<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજકોટની બજારમાં ભારે ભીડ :દિવાળીની ખરીદીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ

મુખ્ય બજારો, મોલ્સ અને શોપિંગ વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી લોકોનો ભારે ધસારો: ખરીદીનો માહોલ જામ્યો

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજારો, મોલ્સ અને શોપિંગ વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. દિવાળીની ખરીદીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છલકાઈ રહ્યો છે. જેના કારણે વેપારીઓના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. 

  બજારોમાં ખાસ કરીને ગૃહિણીઓ અને યુવાનોની ભીડ જોવા મળી રહી છે. ખરીદી માટેની મુખ્ય વસ્તુઓમાં કપડાં, ઘર સજાવટની વસ્તુઓ, પર્સ, ફૂટવેર, મુખવાસ અને સુશોભન માટેના તોરણોનો સમાવેશ થાય છે. દુકાનોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જે આ વર્ષે તહેવારની ખરીદીની મજબૂત માંગ દર્શાવે છે. છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ અનુભવી રહેલા વેપારીઓ માટે આ દિવાળી આશાનું કિરણ લઈને આવી છે. 

  બજારમાં આટલી મોટી ભીડ અને લોકોની ખરીદશક્તિ જોઈને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક વેપારીએ જણાવ્યું હતું કે આ વખતેની દિવાળી ખૂબ જ સારી જશે એવું સ્પષ્ટ દેખાય છે. ગ્રાહકો મોકળા મને ખરીદી કરી રહ્યા છે, જે બજાર માટે સારો સંકેત છે.

(11:06 PM IST)