<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગંગોત્રી પાર્કમાંથી કેતન સિંધવ દારૂનો જથ્‍થો ભરેલી કાર-રિક્ષા સાથે પકડાયો

દિપુ લાખાણી પાસેથી જથ્‍થો લાવી ઘર બહાર વાહનો પાર્ક કર્યા હતાં : ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ ૨.૨૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૭: દિવાળીના તહેવાર અંતર્ગત નાના મોટા બૂટલેગરો સક્રિય થઇ ગયા હોઇ પોલીસ પણ રેલમછેલને રોકવા વધુ સક્રિય બની છે. એલસીબી ઝોન-૨ ટીમે સતત બીજા દિવસે વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને પકડી લીધો છે. આ શખ્‍સને દારૂ આપનારાનું પણ નામ ખુલ્‍યું હોઇ તેની શોધખોળ થઇ રહી છે. જથ્‍થો મંગાવીને વેંચીને રોકડી કરે એ પહેલા ગંગોત્રી પાર્કના શખ્‍સને પકડી લેવાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચોક્કસ બાતમી મળતાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ શેરી નં. ૧ મકાન નં. ૨૧ પાસે પહોંચી હતી. અહિ ઘર બહાર પાર્ક કરાયેલી ફ્રન્‍ટી અને રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી ઓલ સીઝન વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૫૦૪૦૦ના ૧૬૮ ચપલા, બેલેન્‍ટાઇન ફાઇનેસ્‍ટ ૭૫૦ એમએલની રૂ. ૧૨૩૬૦ની ૪ બોટલો, જોની વોકર રેડલેબલની રૂ. ૬૧૮૦ની બે બોટલો મળી આવતાં આ જથ્‍થો તથા જીજે૦૩કે-૩૩૬૮ નંબરની ૭૫ હજારની મારૂતિ કાર અને જીજે૦૩એઝેડ-૯૪૪૯ નંબરની ૭૫ હજારની અતુલ રિક્ષા મળી કુલ રૂ. ૨,૨૮,૯૪૦નો મુદ્દામાલ કબ્‍જે કરી કેતન જગદીશભાઇ સિંધવ (ઉ.વ.૩૦)ને પકડી લેવાયો હતો.

કેતનની પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે પોતે આ દારૂનો જથ્‍થો દીપુ સુંદરદાસ લાખાણી પાસેથી વેંચવા માટે લાવ્‍યો હતો. પોલીસે દિપુની શોધખોળ હાથ ધરી છે. કેતન અગાઉ પણ દારૂના ગુનામાં પકડાઇ ચુક્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, કોન્‍સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. 

(2:51 PM IST)