તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
લાયસન્સ વગર ફટાકડા વેંચતા ત્રણ પકડાયા
ભક્તિનગર પોલીસે ૮૦ ફુટ રોડ પર અને પ્ર.નગર પોલીસે રેલનગરમાં સ્ટોલ ખોલી ફટાકડા વેંચી રહેલા અશોક, વિશાલ, પિયુષ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૧૭: શહેરમાં દિવાળીના તહેવાર અંતર્ગત નાના મોટા અનેક વેપારીઓ ફટાકડાનો વેપાર કરતાં હોય છે. જો કે ફટાકડા વેંચવા પહેલા આ માટે જરૂરી લાયસન્સ પરવાનગી પોલીસ તેમજ બીજા તંત્રવાહકો પાસેથી મેળવવી પડતી હોય છે. આમ છતાં અનેક નાના મોટા ધંધાર્થીઓ મંજુરી વગર ફટાકડા વેંચવા બેસી જતાં હોય છે. દરમિયાન શહરેમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી હતી તેમાં ત્રણ શખ્સો લાયસન્સ વગર ફટાકડા વેંચતા ઝડપાઇ જતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભક્તિનગર પોલીસની ટીમ ફટાકડાના સ્ટોલ્સ, દુકાનો પર તપાસ કરવા નીકળી હતી ત્યારે ૮૦ ફુટ રોડ નહેરૂનગર પટેલ ચોક પાસે દીપ હાર્ડવેરની બાજુમાં આવેલી દૂકાન નજીક ફટાકડાનું વેંચાણ થતું હોઇ અહિ હાજર હરિ ધવા રોડ ભવનાથ પાર્ક-૧૫ના અશોક રવજીભાઇ દેસાઇને લાયસન્સ બાબતે પુછતાં તેની પાસે લાયસન્સ ન હોઇ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.
આ ઉપરાંત રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ શ્રધ્ધા એપાર્ટમેન્ટ પાસે બાલાજી ફટાકડા નામે સ્ટોલ ખોલીને બેઠેલા નેહરૂનગર-૩ના વિશાલ ભુપતભાઇ જોડીયા વિરૂધ્ધ અને રેલનગર શ્રીજી કોમ્પલેક્ષમાં કાજલ પાન પાસે પિયુષ ફટાકડા નામે સ્ટોલ ખોલનારા વિવેકાનંદનગર-૧૨ના પિયુષ ભુપતભાઇ ડંડૈયા વિરૂધ્ધ લાયસન્સ વગર ફટાકડા વેંચવા મામલે ગુનો નોંધાયો હતો. આ બંને કાર્યવાહી ભક્તિનગર અને પ્ર.નગર પોલીસે કરી હતી.
(2:51 PM IST)










