તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
દિવાળીની સફાઇ કરતી વખતે માળીયા પરથી પટકાતાં ૧૭ વર્ષની શોભનાનું મોત
મોરબીના બગથળા ગામનો બનાવઃ સારવારમાં રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: દિવાળીના તહેવારની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે દરેક ઘરોમાં અઠવાડીયા દસ દિવસ અગાઉ સાફસફાઇ શરૂ થઇ જતી હોય છે. દરમિયાન મોરબીના બગથળા ગામે દિવાળીની સાફસફાઇ કરતી વખતે ૧૭ વર્ષની સગીરા માળીયા પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મળ્યા મુજબ બગથળા ગામે રહેતી શોભના જસમતભાઇ મકવાણા (ઉ.વ.૧૭) ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે ઘરના માળીયા પર સફાઇ કામ કરતી હતી ત્યારે અકસ્માતે નીચે પટકાતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેણીને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર શોભના એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. દિકરીના મૃત્યુથી પરિવારની તહેવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી. (૧૪.૫)
(4:09 PM IST)










