તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
મ્યુનિ.કોર્પોરેશનના ઇન્ચાર્જ ટાઉન પ્લાનીંગ ઓફીસર સુમરાની બદલી
ટી-પી વિભાગ નોધારો ચાર્જ કોઇને નહિ રૂડાના પ્રવરનગર નિયોજક સુમરાને સુરત મુકાયાઃ તેમની મૂળ જગ્યાએ જૂનાગઢ સતામંડળના રામસિંગ પરમારને મુકાયા

રાજકોટ, તા., ૧૬ : રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના વર્ગ-૧ના રાજકોટ સહિતના ૭અધિકારીઓની બદલી કરી છે. રાજકોટ કોર્પો.માં ફેબ્રુઆરી મહિનાથી ટીપીઓનો વધારાનો ચાર્જ સંભાળનારા કિરણ આર. સુમરાની પણ સુરત બદલી થઇ છે. તો સામે હજુ સુધી સરકારે મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ચાર્જ કોઇને સોંપ્યો નથી.
રૂડાના નગર નિયોજક કિરણ સુમરા અને દિનકર પટેલને સુરત મુકવામાં આવ્યા છે. અમદાવાદના વિવેક પારેખને ગાંધીનગર વડી કચેરી, સુરતના કૌશિક પટેલને નવસારી, ગાંધીનગરના પરીન ગાંધીને જૂનાગઢ મહાપાલિકામાં મુકવામાં આવ્યા છે.
શહેરી વિકાસ વિભાગના નિકુંજ શાહને ગાંધીનગર વડી કચેરી, જામનગર સત્તામંડળના મુકુંદરાય કોઠીયાને અને જુનાગઢ સત્તામંડળ રામસિંગ પરમારને અનુક્રમે રૂડા અને રાજકોટ નગર રચના યોજનામાં મુકવામાં આવ્યા છે. વડોદરાના દર્શિત પટેલને નગર રચના યોજના સાથે અમદાવાદનો ચાર્જ,પ્રતિક ગીલેટવાળાને અમદાવાદથી ગાંધીનગર, હિમાંશુ પરમારને અમદાવાદ, દિનેશ રાઠોડને વડોદરાથી બદલાવી ગાંધીનગર મુકવામાં આવ્યા છે.
હાલ રાજકોટ પુરતી વાત કરીએ તો દોઢ વર્ષ પહેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ટીપીઓની જગ્યા ખાલી પડી હતી. તેમની જગ્યાએ રૂડામાં ફરજ બજાવતા સુમરાને મુકવામાં આવ્યા હતા.
(3:43 PM IST)










