તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
આંબેડકરનગરમાં બે નિર્દોષ ભાઇઓની હત્યા થઇ છે, આરોપીઓને ઝડપી સરઘસ કાઢો, ગેરકાયદે મિલ્કતનું ડિમોલિશન કરો પછી જ મૃતદેહ સંભાળશું
દલિત સમાજના અને ભાજપના પ્રદેશ આગેવાન ગિરીશ પરમાર હોસ્પિટલ ચોકમાં પહોંચ્યા : બૂટલેગરો વર્ષોથી આ વિસ્તારમાં બેફામ બન્યા છેઃ બબ્બે હત્યા કરી આખા સામજની દિવાળી બગાડી છેઃ ગિરીશ પરમાર

હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ પરમાર અને વિજયભાઇ પરમારના સગા સંબંધીઓ, સમાજના લોકો હોસ્પિટલ ચોકીમાં ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે બેસી ગયા હતાં અને આરોપીઓને તાકીદે પકડી સરઘસ કાઢવાની, ગેરકાયદે મિલ્કતોનું ડિમલોલીશન કરવાની માંગણી કરી હતી. આગેવાન ગિરીશ પરમારે પણ સમાજ વતી આ માગણી કરી હતી (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૦: શહેરના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં ત્રણ હત્યાની ઘટનાને પગલે માલવીયાનગર પોલીસે સામ સામે ગુનો દાખલ કરાયો છે. દરમિયાન આ ઘટનાને પગલે હત્યાનો ભોગ બનેલા બે સગા ભાઇઓ સુરેશભાઇ પરમાર અને વિજયભાઇ પરમારના પરિવારજનો, દલિત સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસી ગયા હતાં અને આરોપીઓને તાત્કાલીક પકડી લઇ આંબેડકરનગરમાંથી દારૂનું દૂષણ દુર કરવા માંગણી કરી હતી. તેમજ આરોપીઓને પકડી લઇ વરઘોડો કાઢી તેમજ વિસ્તારમાં જે બૂટલેગરોએ ગેરકાયદે મિલ્કતો ઉભી કરી છે તેનું ડિમોલીશન કરવાની માંગણી કરી હતી. માંગણીઓ સ્વીકારાશે નહિ ત્યાં સુધી બંને ભાઇઓના મૃતદેહ નહિ સ્વીકારાય તેવો નિર્ણય લીધો હતો.
આંબેડકરનગર શેરી નં. ૧૧માં રહેતાં બાબુભાઇ સોલંકીના ઘરે આવેલા તેના ભાણેજના વાહનને આ વિસ્તારના અરૂણ બારોટની કાર અડી જતાં આ લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં નિર્દોષ સુરેશભાઇ પરમાર અને તેના ભાઇ વિજયભાઇ પરમાર વચ્ચે પડી સમજાવવા જતાં અરૂણ બારોટ, તેના ભાઇ રમણ બારોટ અને અજાણ્યાઓએ છરીના ઘા ઝીંકી બંને ભાઇઓની હત્યા કરી હતી. સામા પક્ષે વળતો હુમલો થતાં અરૂણ અને તેનો ભાઇ રમણ પણ ઘાયલ થયા હતાં અને અરૂણનું મોત થયું હતું. સુરેશભાઇ અને વિજયભાઇ પરમારના સગા સંબંધીઓ, દલિત સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબની પ્રતિમા પાસે એકઠા થયા હતાં અને આંબેડકરનગરમાંથી દારૂનું દૂષણ નાબુદ કરવાની માંગણી કરી હતી.
દરમિયાન સમાજના અને ભાજપના પ્રદેશ આગેવાન ગિરીશભાઇ પરમાર પણ હોસ્પિટલ ચોકીમાં પહોંચ્યા હતાં. તેમણે કહ્યું હતું કે કાળી ચોૈદસની રાતે આંબેડકરનગર-૧૧માં બે નિર્દોષ દલિત યુવાનોની બૂટલેગરો દ્વારા હત્યા કરવામાં આવી છે. તેમના પરિવારના સભ્યોને પણ ઇજા પહોંચાડી મારી નાખવાનો પ્રયાસ થયો છે. આ વિસ્તારમાં બુટલેગરો ઘણા વર્ષોથી બેફામ બન્યા છે. નિર્દોષ રહેવાસીઓનું આ લોકોએ રહેવાનું ઉંઘવાનું હરામ કરી દીધુ છે. અહિ જાહેરમાં હરવા ફરવાનું પણ શક્ય રહેવા દીધુ નથી. બે સગા ભાઇઓ મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં તેને દિવાળીના તહેવાર પર જ હત્યા કરી સમાજની ઉંઘ હરામ કરી દીધી છે.
અમારી સમાજ વતી માંગણી છે કે આરોપી, બૂટલેગરોની તાત્કાલીક ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરે, તેનું સરઘસ કાઢે, તેના ગુનાખોરીના ધંધાઓ થકી તેણે જે મિલ્કતો વસાવી છે તેનું ડિમોલીશન કરવામાં આવે જેથી નિર્દોષ લોકો આ વિસ્તારમાં સમાજ શાંતિથી જીવી શકે. આખા સમાજની દિવાળી બગાડનારા બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો વ્યવસ્થામાં અને બીજા લોકોને મુશ્કેલી ન પડે તે માટે અમે અહિંસક આંદોલન કરીશું. અમારી માંગણીઓનો સ્વીકાર નહિ થાય ત્યાં સુધી અમે સ્થળ છોડવાના નથી, મૃતદેહ સ્વીકારવાના નથી. આરોપીઓને પકડી રીકન્સ્ટ્રકશન થાય, વરઘોડો કાઢવામાં આવે અને તેની ગેરકાયદે મિલ્કતો પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી અમારી માંગણી છે.
(2:32 PM IST)










