તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 20th October 2025
રાજકોટમાં ટ્રીપલ મર્ડર : બે સગા ભાઇ વિજય પરમાર, સુરેશ પરમાર અને સામા પક્ષે અરૂણ બારોટની ક્રુર હત્યા
ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બનાવથી પોલીસના ધાડેધાડા : ઘટનાને પગલે કારમાં તોડફોડ કરવામાં આવીઃ કારમાં ‘પ્રેસ' લખેલુ હતું: હુમલામાં ઘાયલ ૪૫ વર્ષના સુરેશભાઇ વશરામભાઇ પરમાર અને ૪૦ વર્ષના વિજયભાઇ વશરામભાઇ પરમારના રાત્રે મૃત્યુઃ સારવાર દરમિયાન વહેલી સવારે ૨૧ વર્ષના અરૂણ વિનોદભાઇ રાઠોડે દમ તોડયોઃ માલવીયાનગર પોલીસે સામ-સામે ગુનો દાખલ કર્યો : દિવાળી પર્વ રક્તરંજીત થયું: પરિવારોમાં માતમ : રમણે ‘આજે તો તમને પતાવી દેવા છે તેમ કહ્યું અને તેના મિત્રોએ સુરેશભાઇને પકડી લીધા, પછી રમણે એક છરી અરૂણને આપી દીધી હતી, અરૂણે પહેલા સુરેશભાઇને બે-ત્રણ ઘા મારી દીધા, બાદમાં વચ્ચે પડેલા વિજયભાઇ અને સુરેશને પણ છરી ઝીંકાઇ : સુરેશભાઇએ મહેમાનના બાઇકને કારથી ઉલાળનારા અરૂણને સમજાવ્યો કે-દિવાળી પર્વ છે ઝઘડો નથી કરવો, ત્યારે અરૂણે-તમારે મસ્તી જ કરવી હોય તો હું હથીયાર મંગાવી લઉં કહી ફોન કરી પોતાના ભાઇ રમણને બે છરીઓ, બેટ સાથે બોલાવ્યો

૨૦ વર્ષનો સુધીર પરમાર મિત્રો સાથે ઘર સામે ઉભો હતો ત્યારે અરૂણ બારોટ બે વખત ફુલ સ્પીડથી કાર હંકારી બાજુમાંથી નીકળ્યો, ત્રીજી વાર કટ મારીને નીકળ્યો ત્યારે સુધીરના ઘરે આવેલા મહેમાનના બાઇકને ઠોકરે લીધું: આથી સુધીરે તેને ધ્યાન રાખવાનું કહી ઘરે ફોન કરતાં તેના પપ્પા વિજયભાઇ અને મોટાબાપુ સુરેશભાઇ દોડી આવ્યાઃ દિવાળીનો તહેવાર ન હોઇ સુરેશભાઇએ અરૂણને ઝઘડો નહિ કરવા સમજાવ્યોઃ પણ તેણે ફોન કરતાં તેનો ભાઇ રમણ બે છરીઓ સાથે આવ્યોઃ પછી પાંચ જણા તૂટી પડયા જેમાં સુરેશભાઇ અને વિજયભાઇના મોત થયાઃ સામા પક્ષે અરૂણ રાઠોડ-બારોટનું ખૂનઃ ચારને ઇજા
રાજકોટ રક્તરંજીતઃ શહેરના ગોંડલ રોડ આંબેડકરનગરમાં રાતે ઘર પાસે શેરીમાં પાર્ક કરાયેલા બાઇકને કાર અડી જતાં પડોશીને થયેલી બોલાચાલીમાં બે સગા ભાઇઓની હત્યા થઇ ગઇ હતી. સામા પક્ષે હુમલો કરનારા બે ભાઇઓમાંથી પણ એકનું વળતા હુમલામાં મોત થયું હતું. ઘટના જ્યાં બની તે આંબેડકરનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત, જ્યાં ધીંગાણું થયું તે સ્થળ (સફેદ રાઉન્ડ કર્યુ છે તે) જે કાર ટુવ્હીલર સાથે અથડાઇ હતી તે કાર (જેમા પ્રેસનો લોગો પણ છે) તથા નીચેની તસ્વીરોમાં હત્યાનો ભોગ બનેલા બે સગા ભાઇઓ સુરેશભાઇ વશરામભાઇ પરમારનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો, વિજયભાઇ વશરામભાઇ પરમારનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો તથા સામા પક્ષના અરૂણ વિનોદભાઇ બારોટ-રાઠોડનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે. સોૈથી નીચેની તસ્વીરમાં હુમલામાં ઘાયલ થયેલા મૃતક અરૂણનો ભાઇ રમણ બારોટ, મૃતક વિજયભાઇ પરમારના પત્નિ હંસાબેન તથા તેનો પુત્ર સુધીર પરમાર સારવાર હેઠળ, પરિવારના મહિલા સભ્યો શોકમય અને ઘટના સ્થળે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ, વિગતો જણાવતાં ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૦: શહેરમાં દિવાળી પર્વ રક્તરંજીત થયું છે. ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં ટ્રીપલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઘર બહાર પાર્ક કરાયેલા વાહનને કાર અડી જતાં બોલાચાલી થઇ હતી. જેમાં પરમાર પરિવારના બે સગા ભાઇઓ અને સામે બારોટપરિવારના એક યુવાનનું મોત થયું છે. આ ઘટનામાં બંને પક્ષના મળી ચાર લોકોને ઇજા પણ પહોંચી હતી. બનાવને પગલે કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે બનાવ સ્થળે અને હોસ્પિટલે પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતાં. સપરમા તહેવારમાં જ હત્યાની ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ આંબેડકરનર-૧૧ (ક)માં રહેતો સુધીર પરમાર નામનો યુવાન તેના મિત્રો સાથે રાતે ઘર નજીક રોડ પાસે ઉભો હતો ત્યારે આ વિસ્તારમાં જર રહેતો અરૂણ બારોટ ફુલ સ્પીડથી બે વખત કાર લઇને બાજુમાંથી નીકળ્યો હતો. થોડીવાર પછી ત્રીજી વખત પણ તે આ રીતે સ્પીડથી કાર હંકારીને નીકળ્યો ત્યારે સુધીર પરમારના ઘરે આવેલા મહેમાનનું ટુવ્હીલર પાર્ક કરેલું હોઇ તેની સાથે કાર અથડાવી દેતાં સુધીરે તેને ધ્યાન રાખવાનું કહેતાં અને પોતાના પપ્પા વિજયભાઇને ફોન કરી જાણ કરતાં તેના પપ્પા વિજયભાઇ અને મોટા બાપુ સુરેશભાઇ બહાર આવ્યા હતાં અને સુરેશભાઇએ દિાવળીનો તહેવાર હોય ઝઘડો નહિ કરવા સમજાવતાં અરૂણે-તમારે મસ્તી જ કરવી હોય તો હું હથીયાર મંગાવી લઉ કહી ફોન કરતાં તેનો ભાઇ રમણ અને અજાણ્યો બાઇક પર બે છરી, બેટ સાથે આવ્યા બાદ હુમલો કરી દીધો હતો. જેમાં સુરેશભાઇ અને તેના ભાઇ વિજયભાઇને ગંભીર ઇજા થતાં તેમના મોત થયા હતાં. જ્યારે સુધીરને ઇજા પહોંચી હતી. સામા પક્ષે અરૂણ બારોટનું મોત થયું હતું અને તેના ભાઇ રમણ બારોટને ઇજા પહોંચી હતી.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૦માં રહેતાં સુરેશભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૪૫), તેમના ભાઇ વિજયભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૪૦) અને વિજયભાઇના દિકરા સુધીર વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૦) રાતે સાડા બારેક વાગ્યે ઘર નજીક ખુણા પાસે હતાં ત્યારે આ વિસ્તારના જ રમણ બારોટ, અરૂણ બારોટ અને અજાણ્યાઓએ છરીથી હુમલો કરી ઇજાઓ કરતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત સુરેશભાઇ પરમાર અને તેના ભાઇ વિજયભાઇ પરમારના મોત નિપજતાં બનાવ ડબલ મર્ડરમાં પરીણમ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સુધીર વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૦)ને સારવાર માટે દાખલ કરાયો હતો.
સામા પક્ષે આંબેડકરનગરમાં રહેતાં અરૂણ વિનોદભાઇ બારોટ-રાઠોડ (ઉ.વ.૨૧) અને તેના ભાઇ રમણ વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)ને પણ ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમના પર આંબેડકરનગર હીના પાન પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું જણાવતાં તે મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસમાં કરાવી હતી. સારવાર દરમિયાન સવારે ૩:૪૫ કલાકે અરૂણ વિનોદભાઇ બારોટને ડોક્ટરે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. તે સાથે આ બનાવ ટ્રીપલ મર્ડરમાં પલ્ટાઇ ગયો હતો.
પોલીસે આંબેડકરનગર-૧૧ (ક)માં રહેતાં અને હુમલામાં ઘાયલ થયેલા સુધીર વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી અરૂણ વિનુભાઇ બારોટ, રમણ વિનુભાઇ બારોટ અને ત્રણ અજાણ્યા સામે હત્યા, હત્યાની કોશિષ, રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
સુધીરે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છે. મારા પિતા વિજયભાઇ પરમાર મકાનો બનાવી વેંચાણનું કામ કરતાં હતાં. ૨૦મીની રાતે હું અને મિત્ર નરેશ, નિલેષ, હીતેષ સહિતના ઘર પાસે ઉભા હતાં ત્યારે રાવણ ચોક રામાપીરના મંદિર પાસે રહેતો અરૂણ વિનુભાઇ બારોટ બે વખત અમારી પાસેથી કાર લઇને ફુલ સ્પીડમાં નીકળ્યો હતો. આ પછી પણ અમે મિત્રો રોડ પર વાતો કરતા હતાં ત્યારે ત્રીજી વખત પણ અરૂણ ફુલ સ્પીડથી કાર લઇને અમારી બાજુમાંથી કટ મારીને નીકળ્યો હતો અને ત્યાં મોટરસાઇકલ પાર્ક થયેલુ હોઇ તેમાં કાર ભટકાવી હતી. આ મોટર સાયકલ અમારા ઘરે બેસવા આવેલા મહેમાનનું હતું. જેથી મેં મારા પપ્પાને ફોન કરી કહેલુ કે આપણા ઘરે મહેમાન આવ્યા છે તેના ટુવ્હીલર સાથે કાર ભટકાઇ ગઇ છે.
આ પછી અરૂણ બારોટ કાર લઇને ત્યાં જ ઉભો હોઇ અને અમારી વાત સાંભળતો હોઇ તે કારમાંથી નીચે ઉતરી અમારી પાસે આવ્યો હતો. તેની સાથે કારમાંથી બીજા બે જણા પણ ઉતર્યા હતાં. અરૂણે મારી પાસે આવી ગાળાગાળી ચાલુ કરી હતી. ત્યાં મારા મોટા બાપુ સુરેશભાઇ અને મારા પપ્પા વિજયભાઇ આવી ગયા હતાં. તેઓ અરુણને સમજાવવા લાગેલ કે અત્યારે તહેવાર છે ઝઘડો ન કરાય. અરૂણે કહેલ કે-તમારે મસ્તી જ કરવી હોય તો હુ઼ હથીયાર મંગાવી લઉં...આમ કહી તેણે ફોન કરતાં અરૂણો ભાઇ રમણ બારોટ તથા અન્ય એક અજાણ્યો શખ્સ ડબલ સવારીમાં બાઇક પર આવ્યા હતાં. રમણના હાથમાં બે છરીઓ હતી, બીાજ શખ્સના હાથમાં બેટ હતું.
આ બધા મોટા પાયે ઝઘડો કરવા આવ્યા હોય તેમ લાગતમાં મારા મોટા બાપુ સુરેશભાઇએ અમને કહેલું કે-તમે શાંતિ રાખજો, હું વાત કરી લઉ છું. આ દરમિયાન હું અને મારા પપ્પા વિજયભાઇ સાઇડમાં ઉભા હતાં ત્યારે અરૂણ અને રમણ તથા તેના ત્રણ મિત્રોને મારા મોટા બાપુ સુરેશભાઇ ફરી સમજાવતાં હતાં કે દિવાળીનો તહેવાર છે ઝઘડો ન કરો. ત્યારે રમણે આજે તો તમને પતાવી દેવા છે કહી મારા મોટા બાપુ સુરેશભાઇને અરૂણના મિત્રોએ પકડી લીધા હતાં અને રમણે એક છરી અરૂણને આપી દીધી હતી. પછી અરૂણે મારા મોટા બાપુને બે ત્રણ ઘા મારી દીધા હતાં.
આ જોઇ હું અને મારા પપ્પા વિજયભાઇ છોડાવવા વચ્ચે પડતાં રમણ બારોટે મારા પપ્પાને આડાઅવળા ઘા મારી દીધા હતાં. દેકારો થતાં મારા મમ્મી હંસાબેન આવી જતાં રમણે મને કહેલું કે આજે તો તને પણ જીવતો રહેવા નથી દેવો, પતાવી જ દેવો છે કહી મને પણ છરીનો ઘા કમરમાં મારી દીધો હતો. દરમિયાન મારા મમ્મીને પણ અરૂણે કપાળે છરી મારી દીધી હતી. ઝપાઝપીમાં અરૂણ અને રમણને પણ ઇજાઓ થઇ હતી. હોસ્પિટલમાં મારા મોટા બાપુ સુરેશભાઇ અને મારા પપ્પા વિજયભાઇને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. અરૂણે ત્રણ વખત અમે ઉભા હતાં ત્યાંથી ફુલ સ્પીડથી કટ મારીને કાર હંકારી બાદમાં અમારા ઘરે આવેલા મહેમાનના બાઇકને ઠોકરે લેતાં મારા મોટા બાપુ અને પપ્પા તેને સમજાવવા જતાં પહેલા તેણે મારા મોટા બાપુ સુરેશભાઇને અને બાદમાં મને તથા મારા પપ્પા વિજયભાઇને છરીના ઘા માર્યા હતાં. જેમાં મારા મોટા બાપુ અને પપ્પાના મૃત્યુ થયા હતાં. તેમ વધુમાં સુધીરે જણાવ્યું હતું.
સામા પક્ષે આંબેકડરનગર-૫ કવિરાજ મકાન ખાતે રહેતાં રમણ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ નાથાભાઇ બારોટ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ વશરામભાઇ પરમાર, વિજયભાઇ વશરામભાઇ પરમાર અને ઘાયલ થયેલા સુધીર વિજયભાઇ પરમાર તથા બે અજાણ્યા સામે હત્યા, હત્યાનો પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
રમણે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ગોકુલધામ રોડ પર ખોડિયા રહોટેલ ઉપર ટૂટુ સ્ટુડીયો નામની દૂકાનમાં વેપાર કરુ છું. અમે ત્ણ ભાઇઓ છીએ. જેમાં મોટા અરૂણભાઇ, પછી હું, એ પછી રાજદિપ અને સોૈથી નાની બહેન પાંચ વર્ષની છે. મારા મમ્મી, પપ્પા, કાકા-કાકી, દાદી પણ અમારી સાથે રહે છે. મારા પિતા જમીન મકાનનું લે-વેંચનું કામ કરે છે. ૨૦મીએ રાતે હું ઘરે હતો ત્યારે મારા ફુવાના ભાઇ જગાભાઇ બારોટ જે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રહે છે તેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તુ અહિ યશ મકવાણા રહે છે તે શેરીમાં આવ તારા ભાઇ અરૂણને માથાકુટ થઇ છે. જેથી હું અને મારો મિત્ર ત્યાં ગયા હતાં. ત્યાં માણસોનું ટોળુ હતું અને મારા ભાઇ અરૂણ સાથે વિસ્તારના જ સુરેશભાઇ પરમાર, વ્જિયભાઇ પરમાર, સુધીર પરમાર મારામારી કરતાં હતાં. હું મારા ભાઇને છોડાવું કે કંઇ સમજુ એ પહેલા મને આ લોકોએ ઢીકાપાટુ માર્યા હતાં. બીજા અજાણ્યા પણ હતા તેણે પણ મારકુટ કરી હતી. જેથી મને પડખામાં છરી લાગી જતાં હું પડી ગયો હતો. ફરી મને કોઇએ હાથનાક ાંડા ઉપર ઘા મારી દીધો હતો. આ વખતે મારો ભાઇ અરૂણ ઉભો થઇ મને છોડાવવા આવતાં વિજયભાઇ પરમો માર ભાઇને વાંસામાં છરીનો ભા મારી દીધો હતો. આ છરી મારા ભાઇના વાંસામાંથી બહાર નીકળી નહોતી અને ફસાઇ ગઇ હતી.
મારા ભાઇનું લોહી જોઇ હું બેભાન થઇ ગયો હતો. દિવાળીનો તહેવાર હોઇ લોકો ભેગા થઇ ગયા હોઇ અમને વધુ મારથી છોડાવ્યા હતાં. મારા ભાઇનું વાહન વિજયભાઇ કે સુરેશભાઇ સાથે ભટકાયેલ હોઇ તે કારણે મારા ભાઇને આ લોકોએ છરીથી ઇજા કરી હતી. છરી પીઠમાં ખુંચી ગઇ હોઇ તેને હોસ્પિટલે ખસેડાયેલ પણ તેનું મૃત્યુ થયું હતું. મને ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયો હતો. તેમ વધુમાં રમણ બારોટે કહેતાં પીઆઇ જે. આર. દેસાઇ, હીરેનભાઇ પરમાર, શૈલેષભાઇ ખીહડીયા, મહેશભાઇ રૂદાતલાએ બંને પક્ષની ફરિયાદ દાખલ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી જે. બી. ચોૈધરી, માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે અને બનાવ સ્થળે પહોંચ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીએ જણાવ્યું હતું કે આ બનાવમાં બંને પક્ષના નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તકેદારીના ભાગરૂપે ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (૧૪.૬)
વિજયભાઇના દિકરા સુધીરે કાર ધીમે હંકારવા અરૂણને સમજાવતા બોલાચાલી બાદ વાત વણસી
ઞ્જ હત્યાનો ભોગ બનેલા વિજયભાઇ પરમારના દિકરા સુધીર પરમારને પણ હુમલામાં ઇજા થઇ છે. સુધીરના નાના ભાઇ જશવંતે કહ્યું હતું કે-પાડોશી બાબુભાઇ સોલંકીના ઘરે આવેલા તેના ભાણેજ ભરતભાઇના બાઇકમાં અરૂણ બારોટની કાર અડી જતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મારો ભાઇ સુધીર બહાર નીકળી અરૂણને સમજવવા જતાં તેણે છરી કાઢી હતી અને ફોન કરી બીજા લોકોને બોલાવી લીધા હતાં. આ પછી હુમલો થયો હતો અને વાત વણસી ગઇ હતી. વળતા હુમલામાં વરૂણ અને તેનો ભાઇ અરૂણ પણ ઘાયલ થયા હતાં. જેમાં વરૂણનું પણ મોત થયું હતું.
સુરેશભાઇ કારખાનુ ચલાવતાં હતાં: વિજયભાઇ ખેતી અને ઇંટોનું કામ કરતાં હતાં: માથાકુટ વખતે ત્રીજા ભાઇ જગદીશભાઇ પરમાર હાજર નહોતાં
એક બહેન રાજકોટમાં જ સાસરે છેઃ બે ભાઇઓના પરિવારના માળા વેરણ-છેરણ થઇ ગયા
રાજકોટ તા. ૨૦ : હત્યાની ઘટનામાં જે બે સગા ભાઇઓ સુરેશભાઇ પરમાર અને વિજયભાઇ પરમારનો ભોગ લેવાયો તેમને અન્ય એક ભાઇ જગદીશભાઇ પરમાર છે અને એક બહેન ગીતાબેન છે. જે રાજકોટ સાસરે છે. રાતે માથાકુટ થઇ ત્યારે સુરેશભાઇ અને વિજયભાઇ તથા વિજયભાઇના દિકરા સુધીર ઉપર છરીથી હુમલો થયો હતો. આ વખતે ત્રીજા ભાઇ જગદીશભાઇ પરમાર હાજર નહોતાં.
હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ પરમાર આંબેડકરનગર વિસ્તારમાં જ સ્કાયટેક એન્જીનીયરીંગ નામે ડાઇ બનાવવાનું કારખાનુ ચલાવતાં હતાં. જ્યારે અન્ય મૃતક ભાઇ વિજયભાઇ પરમાર ખેતી કરવાની સાથે ઇંટનો ભઠ્ઠો ચલાવતાં હતાં. આ બંને ભાઇઓની એક સાથે હત્યાથી પરિવારોના હર્યા ભર્યા માળા વેરણછેરણ થઇ જતાં કોણ કોને છાના રાખે? તે સ્વજનોને સમજ પડતી નહોતી. આ ઘટનાને પગલે પરમાર પરિવાર પર વજ્રઘાત થયો છે અને દિવાળીના તહેવારની ખુશીને બદલે મરશીયા ગવાયા છે.
હોસ્પિટલ ખાતે બંને પક્ષના લોકોને અલગ અલગ બેસાડાયા, ઘાયલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો કાફલો હોસ્પિટલમાં હાજર
ઞ્જ આંબેડકરનગરમાં બે પરિવારના કુલ ત્રણ લોકોની હત્યા થઇ હોઇ પોલીસે આ ત્રણેય મૃતકોના પરિવારજનોને અલગ અલગ બેસાડી ત્યાં સતત પોલીસ બંદોબસ્ત જાળવવો પડયો હતો. ઘાયલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત મુકવાની ફરજ પડી હતી. ટ્રીપલ મર્ડરની ઘટનાને પગેલે ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ, હેડકોન્સ. કોન્સ્ટેબલ સહિતનો કાફલાએ હોસ્પિટલે અને બનાવ સ્થળે જઇ કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)
બે ભાઇઓની હત્યાથી બંનેના છ સંતાને એક સાથે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી
સુરેશભાઇ પરમારને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે, વિજયભાઇને બે દિકરાઃ હુમલામાં વિજયભાઇના પત્નિ-પુત્રને પણ ઇજા
રાજકોટ તા. ૨૦: હત્યાની ઘટનામાં બે સગા ભાઇઓના મૃત્યુ થતાં બંનેના છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. મૃતક સુરેશભાઇને સંતાનમાં ત્રણ દિકરી પાયલ, જાસ્મીન, નિરાલી અને એક દિકરો મિલન છે. જ્યારે વિજયભાઇને સંતાનમાં બે દિકરા સુધીર અને જશવંત છે. આ હુમલામાં વિજયભાઇની સાથે દિકરા સુધીર અને પત્નિ હંસાબેન પરમારને પણ ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરાયા હતાં.
(3:05 PM IST)










