<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મહિલા ઉપર વારંવાર બળાત્‍કાર ગુજારવા અંગે સોની બજારની નામાંકિત પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદ

મહિલાના ન્‍યુડ ફોટા પાડી બ્‍લેકમેઇલ કરવાનો ગંભીર ગુનો છેઃ ફરિયાદ મુજબ આરોપી અને તેના ભાઇએ ભોગ બનનાર ઉપર બળાત્‍કાર ગુજાર્યો હોવાનો પ્રથમ દર્શનીય કેસ છેઃ કોર્ટ

 

રાજકોટ તા.૧૭: અત્રે સોનીબજારની નામાંકિત પેઢી ગણેશ ગોલ્‍ડના ભાગીદારો સોની અગ્રણી અમિત ભીંડી તથા અલ્‍પેશ ભીડી બંને ભાઈઓએ તેની જ પેઢીનું માર્કેટીંગનું કામ કરતી મહિલાને હીસાબ સમજાવવા ફલેટે બોલાવી તેણી ઉપર બળજબરીથી બળત્‍કાર કરી નગ્ન ફોટા પાડી લઈ તે વાઈરલ કરી દેવાની ધમકી આપી બ્‍લેકમેઈલ કરી રીપીટેડલી બળાત્‍કાર કરનાર બંને ભાઈઓ પૈકી અલ્‍પેશ મહેન્‍દ્રભાઈ ભીંડીએ પોતાની ધરપકડ ટાળવા કરેલ આગોતરા જામીન અરજી રાજકોટના એડી. સેશન્‍સ જજે  નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો દુષ્‍કર્મનો ભોગ બનનાર મહીલા ફરીયાદી આરોપીઓની ગણેશ ગોલ્‍ડ નામની પેઢીમાં સોનાના દાગીનાનું માર્કેટીંગનું કામ કરતી હતી દરમિયાન તેણીને ધંધાના હીસાબ માટે અલ્‍પેશ ભીડીએ રહેણાંકના મકાને બોલાવી શરીર સબંધની માંગણી કરી ભોગ બનનારની ઈચ્‍છા વિરૂધ્‍ધ બળજબરીથી બળાત્‍કાર ગુજારી ન્‍યુડ ફોટા પાડી લઈ બાદ બે વખત ભોગ બનનારને ફલેટે બોલાવી ન્‍યુડ ફોટા વાઈરલ કરી દેવાની તથા ભોગ બનનારના માસીના મકાનનો કબ્‍જો લઈ લેવાની ધમકી આપી બળજબરીથી શરીર સબંધ બાંધ્‍યા બાદ તેજ રીતે સહઆરોપી અમિત ભીંડીએ પણ તેના ભાઈ અલ્‍પેશના મોબાઈલમાં રહેલ ભોગ બનનારના નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની અને સાટાખતવાળા મકાનનો કબ્‍જો લઈ લેવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ભોગ બનનારને બે વખત ફલેટે બોલાવી ભોગ બનનારની મરજી વીરૂધ્‍ધ બળજબરીથી બળાત્‍કાર ગુજારેલ સબંધે ભોગ બનનારે ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ (૧) અલ્‍પેશ મહેન્‍દ્રભાઈ ભીંડી (૨) અમિત મહેન્‍દ્રભાઈ ભીંડી રહે. સાધુવાસવાણી રોડ, રાજ પેલેસ ચોક, સંકલ્‍પ એપાર્ટમેન્‍ટમા રહેતા અને ૩૦૨, જે.પી. ટાવર - સી, સવજીભાઈની શેરી, સોનીબજાર રાજકોટમા ધંધો કરતા આરોપીઓ વિરૂધ્‍ધ તા.૦૫/૦૯/૨૦૨૨ ના રોજ ગુન્‍હો દાખલ કરાવેલ હતો.

 ઉપરોકત બંને આરોપીઓ પૈકી અલ્‍પેશ મહેન્‍દ્રભાઈ ભીંડીએ પોતાની સંભવીત ધરપકડ ટાળવા માટે રાજકોટની સેશન્‍સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જેની સામે સરકારી વકીલ દ્વારા તથા મુળ ફરીયાદી ભોગ બનનાર વતી એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે, અરજદારનુ એફ.આઈ.આર. માં નામ તથા સ્‍પેશીફીક રોલ છે, અરજદાર ત્રણ વર્ષથી નાસતા ભાગતા ફરે છે, હાજરી સીકયોર્ડ નથી, અરજદાર વીરૂધ્‍ધ પ્રથમ દર્શનીય પુરાવો છે. ભોગ બનનાર ઉપર બંને ભાઈઓએ મળી કુલ પાંચ વખત ગુજારેલ બળાત્‍કારની કોઈને વાત કરી છે તો નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની તથા ભોગ બનનારના માસીના મકાનનો કબ્‍જો લઈ લેવાની ધમકી તથા સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુન્‍હો આચરેલ હોય, અરજદારનો ગુન્‍હાહીત ભુતકાળ હોય વિગેરે રજુઆતો સાથે સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓ રજુ કરી જામીન અરજી રદ કરવા અરજ ગુજારેલ હતી.

તમામ પક્ષોની રજુઆતો પોલીસ પેપર્સ, ત.ક.અધીકારીનુ સોગંદનામુ, મુળ ફરીયાદીના વાંધા લક્ષે લેતા અને બનાવનુ સ્‍વરૂપ જોતા એવુ જણાય છે કે અરજદાર/આરોપી સામે નોંધાયેલ ગુન્‍હો ગંભીર પ્રકારનો છે. આરોપીને જામીન ઉપર મુક્‍ત કરવાથી ભોગ બનનારસ્ત્રી હોય તેણીને ડરાવી, ધમકાવી, તોડી ફોડી નાખવા અને સમાધાન કરવા દબાણ તેવી દહેશત હોય બનાવનુ સ્‍વરૂપ જોતા અરજદારની કસ્‍ટ્રોડીયલ ઈન્‍ટ્રોગેશન વગર તપાસ થઈ શકે તેમ નહી હોવાનુ ફરીયાદ પક્ષે કરેલ રજુઆત ગ્રાહય રાખવા પાત્ર જણાતી હોય તેમજ ગુનો સમાજ વિરોધી હોય ત્‍યારે અરજદારને આગોતરા જામીનપર મુક્‍ત કરવા અદાલલતે વિવેક બુધ્‍ધી સતાનો ઉપયોગ અરજદારની તરફેણમા કરવો ન્‍યાયોચીત ન હોવાનુ માની આરોપી અલ્‍પેશ મહેન્‍દ્રભાઈ ભીંડીની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામના ભોગ બનનાર ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, જસ્‍મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સરકાર તરફે પરાગ શાહ રોકાયેલ હતા.(૨.૧૨)

(11:52 AM IST)