<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજકોટ મહાનગરપાલિકાનું જળસંચય અભિયાનઃ લોકડાયરા સાથે હિટાચી મશીનનું લોકાર્પણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્‍થિતિઃ ઓસમાણ મીર - આમીર મીરના સૂરોથી સ્‍ટેડિયમ ગુંજ્‍યું

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ભૂગર્ભ જળ સ્‍તરમાં વધારો કરવાના ઉમદા હેતુથી ‘ડી.બી. કોર્પ. લિ. (દિવ્‍ય ભાસ્‍કર)' અને ‘ગીર ગંગા પરિવાર ટ્રસ્‍ટ'ના સંયુક્‍ત ઉપક્રમે ‘એક સંકલ્‍પ... જળ સંચય અભિયાન' અને હિટાચી મશીન લોકાર્પણ કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

માધવરાવ સિધિયા ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું દીપપ્રાગટ્‍ય ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ અને રાજ્‍યકક્ષાના મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) સહિતના મહાનુભાવોના વરદ્દ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહ્યા હતા અને મહંત પૂજ્‍ય શ્રી ઇન્‍દ્રભારતી બાપુએ આશીર્વચન પાઠવ્‍યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત જનમેદનીને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે, ‘‘પ્રદેશ અધ્‍યક્ષ બન્‍યા પછી જળ બચાવવા માટેની જનજાગૃતિના આ કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્‍યો, જે એક અનોખો કાર્યક્રમ છે.'' તેમણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંદર્ભ આપીને જળ બચાવવા અંગેના દાનને સર્વશ્રેષ્ઠ દાન ગણાવ્‍યું હતું. તેમણે સૌને વરસાદી પાણીનો સંગ્રહ કરવા સંકલ્‍પ લેવા માટે પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍યો સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવો અને શહેરીજનોએ જળ બચાવવા અંગેના શપથ પણ લીધા હતા. જળસંચયની કામગીરીમાં સહયોગ આપનાર ૧.૨૫ લાખ રજીસ્‍ટ્રેશન કરનારા લોકો અને લોકઉપયોગી કામગીરી કરતા પ્રતિનિધિઓનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમની અંતમાં, સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર, આમીર મીરના મધુર સ્‍વરના ગીતો અને હાસ્‍ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાની આગવી કળાએ શહેરીજનોને મનોરંજન પૂરું પાડ્‍યું હતું.

(2:47 PM IST)