News of Saturday, 18th October 2025
૪ શખ્સોએ ઘરનો દરવાજો તોડી ધમાલ મચાવીઃ સગીરને પતાવી દેવાની, તેની બહેનને ઉઠાવી જવાની ધમકી
કોઠારીયા સોલવન્ટ હરિદ્વારા સોસાયટીમાં બનાવઃ ૧૭ વર્ષનો સગીર ૨૨ વર્ષની યુવતિ સાથે ફોનમાં વાત કરતો હોઇ માથાકુટ : સગીર જેની સાથે વાત કરતો હતો તેના ભાઇ મેતરાજ, માઇકલ, હિતેષ ઉર્ફ ઘઉં અને અનિલ વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં સત્તર વર્ષના સગીરને આ વિસ્તારના જ એક શખ્સની બહેન સાથે પરીચય હોઇ અને આ બંને ફોનમાં વાતચીત કરતાં હોઇ યુવતિના ભાઇને ખબર પડી જતાં તેણે ત્રણ મિત્રો સાથે સગીરના ઘરે મોડી રાતે જઇ ઘરના દરવાજાને પાટા મારી તોડી નાંખી તેણીની માતા-બહેન સાથે બોલાચાલી કરી તેમજ બહેન સાથે ઝપાઝપી કરી સગીરના મામાના મિત્ર પર કુહાડીથી હુમલો કરતાં ફરિયાદ થઇ છે. માથે જતાં સગીરને મારી નાખવાની અને તેની બહેનને લઇ જવાની ધમકી પણ ચારેયએ આપી હતી.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટી-૪માં રહેતાં બાવીસ વર્ષના યુવતિની ફરિયાદ પરથી મેતરાજ, માઇકલ, હિતેષ ઉર્ફે ઘઉં અને અનિલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદી યુવતિ પોતાના માતા, બે ભાઇ સાથે રહે છે અને તેણીના પિતા ખારચીયા ગામે રહી ખેતી કરે છે. તેણીએ કહ્યું હતું કે ૧૬/૧૦ના રાતે સાડા બારેક વાગ્યે હું, મારા માતા અને બે ભાઇઓ ઘરમાં સુતા હતાં ત્યારે કોઇએ દરવાજો જોર-જોરથી ખખડાવતાં અમે જાગી ગયા હતાં અને કોણ છે? કોનુ કામ છે? તેમ પુછતાં સામેથી અવાજ આવ્યો હતો કે-દરાવજો ખોલો નહિતર અમે તોડી નાંખશું. આ પછી જોર જોરથી દરવાજા પર પાટા મારતાં હેન્ડલ તુટી ગયું હતું. દરવાજો ખુલી જતાં સામે મેતરાજ, માઇકલ, હિતેષ ઉર્ફે ઘઉં અને અનીલ ઉભા હતાં. આ ચારેયએ મને અને મારા ઘરના સભ્યોને જેમ તેમ બોલતાં હું અને મારા મમ્ી બહાર નીકળ્યા હતાં તેને દેકારો કરવાની બોલાચાલી કરવાની ના પાડી હતી.
આથી માઇકલ અને મેતરાજે મારી સાથે ઝપાઝપી કરી હતી. જેથી મારા નાના ભાઇએ મારા મામાને ફોન કરતાં તેમણે તેમના મિત્ર મિલનભાઇને તાકીદે અમારી ઘરે મોકલ્યા હતાં. તે અમને છોડાવવા વચ્ચે પડતાં તેની સાથે પણ આ ચારેય ગાળાગાળી કરવા માંડયા હતાં અને ઢીકાપાટુનો માર મારવા માંડયા હતાં. આ દરમિયાન મેતરાજે મામાના મિત્ર મિલનભાઇને પકડી લીધા હતાં અને માઇકલે કુહાડીનો ઉંધો ઘા મીલનભાઇને મારતાં જમણા હાથ પર ઇજા થઇ હતી. આ પછી માઇકલ અને મેતરાજે ધમકી આપી હતી કે-તાર ભાઇ સુમિતને મારી નાખશુ અને તને લઇ જશું. દેકારો થતાં માણસો ભેગા થઇ ગયા હતાં આથી માઇકલ, મેતરાજ, હિતેષ અને અનીલ ભાગી ગયા હતાં.
આ પછી મારા મામા પણ આવી ગયા હતાં અને મિલનભાઇને સારવરા અપાવવા લઇ ગયા હતાં. બાદ અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. આ માથાકુટનું કારણ એ છે કે મારાથી નાના ભાઇને મેતરાજની બાવીસ વર્ષની બહેન સાથે અગાઉ મિત્રતા હોઇ બંને ફોનમાં વાતચીત કરતાં હતાં. આ બાબતની જાણ મેતરાજને થઇ જતાં મેતરાજ તેના મિત્રો સાથે અમારા ઘરે આવ્યો હતો અને રાડો પાડી પાટા મારી દરવાજો તોડી નાંખી મારી સાથે ઝપાઝપી કરી મને, મારા માતાને ગાળો દીધી હતી અને મામાના મિત્ર પર કુહાડીથી હુમલો કરી માથે જતાં મારા ભાઇને મારી નાંખવાની અને મને લઇ જવાની ધમકી આપી હતી. તેમ વધુમાં ફરિયાદીએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ જે. કે. કુરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:17 PM IST)










