તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
જેતપુરમાં સાત દિવસીય શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ - શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞ
પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા દીક્ષિત પત્ની શ્રી જાનકી વહુજી દ્વારા ભારત ભરમાં ૧૫ મો યજ્ઞ યોજાશે : સોમયજ્ઞમાં પ્રવર્ગ્ય અગ્નિ શીખા અંતર્ગત ૩૦ ફૂટ ઊંચો અગ્નિ મંત્રોચ્ચાર દ્વારા કરાય છે જેમાં નારાયણ ના સ્વરૂપ ના દર્શન થાય છેઃ ૨૮મી ઓકટોબરે ભવ્ય શોભાયાત્રા નિકળશેઃ યજ્ઞ કરવા માટે દક્ષિણ ભારતમાંથી ભુદેવો આવશેઃ યજ્ઞની ઇંટ, ભસ્મ પ્રસાદીરૂપે અપાશેઃ સનાતનપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ જેતપુર શહેરમાં બીજી વખત અને ભારત ભરમાં ૧૨મા શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન જીવમાત્રના સુખ, સમૃદ્ધિ, કલ્યાણ અર્થે અગ્નિહોત્રી દીક્ષિત પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા દીક્ષિત પત્ની અ. સૌ. પૂ. શ્રી જાનકી વહુજી ના સર્વાધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના આગેવાની મા યોજાશે.
યજ્ઞ શબ્દ જ્યાં જ્યાં વપરાય છે તે સોમયજ્ઞના સંદર્ભમાં વપરાય છે. સોમયજ્ઞનું નામ એટલે છે કે યજ્ઞમાં સોમવલ્લી નામક વનસ્પતિનો હોમ કરવામાં આવે છે. હોમ એટલે યજ્ઞ તે બે પ્રકારના હોય છે. શ્રૌત અને સ્માર્ત. શ્રૌત એટલે શ્રુતિ (વેદ)ને અનુરૂપ અને સ્માર્ત એટલે સ્મૃતિ (મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પારાશર સ્મૃતિ વગેરે) અનુસારના કર્મ અથવા યજ્ઞ. શાષોમાં શ્રૌતકર્મની ઉત્તમતા બતાવવામાં આવી છે. શ્રૌતકર્મોમાં પણ સોમયજ્ઞની સર્વોચ્ચતા બતાવવામાં આવી છે. સોમવલ્લી માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા માં પોતાના સ્વ મુખે આદેશ કરે છે કે સોમો ભૂત્વા રસાતમકઃૅ અર્થાત્ સોમવલ્લી સોમ સોમરસ રૂપે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે
સોમયજ્ઞના મુખ્ય સાત પ્રકાર છે, જેને સપ્ત સોમ સંસ્થા કહેવામાં આવે છે અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, , અતિરાત્ર (ઉક્થ્ય-ષોડશી-અતિરાત્ર), આપ્તોર્યામ અને વાજપેય.
પુ. પૂ. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી સાગ્નિચિત દીક્ષિત નિત્ય અગ્નિહોત્રી છે. તેઓ શ્રી વૈદિક પરંપરા અનુસારનું અગ્નિહોત્ર નિત્ય સૂર્યોદય અને સૂર્યાસ્તેના સમયે કરે છે. આપશ્રી વૈદિક પરંપરા અનુસારનું આચરણ અને વૈદિક કર્મમાં પણ અપાર રૂચિ ધરાવે છે.
સોમયજ્ઞ એ ભક્તિનું કર્મમાર્ગીય સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ આપના અવતારકાલ દરમ્યાન દર્લભ ૨૨ સોમયજ્ઞો કર્યા હતા. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણે પણ સોમયાગ કર્યાના ઉલ્લેખ મળે છે. સોમયજ્ઞ સ્થળ સમગ્ર બ્રહ્માંડના કેન્દ્રનું સ્વરૂપ ધારણ કરે છે. બધા જ તીર્થો મંડપમાં આવીને વાસ કરે છે. સોમયજ્ઞની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. ભાવિકો ૧૦૦૮ પરિક્રમા કરે છે
સોમયજ્ઞનું મહાત્મ્ય નિઃસંતાન દંપતીઓમાં વિશેષ છે. અને પિતૃ દોષ નિવારણ માટે પણ લાભ લેવો જોઈએ. સોમયજ્ઞમાં કરેલ દાન અનેકગણું ફળ આપે છે અને સોમયજ્ઞની ભિક્ષામાં સુવર્ણદાન નું વિશેષ ફળ મળે છે. આ યજ્ઞમાં થતી અક્ષત વર્ષા ના અક્ષત અને પૂર્ણાહુતિ બાદ હવનકુંડ ની ઇંટો, ભસ્મ લોકો પ્રસાદી સ્વરૂપે લઈ જાય છે.
આ સોમ યજ્ઞ જેતપુરના આંગણે આગામી તા. ૨૮/૧૦/૨૫ થી ૩/૧૧/૨૫ સાત દિવસ સુધી રાજવાડી પાછળ, જૂનાગઢ રોડ, બી.એ.પી.એસ. મંદિર સામે, સવારે ૮ થી રાત્રે ૯ કલાક યોજાશે. જેમાં તા. ૨૮ ના રોજ સાંજે ૫ કલાકે બહોળી સંખ્યામાં વૈષ્ણવોની હાજરીમાં શોભાયાત્રા નીકળી યજ્ઞશાળા ખાતે પહોંચશે. તા. ૨૯ બુધવાર ના સવારે ૭ કલાકે ગણેશ સ્થાપન, ૯ કલાકે શ્રી વિષ્ણુગોપાલયાગ સંકલ્પ, યજ્ઞ પ્રારંભ, સાંજે ૫ કલાકે ભૂમિ શુદ્ધિ, ઉદ્ક શાંતિ, દીક્ષા ગ્રહણ, અક્ષત વર્ષા, ભિક્ષા ગ્રહણ, તા. ૩૦ ગુરૂવાર તેમજ તા. ૩૧ શુક્રવારના સવારે ૧૦ કલાકે અને સાંજે સાંજે ૫ કલાકે પ્રવર્ગ્ય ૩૦ ફૂટ ઊંચી અગ્નિ શિખાના દર્શન બાદ સાંજે ભિક્ષા અને અક્ષત વર્ષા, તા. ૧ શનિવારે સવારે ૮ અને ૧૦ કલાકે અગ્નિ શિખાના દર્શન બાદ સાંજે ભિક્ષા અને અક્ષત વર્ષા તા. ૨ રવિવાર સવારે ૧૦ કલાકે અતિ મહત્વનો સુત્યાહ સોમરસ હોમ અને સાંજે ૫ કલાકે થી રથયાત્રા, સ્વર્ગારોહણ, પિતૃદોષ શાંતિ, પિડદાન યજ્ઞના અંતિમ દિવસ તા. ૩ સોમવાર ના બપોરે ૧:૩૦ કલાકે શ્રીફળ હોમ અને સાંજે વિજય યાત્રા નીકળશે. આ વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞ ની વૈદિક અને શાષોત મંત્રોચ્ચાર સાથે વિધિ ખાસ દક્ષિણ ભારતના ૨૦ પંડિતો દ્વારા કરવામાં આવશે.
આ સોમ યજ્ઞ ના મુખ્ય મનોરથી તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પરિવાર સાથે લાભ લેશે. તેમજ શહેર અને બહાર ગામના અગ્રણી આગેવાનો, રાજકીય અગ્રણીઓ સહિત ના સુરત, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સહિતના ગામો માંથી વૈષ્ણવો ઉમટી પડશે. આ મહોત્સવ અંગે માહિતી આપતા સમિતિ પ્રમુખ જેન્તીભાઇ રામોલિયા એ જણાવ્યું હતું કે ૧ લાખ થી પણ વધુ લોકો લાભ લેશે તેની વ્યવસ્થા અને યજ્ઞના સફળ સફળ આયોજન માટે ૨૦૦ થી પણ વધુ વૈષ્ણવ ભાઈ - બહેનો ની ટીમ જહેમત ઉઠાવી રહી છે. યજ્ઞમાં બેસવા માટે કાર્યાલય અમર નગર રોડ, વૃંદાવન પાર્ક, શેરી નં. ૩, નો સંપર્ક સાધવો. આયોજન ની સફળતા માટે સમિતિ પ્રમુખ જયંતિભાઈ રામોલિયા, પ્રાગજીભાઈ, ઉમેશભાઈ પાદરીયા, સવજીભાઈ બુટાણી, આર. કે. ચોચા, હરેશભાઈ ગઢીયા, કેતનભાઇ રૂપારેલિયા, જયેશભાઈ સહિત ની ટીમ ખડે પગે સેવા બજાવી રહી છે. તસ્વીરમાં ગોસ્વામી ૧૦૦૮ શ્રી રઘુનાથ મહારાજશ્રી એ.સૌ. ગોસ્વામી ૧૦૫ શ્રી ગિરધરલાલજી મહોદય, ગોસ્વામી ૧૦૫ શ્રી ગોવિંદરાયજી મહોદય સાથે પ્રાગજીભાઇ વાછાણી અને ગાંગાભાઇ જાડેજા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૦)
(11:50 AM IST)










