મને અને મારા પત્નિને માર માર્યો હતો.
આ પછી હું ઘરની બહાર જતાં મને ખબર પડી હતી કે અમારા પડતર પ્લોટમાં આગ લાગવાને કારણે અભિષેકે આ ઝઘડો કર્યો છે. આ પછી અભિષેકે બહાર પણ મને મારકુટ કરી હતી. એટલામાં મારા જમાઇ નિખીલભાઇ, બીજા જમાઇ મોહીતભાઇ સહિતના પણ આવી ગયા હતાં અને ૧૧૨માં ફોન કરતાં પોલીસ આવી હતી. આ વખતે અભિષેક અને પાંચ અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં. અમને પોલીસની ગાડીમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશને લઇ જવાયા બાદ મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં રાજેન્દ્રકુમારે કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:39 PM IST)










